કાન્હડદે પ્રબંધ (1456) : જૂની ગુજરાતીનું ઐતિહાસિક પ્રબંધકાવ્ય. ચરિત્રાત્મક રચના, વીરરસપ્રધાન કાવ્ય, ઇતિહાસ સાથે ઇષત્ કવિકલ્પનાના અંશોવાળું, રસપ્રદ કથાનક ધરાવતું કાવ્ય. રચયિતા કવિ પદ્મનાભ પંદરમા શતકના જૂની ગુજરાતી ભાષાના ગણનાપાત્ર કવિ, વીસલનગરા નાગર બ્રાહ્મણ, વિદ્વાન અને બહુશ્રુત કાવ્યસેવી, જાલોરના રાજા અખેરાજજીના આશ્રિત રાજકવિ, ‘પુણ્યવિવેક’ના બિરુદથી તત્કાલીન કાવ્યજ્ઞોમાં પ્રસિદ્ધ.
કૃતિના કેન્દ્રસ્થાને અખેરાજજીના પ્રતાપી પૂર્વજ કાન્હડદે (કૃષ્ણદેવ) ચૌહાણનાં શૌર્ય અને સમર્પણની કથા, ગુજરાતના વાઘેલા વંશના રાજા કરણદેવે પ્રધાન માધવમંત્રીની અવમાનના કરી, મંત્રીએ ક્રુદ્ધ થઈ દેશદ્રોહ કર્યો, અલાઉદ્દીન ખિલજી નામના મુસ્લિમ સુલતાનને ગુજરાત પર આક્રમણ કરવા પ્રેર્યો, સુલતાનની સેનાને પોતાના પ્રદેશમાંથી જવા માટે કાન્હડદેએ માર્ગ ન આપ્યો; બાદશાહ રૂઠ્યો, સોમનાથ થઈ ત્યાં મંદિર તોડી, લૂંટફાટ કરી વળતાં કાન્હડદેના જાલોર પર આક્રમણ કર્યું. ત્યારે કાન્હડદેએ, તેના ભાઈ માલદેએ, પુત્ર વીરમદેવે, ભત્રીજા સાંતલસિંહે, મોડાસાના બતડ ઠાકોરે તેમજ સેનાપતિઓ જયત દેવડાએ, લખણ સુભટે — સૌએ સુલતાનની સેનાનો ભારે વીરતાથી સામનો કર્યો, એમાં અપાર શૌર્ય દાખવી મૃત્યુને વર્યા તેથી વીરરસ; રાજપૂત રાણીઓએ જૌહર કર્યું (ચિતાસ્નાન કર્યું) તેથી સમર્પણ ને વીરકરુણ; હિન્દુત્વના અભિમાનથી પદ્મનાભે કાન્હડદેના પુત્ર વીરમદેને એકપક્ષી પ્રેમ કરતી અલાઉદ્દીનની પુત્રી પીરોજાની પ્રણયકથા ગૂંથી છે, એ નિમિત્તે શૃંગારરસ; વીરમદેનો ઇન્કાર તેથી વિપ્રલંભશૃંગાર; વીરમદેના મૃત્યુ પછી પીરોજાના શોક-કલ્પાંતથી નિષ્પન્ન થતો કરુણ; વીરમદેનું મસ્તક પીરોજા પાસે અવળું ફરી જાય જેવાં ર્દશ્યોમાં અદભુત — કાન્હડદે પ્રબંધનાં એ રસસ્થાનો. સોમનાથ – મારવાડ, જાલોર, મોડાસા જેવાં સ્થળોનાં વર્ણનો તેમજ યુદ્ધનાં વર્ણનોથી સમૃદ્ધ એવું ઐતિહાસિક પ્રબંધકાવ્ય.
તત્કાલીન લોકાચાર, ધંધારોજગાર, શસ્ત્રાસ્ત્ર, નગરરચના આદિની માહિતી દર્શાવતી ઐતિહાસિક વાતાવરણયુક્ત આ કૃતિ છે.
તે દુહા, ચઉપઈ (ચોપાઈ), પવાડું અને ગીતના ઢાળનો પદબંધ ધરાવે છે.
પંદરમા સૈકાની જૂની ગુજરાતી અને રાજસ્થાનીનું મિશ્ર રૂપ આ પ્રબંધની ભાષામાં જોવા મળે છે.
ભાનુપ્રસાદ પંડ્યા