કાનો : નાઇજીરિયા દેશના ઉત્તર ભાગમાં ઉચ્ચપ્રદેશની વચ્ચે આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 11o 50′ ઉ. અ. અને 8o 31′ પૂ.રે.. લાગોસ શહેરથી કાનો લગભગ 860 કિમી. ઈશાન ખૂણામાં આવેલું છે. આ શહેરની આસપાસ વિશાળ સંરક્ષણ દીવાલ છે. પાષાણયુગના પ્રાગૈતિહાસિક અવશેષો આ શહેરમાં જોવા મળે છે. તેના પરથી અનુમાન થાય છે કે આ શહેર આશરે ઈ. પૂ. 1000 વર્ષ અગાઉ વસ્યું હશે. સહરાની મરુભૂમિ અને પશ્ચિમ આફ્રિકા વચ્ચે આ શહેર અગત્યનું વ્યાપારી કેન્દ્ર છે. આરબોના સુતરાઉ કાપડનું સુંદર વણાટકામ આ શહેરમાં થાય છે. આ શહેર રેલમાર્ગે લાગોસ અને પૉર્ટ હારકોર્ટ સાથે તથા મોટરમાર્ગે અલ્જિરિયા સાથે જોડાયેલું છે. આધુનિક સવલતોવાળું વિમાનમથક બનતાં આ શહેરનો સુંદર વિકાસ થયો છે. વસ્તી 41,03,000 (2021) છે.
મહેશ મ. ત્રિવેદી