કાનેટ્ટી, એલિયાસ (જ. 25 જુલાઈ 1905; રુસે, બલ્ગેરિયા; અ. 14 ઑગસ્ટ 1994, ઝુરિક, સ્વિટ્ઝર્લૅન્ડ) : જર્મન ભાષામાં લખતા સ્પૅનિશ સાહિત્યકાર. 1981ના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. 1911માં તેમનું કુટુંબ બલ્ગેરિયાથી આવી ઇંગ્લૅન્ડમાં માન્ચેસ્ટરમાં રહ્યું. 1913થી 1914 વચ્ચે એલિયાસ કાનેટ્ટી વિયેના, ઝુરિચ અને ફ્રૅન્કફર્ટમાં રહ્યા હતા. 1924માં તેઓ વિયેના આવ્યા અને 1929માં રસાયણશાસ્ત્રમાં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. 1935માં તેમની નવલકથા ‘ડાય બ્લેન્ડુંગ’ પ્રગટ થઈ, જેનો અનુવાદ ‘The Tower of Babel’ નામે 1947માં યુ.એસ.માં પ્રકાશિત થઈ અને નોબેલ પ્રાઇઝ માટે નિમિત્તભૂતકૃતિ બની અને સાહિત્યસૃષ્ટિમાં તે ખ્યાતિ પામ્યા. આ નવલકથાનો વિદ્વાન નાયક આંતરિક ભાવનાના વાતાવરણમાં વાસ્તવિકતાથી અલિપ્ત રીતે જીવે છે. આવા જીવનમાં બાહ્ય દુનિયાનો પ્રવેશ તેને ભય પમાડે છે અને તેનું પરિણામ અધ:પતન અને પાગલપણામાં આવે છે; તે પોતાનાં પુસ્તકો સાથે ‘માથા વિનાની દુનિયામાં’ બળી મરે છે. કાનેટ્ટીનું સાહિત્યસર્જન અલ્પ પણ મૂલ્યવાન છે. 1938માં નાઝીઓથી બચવા તે પૅરિસ થઈને લંડન ભાગી છૂટે છે; તેમણે આ નવલકથા ઉપરાંત નાટકો, વિવેચનના નિબંધો, પ્રવાસકથા, આત્મકથા, માનવસમૂહ અને ભ્રાંતિ વિશે અભ્યાસગ્રંથ લખેલ છે. તેમના ખાસ મિત્ર લેખક ફ્રાંઝ કાફકા વિશે પણ તેમણે વિવેચનગ્રંથ 1969માં લખ્યો છે. તે યુદ્ધ અને ફાસીવાદ-નાઝીવાદ તથા સરમુખત્યારી કે એકહથ્થું સત્તાના વિરોધી અને શાંતિચાહક હતા.
તેમની કૃતિ ‘ઑહરેન્ઝુગ’(1974)નું પાત્ર વિભિન્ન અવાજોની પાછળ છુપાયેલું છે, જે અર્દશ્ય થવામાં કુશળ છે. તેમનાં પાત્રો પાગલ દુનિયાનાં છે. તેમની કૃતિઓમાં અંધાધૂંધીનું શાસન છે. તેમના નાટક ‘હોરઝૈટ’ (1932 ‘વેડિંગ’)માં ધરતીકંપ જીવ બચાવવાનો સંઘર્ષ લાવે છે. ‘કૉમેડી દર ઐટેલ્કેટ’(1950; ‘કૉમેડી ઑવ્ વૅનિટી’)માં સ્વસૌંદર્યમુગ્ધત્વ (narcissism) અને માનવસમૂહની ભ્રમણાની વાત છે. ‘દાઈ બેફ્રિસ્ટેરન’ (1964 ‘ધ ડેડલાઇન’) નાટકમાં મૃત્યુનું વર્ચસ્ છે. તેમણે લંડનમાં રહી નૃવંશશાસ્ત્રીય અધ્યયનગ્રંથ ‘માસ્સે ઉ-ટ માખ્ટ’(1960 ‘ક્રાઉડ્ઝ ઍન્ડ પાવર’)માં ટોળાંનાં આંદોલનો અને ‘માનસિક ભ્રમણા-ભ્રાંતિ’ પર સંશોધન રજૂ કર્યું છે. તેમની કૃતિ ‘ધ હ્યુમન પ્રૉવિન્સ’(1973)માં ભિન્નભિન્ન નોંધો છે. ‘ધ ટંગ સેટ ફ્રી; રિમેમ્બ્રન્સ ઑવ્ એ યુરોપિયન ચાઇલ્ડ્હુડ’ (1977) અને ‘ધ ટૉર્ચ ઇન માય ઇયર’ (1980) તેમની આત્મકથાના ગ્રંથો છે. ‘વિશાલ ર્દષ્ટિ, વિચારોની સમૃદ્ધિ અને સમર્થ કલા’ માટે તેમને 1981માં નોબેલ પારિતોષિક અપાયું હતું.
કૃષ્ણવદન જેટલી