કાપડિયા, કનૈયાલાલ મોતીલાલ
January, 2006
કાપડિયા, કનૈયાલાલ મોતીલાલ (જ. 1908, નવસારી; અ. 1967) : વિખ્યાત ભારતીય સમાજશાસ્ત્રી. મુંબઈ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત વિષય સાથે 1930માં બી.એ. તથા 1938માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. શરૂઆતમાં નવસારી તથા મુંબઈમાં સંસ્કૃતના શિક્ષક તરીકે સેવા આપી. 1943થી 1959 સુધી મુંબઈ વિશ્વવિદ્યાલયમાં સમાજશાસ્ત્રના અધ્યાપક રહ્યા.
સમાજશાસ્ત્ર પરના તેમના ગ્રંથોમાં ભારતની કુટુંબવ્યવસ્થા વિશેનું તલસ્પર્શી, સૂક્ષ્મ અને આધારભૂત વિશ્લેષણ સાંપડે છે. શહેરીકરણના વિકાસ અને વિસ્તરણ સાથે સંયુક્ત કુટુંબપદ્ધતિનો હ્રાસ થશે તેવો ભય અવાસ્તવિક છે તેવું તેમનું મંતવ્ય હતું.
‘ઇન્ડિયન સોશિયોલૉજિકલ સોસાયટી’ની સ્થાપના (1952) થઈ ત્યારથી તેમના અવસાન સુધી તે તેની સાથે જોડાયેલા હતા.
તેમના ગ્રંથોમાં ‘હિંદુ કિનશિપ’ (1947) તથા ‘મૅરેજ ઍન્ડ ફૅમિલી ઇન ઇન્ડિયા’ (1955) વિશેષ નોંધપાત્ર છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે