કાપડિયા, ટોકરશી લાલજી
January, 2006
કાપડિયા, ટોકરશી લાલજી (જ. 19 જાન્યુઆરી 1916, પત્રી, કચ્છ; અ. 16 માર્ચ 1996, હૈદરાબાદ) : અગ્રણી સમાજસેવક. બાળપણમાં અનિવાર્ય જેટલું શિક્ષણ લઈ નોકરી અર્થે મુંબઈ અને મ્યાનમાર (બર્મા) ગયા. બીજા વિશ્વયુદ્ધ (1939-45) દરમિયાન જાપાને મ્યાનમાર પર બૉંબમારો કરતાં ત્યાંથી સ્વદેશ પરત આવી હૈદરાબાદમાં હાસમજી પ્રેમજીની કંપનીમાં નોકરી સ્વીકારી.
1942માં તેઓ સેવાગ્રામમાં ગાંધીજીને મળ્યા અને પવનારમાં વિનોબાજીના સંસર્ગમાં આવ્યા. ત્યારબાદ 1949માં હૈદરાબાદ રાજ્યનું ભારતમાં વિલીનીકરણ થતાં તેઓ સરદાર વલ્લભભાઈ પટેલ અને સરોજિની નાયડુના પરિચયમાં આવ્યા. સર્વોદયનું કામ કરતાં કરતાં તેઓ પૂ. રવિશંકર મહારાજ અને જયપ્રકાશજીના સંસર્ગમાં પણ આવ્યા અને લોકસેવાની પ્રવૃત્તિઓમાં ખૂંપી ગયા.
ટોકરશીભાઈની પેઢી આંધ્રપ્રદેશમાં તેલીબિયાં અને અનાજના વ્યાપારમાં અગ્રગણ્ય સ્થાન ધરાવતી હતી. તેમણે ત્યાં ખાદ્યતેલ અને લોખંડના ઉદ્યોગોની સ્થાપના કરી હતી. તેઓ ‘આંધ્રપ્રદેશ વ્યાપાર અને ઉદ્યોગ ફેડરેશન’ના પ્રમુખપદે રહ્યા હતા. તેમણે ખાદ્યતેલ-ઉદ્યોગ અને વ્યાપારની મધ્યસ્થ સંસ્થાના ઉપપ્રમુખ અને ચૅરમૅન તરીકે પણ સેવાઓ આપી હતી. રાજ્ય લઘુતમ વેતન સલાહકાર બૉર્ડ, સેલ્સટૅક્સ સલાહકાર સમિતિ, દક્ષિણ ભારત આયાતનિકાસ સલાહકાર સમિતિ, નાનાં બંદરોનું વિકાસ બૉર્ડ વગેરે સંસ્થાઓ સાથે તેઓ ઘનિષ્ઠ રીતે સંકળાયેલા હતા.
તેઓ હૈદરાબાદ તથા સમગ્ર આંધ્રપ્રદેશની અનેક સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા હતા. તેઓ આંધ્રપ્રદેશ ચક્ષુ બૅંક ફેડરેશનના કો-ચૅરમૅન; ટી. એલ. કાપડિયા ચક્ષુ બૅંકના ઉપપ્રમુખ; સરોજિનીદેવી ચક્ષુ હૉસ્પિટલ, મહાવીર સ્મૃતિ હૉસ્પિટલ, નિસર્ગોપચાર આરોગ્ય સંસ્થા વગેરે સાથે સંકળાયેલા હતા. આંધ્રપ્રદેશની સર્વોદય અને ગ્રામસ્વરાજની સંસ્થાઓ સાથે પણ તેઓ સંલગ્ન અને સક્રિય રહ્યા હતા. બિહાર અને ઓરિસામાં ભૂતકાળમાં આવેલા પૂર સમયે અને આંધ્રપ્રદેશના વાવાઝોડા વખતે તેઓ રાહત અને પુનર્વસવાટનાં કાર્યોમાં અગ્રેસર રહ્યા હતા.
વિશ્વ તેલુગુ પરિષદના તેઓ એક અગ્રણી આયોજક હતા. આંધ્રની તેલુગુ અને હિન્દી વિદ્યાપીઠ, તેલુગુ સંસ્કૃતિ સંગ્રહાલય, કલાભારતી વગેરે સંસ્થાઓ દ્વારા તેમણે તેલુગુ ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના વિકાસમાં ગણનાપાત્ર ફાળો આપ્યો હતો.
તેમણે આંધ્રપ્રદેશ ગુજરાતી સમાજના પ્રમુખ અને અખિલ ભારતીય ગુજરાતી સમાજના ઉપપ્રમુખપદ દ્વારા દક્ષિણ ભારતમાં વસેલા ગુજરાતીઓના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો. તેમણે યુરોપ, અમેરિકા, કૅનેડા, જાપાન, હૉંગકૉંગ, સિંગાપોર વગેરે દેશોનો પ્રવાસ કર્યો હતો.
તેમણે ‘જીવન અને જાગૃતિ’, ‘નિવૃત્તિ અને પ્રવૃત્તિ’ અને ‘ડાઇનૅમિક્સ ઑવ્ માય લાઇફ’ નામનાં પુસ્તકો લખ્યાં છે.
તેમની સેવાઓની કદર રૂપે તેમને ‘કચ્છરત્ન’, જૈન એવૉર્ડ, ગુજરાતી પ્રગતિ સમાજ – હૈદરાબાદ તરફથી પ્રતિષ્ઠિત પ્રમુખ એવૉર્ડ, અખિલ ભારતીય તેલઉદ્યોગ અને વ્યાપારની મધ્યસ્થ સંસ્થા તરફથી ‘ભીષ્મપિતા’ અને 1994માં વિશ્વગુર્જરી રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનવામાં આવ્યા હતા.
જિગીશ દેરાસરી