કાન્ત (જ. 20 નવેમ્બર 1867, ચાવંડ; અ. 16 જૂન 1923) : ગુજરાતી કવિ, નાટ્યકાર અને ધર્મચિંતક. આખું નામ મણિશંકર રત્નજી ભટ્ટ. માતા મોતીબાઈ. પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ માંગરોળ, મોરબી અને રાજકોટમાં. બી.એ. 1888માં, મુંબઈમાંથી, લૉજિક અને મૉરલ ફિલૉસૉફીના વિષયો સાથે. 1889માં થોડો વખત સુરતમાં શિક્ષક તરીકે કામ કર્યા પછી 1890-1898 સુધી વડોદરાના કલાભવનમાં સાહિત્યશાસ્ત્રના અધ્યાપક અને ઉપાચાર્ય તથા એની અંગભૂત ટ્રેનિંગ કૉલેજના આચાર્ય તરીકે રહ્યા. પ્રથમ પત્નીના અવસાને કાન્તને તીવ્ર મર્માઘાત કર્યો. કૉલેજકાળમાં અજ્ઞેયવાદી અને પછીથી થિયૉસૉફીથી આકર્ષાયેલા કાન્ત હવે ઈશ્વરનું અસ્તિત્વ માનતા અને ભક્તિની આવશ્યકતા સ્વીકારતા થયા અને વિભિન્ન ખેંચાણો અનુભવતાં અનુભવતાં 1898માં લગ્નસ્નેહની દિવ્યતા પ્રબોધતા અને સ્વર્ગમાં પણ સ્ત્રીપુરુષના આત્માના મિલનની ખાતરી આપતા સ્વીડનબૉર્ગીય ખ્રિસ્તી ધર્મમાં જઈને વિરમ્યા. આ ખ્રિસ્તી ધર્મ-સ્વીકાર કામચલાઉ નીવડ્યો, પણ ભાવનગર ગયા પછી 1900માં કરેલો જાહેર સ્વીકાર જ્ઞાતિબહિષ્કૃત થવાથી કરેલા પ્રાયશ્ચિત્તના પ્રયત્નો પછીયે જિંદગીભરનો હૃદયધર્મ બની રહ્યો. 1898થી 1923 સુધી કાન્તે ખ્રિસ્તી ધર્મસ્વીકારને કારણે થયેલા થોડા વિક્ષેપ સાથે ભાવનગર રાજ્યમાં શિક્ષણાધિકારી તરીકે અને પાછળથી દીવાનની ઑફિસમાં કામગીરી બજાવી. 1923માં કાશ્મીર ગયા. ત્યાંથી પાછા ફરતાં રાવળપિંડીથી લાહોર આવતી મેલટ્રેનમાં એમનું અવસાન થયું.
કાન્તની મહત્ત્વની ઘણીખરી કાવ્યરચનાઓને સમાવતા ‘પૂર્વાલાપ’(1923; રા. વિ. પાઠક-સંપાદિત સંવર્ધિત આવૃત્તિ, 1926)માં અંગ્રેજી કવિતાના પ્રભાવ નીચે વિકસતી આવેલી અર્વાચીન ગુજરાતી કવિતાનું પ્રૌઢ સ્વાયત્ત રૂપ પહેલી વાર પ્રગટ થાય છે. એમાં, પછીથી ‘ખંડકાવ્ય’ એ સંજ્ઞાથી ઓળખાયેલાં વૃત્તાન્તકાવ્યો કાન્તનો કવિપ્રતિભાનો વિશિષ્ટ ઉન્મેષ છે ને એ પ્રકારનાં કાવ્યોનો માનદંડ બની રહ્યાં છે. ‘વસંતવિજય’, ‘ચક્રવાકમિથુન’ અને ‘દેવયાની’ – એ ત્રણ ખંડકાવ્યોમાંની કાન્તની સિદ્ધિ તો હજુ સુધી અનુત્તમ ગણાય છે. નવેકની સંખ્યામાં મળતાં ખંડકાવ્યો કરતાં ઊર્મિકાવ્યો જથ્થામાં ઘણાં વધારે છે. એમાંનાં ઘણાં કાન્તના અંગત જીવનમાંથી ઉદ્ભવેલી ને પ્રાસંગિક રચનાઓ છે, તેમ છતાં ‘ઉપહાર’, ‘ઉદગાર’, ‘વત્સલનાં નયનો’ અને ‘સાગર અને શશી’ જેવી રચનાઓ ગુજરાતી ભાષાના આભરણ સમી બની ગયેલી છે.
1908થી 1914 દરમિયાન ભાવનગરના મહારાજા ભાવસિંહજીની સૂચનાથી લખાયેલાં કાન્તનાં ચાર નાટકોમાંથી ‘સલીમશાહ અથવા અશ્રુમતી’ (અપ્રસિદ્ધ) અને ‘દુ:ખી સંસાર’(1915)માં ડાહ્યાલાલ શિવરામ કવિનું સહકર્તૃત્વ છે. ‘સલીમશાહ’માં જાતિભેદ અને તજ્જન્ય વૈરની દીવાલને તોડવા મથતી પ્રતાપપુત્રી અશ્રુમતી અને સલીમશાહના પ્રેમની કરુણમુલાયમ કલ્પિત કથા વર્ણવાયેલી છે, ‘ગુરુ ગોવિંદસિંહ’(બે નાટકો, 1924)માં સ્વદેશીનો સીમાડો છોડી સર્વદેશીપણાને આંબવા જતી હિન્દુ-મુસ્લિમ ઐક્યની ભાવના આલેખાઈ છે અને ‘રોમન સ્વરાજ્ય’(બે નાટકો, 1924)માં રાજાશાહી વિરુદ્ધ પ્રજાશાસનનો એક નવીન અને પ્રભાવશાળી વિચાર બીજરૂપે પડેલો છે; પણ ‘દુ:ખી સંસાર’ એક સામાન્ય સંસારચિત્ર માત્ર છે. દેશી નાટક સમાજે ‘રોમન સ્વરાજ્ય’ને ફેરફારો સાથે ભજવેલું અને કાન્તના નામ વિના ‘જાલિમ ટુલિયા’ નામથી પ્રસિદ્ધ કરેલું (1912) તેમાં તથા ‘દુ:ખી સંસાર’માં ધંધાદારી રંગભૂમિની અતિરંજકતા છે, પરંતુ અન્ય નાટકોમાં લોકભોગ્યતાના અંશો હોવા છતાં શિષ્ટ રુચિ અને સાહિત્યિકતાની આબોહવા પ્રવર્તે છે.
1897ના અરસામાં લખાયેલા જણાતા કાન્તના પાંચ સંવાદો (કલાપી-કાન્તના સંવાદો, બીજી આવૃત્તિ 1923) એકંદરે વિચારચર્ચાના નિબંધો છે. તેમાં તથા અધૂરી વાર્તા ‘કુમાર અને ગૌરી’ (1910) તથા ‘હીરામાણેકની એક મોટી ખાણ’(બીજી આવૃત્તિ, 1912)માં કાન્તનાં કેટલાંક લાક્ષણિક વિચારવલણો વ્યક્ત થયેલાં છે. ‘ખરી મોહોબત અથવા ગુલબાસનું ફૂલ’ (1882) દલપતરામ વલ્લભદાસ પાઠકના જોડિયા નામથી પ્રસિદ્ધ થયેલી, કેટલાક પદ્ય-અંશો ધરાવતી, લગ્નેતર સ્નેહના વિષયવસ્તુવાળી કાન્તની કિશોરવયની વાર્તા છે.
જગતના – વિશેષે યુરોપના – શિક્ષણપ્રવાહોનું વિસ્તૃત અવલોકન કરતો ‘શિક્ષણનો ઇતિહાસ’ (1895) અનેક ગ્રંથોના દોહનરૂપ એક આકરગ્રંથ છે. ‘જ્ઞાનસુધા’માં 1895માં ક્રમશ: પ્રગટ થયેલ ‘સિદ્ધાન્તસારનું અવલોકન’ (1920) મણિલાલના વેદાન્તવિષયક ઉક્ત ગ્રંથની, કલ્પિત કાન્તના વિધવા કાન્તા પરના પત્રોનું રસિક રૂપ ને માર્મિક કટાક્ષકલા ધરાવતી તીખી સમીક્ષા છે. ‘દિનચર્યા’ (1900) સ્વતંત્ર પુસ્તિકા રૂપે છપાયેલો નાનકડો નિબંધ છે, તો કલાપીના ગ્રંથોની પ્રસ્તાવનાઓ ને અન્ય થોડાક નિબંધો-વ્યાખ્યાનો રૂપે કાન્તનું સાહિત્ય-વિવેચન પણ મળે છે. તે ઉપરાંત, કાન્તે ‘બ્રિટિશ અને હિંદી વિક્રમ’ (1914-1919) તથા ‘ધ હાર્ટ ઑવ્ ઇન્ડિયા’ (1915) એ સામયિકો ચલાવેલાં તેમાં તથા અન્યત્ર એમનાં પ્રકીર્ણ-સ્વતંત્ર-અનુવાદિત ગદ્યલખાણો છે. ‘પ્રસ્થાન’ જ્યેષ્ઠ 1983 (1927)માં કાન્તની બે આત્મકથાત્મક નોંધો છપાયેલી છે. તેમાં, ‘કાન્તમાલા’(1924)માં ને અન્યત્ર કાન્તનો વિપુલ પત્રરાશિ પ્રગટ થયેલો છે.
‘લગ્નસ્નેહ અને તેનાં વિશુદ્ધ સુખો’ (1897) વગેરે સ્વીડનબૉર્ગીય ગ્રંથો બાઇબલનાં પ્રકરણો તથા ‘ઍરિસ્ટોટલનું નિકોમિકિયન નીતિશાસ્ત્ર’ (1912), ટાગોરની ‘ગીતાંજલિ’ (1919 – મહારાણી નંદકુંવરબાના નામે) જેવા પ્રશિષ્ટ ગ્રંથોના મળીને, અંગ્રેજીમાંથી થયેલા કાન્તના 10 અનુવાદગ્રંથો પ્રસિદ્ધ થયેલા છે.
જયંત કોઠારી