કાનેટકર, વસંત શંકર (જ. 20 માર્ચ 1922, રહિમતપુર, જિ. સતારા; અ. 30 જાન્યુઆરી 2001, નાસિક) : વિખ્યાત મરાઠી નાટ્યકાર તથા વાર્તા અને નવલકથાના લેખક. ‘રવિકિરણ મંડળ’ના ત્રણ પ્રમુખ કવિઓમાંના એક કવિ ગિરીશના પુત્ર. શિક્ષણ સાંગલી તથા પુણે ખાતે. અંગ્રેજી મુખ્ય વિષય સાથે એમ.એ.ની પદવી પ્રાપ્ત કર્યા પછી નાસિકની એચ.પી.ટી. કૉલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે જોડાયા.

વસંત શંકર કાનેટકર

કુટુંબનું સાહિત્યિક વાતાવરણ, અધ્યાપનકુશળ પિતા પાસેથી મળેલા પ્રોત્સાહનને કારણે કાનેટકરની સાહિત્યપ્રીતિનું સંવર્ધન થયું. ઉપરાંત મરાઠીના અગ્રણી સાહિત્યકાર તથા જ્ઞાનપીઠ પારિતોષિકવિજેતા વિ. સ. ખાંડેકરના સહવાસ તથા માર્ગદર્શનને લીધે કાનેટકરમાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન થયું. સાહિત્યક્ષેત્રના શેક્સપિયર, તુકારામ, શરચ્ચંદ્ર ચૅટરજી તથા મરાઠીના અગ્રણી કવિ કેશવસુત જેવા સાહિત્ય-દિગ્ગજો કાનેટકરના આદર્શરૂપ હતા.

મૅટ્રિકના વર્ગમાં ભણતા ત્યારથી કવિતા, નિબંધ તથા વાર્તા જેવા સાહિત્યપ્રકારોનું સર્જન શરૂ કરેલું. તેમની પ્રથમ વાર્તા 1939માં ‘મનોહર’ માસિકમાં પ્રકાશિત થઈ. નાટ્યલેખન શરૂ કર્યું તે પહેલાં તેમની ઘણી વાર્તાઓ તથા નવલકથાઓ પ્રકાશિત થઈ હતી, જેમાંની કેટલીક વાર્તાઓનો 1971માં ‘લાવણ્યમયી’ નામના સંગ્રહમાં સમાવેશ થયો છે. વાર્તાઓ કરતાં પણ તેમનું નવલકથાસર્જન વધુ વૈશિષ્ટ્યપૂર્ણ છે. ‘ઘર’ (1950), ‘પંખ’ (1953) અને ‘પોરકા’ (1956) – આ ત્રણ મૌલિક તથા ‘તેથે ચલ રાણી’ (1954) એ અનૂવાદિત નવલકથા મળીને તેમની કુલ ચાર નવલકથાઓ પ્રસિદ્ધ થઈ છે. ‘ઘર’ નવલકથામાં યંત્રયુગના નિર્વાસિત માનવીના જીવનનું ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. ‘પંખ’માં નાટક પાછળ પાગલ થયેલી એક મનસ્વી વ્યક્તિની કરુણ કથની છે તો ‘પોરકા’ નવલકથામાં બે કિશોર અવસ્થાનાં અનાથ બાળકોના જીવનપટ ચિત્રિત કરવામાં આવેલ છે. તેમની નવલકથાઓ અનુભવજન્ય છે અને વિષય, આશય, સ્વરૂપ તથા ભાષા – આ ચારેય બાબતોમાં મરાઠી નવલકથાના સર્જનક્ષેત્રે નવો વળાંક સૂચવે છે.

નવલકથાકાર તરીકે કાનેટકર વિશેની વાચકોની અપેક્ષાઓ ટોચ પર પહોંચી હતી તે જ સમયે તે આકસ્મિક અને અનપેક્ષિત રીતે નાટ્યલેખનના ક્ષેત્રમાં દાખલ થયા અને પછી તો ત્યાં જ સ્થિર થયા. ‘વેડ્યાચે ઘર ઉન્હાંત’ (1957) એ તેમનું નાટ્યક્ષેત્રે પ્રથમ સોપાન, જે રંગભૂમિ પર સારી રીતે સફળ થયું. 1957-86ના ગાળામાં તેમણે ત્રીસ કરતાં વધુ નાટકો લખ્યાં જેમાં વિવિધતા, રુચિભિન્નતા તથા પ્રયોગશીલતા જોવા મળે છે. મરાઠી રંગભૂમિના પ્રેક્ષકવર્ગની અભિરુચિ તથા પસંદગી વિશેની સૂક્ષ્મ સમજણને લીધે તેમનાં લગભગ બધાં નાટકો રંગમંચ પર સફળ થયાં; એટલું જ નહિ, પરંતુ તે લાંબા સમય સુધી લોકરુચિને પોષતાં રહ્યાં.

કાનેટકરે ‘વેડ્યાચે ઘર ઉન્હાંત’ જેવાં મનોવિશ્લેષણાત્મક નાટકો તથા ‘દેવાંચે મનોરાજ્ય’, ‘ગોષ્ટ જન્માંતરીચી’, ‘રાયગડાલા જેવ્હાં જાગ યેતે’, ‘ઈથે ઓશાળલા મૃત્યુ’ જેવાં ઐતિહાસિક નાટકો; ‘હિમાલયાચી સાવલી’, ‘વિષવૃક્ષાચી છાયા’ ઇત્યાદિ ચરિત્રાત્મક નાટકો; ‘પ્રેમા તુઝા રંગ કસા’, ‘પ્રેમાચ્યા ગાવા જાવે’, ‘સૂર્યાચી પિલ્લે’ જેવાં કૌટુંબિક હાસ્યરસપૂર્ણ નાટકો; ‘લેકુરે ઉદ્દંડ ઝાલી’ જેવાં ઑપેરા શૈલીનાં પ્રેક્ષકોને ઉદ્દેશીને ચાલતાં સંવાદોવાળાં નાટકો; ‘મત્સ્યગંધા’ જેવું સંગીતનાટક; ‘અશ્રૂંચી ઝાલી ફુલે’, ‘ઘરાંત ફુલલા પારિજાત’, ‘અખેરચા સવાલ’, ‘બેઈમાન’, ‘મલા કાંહીં સાંગાયચય’ વગેરે સુખદુ:ખમિશ્રિત ગંભીર સ્વરૂપનાં નાટકો; પ્રેમભાવનાનો ગંભીરતાથી વિચાર કરનારાં ‘દોન ધ્રુવાવર, દોધે આપણ’, ‘માણસાલા ડંખ માતીચા’, ‘મિસ માધુરી’ વગેરે; શેક્સપિયરની ચાર કરુણાંતિકાઓ(tragedies)ના મિશ્રણમાંથી રચાયેલાં ‘ગગનભેદી’ જેવાં નાટકો રંગભૂમિને અર્પણ કર્યાં છે. તેમણે વીસમી સદીના છેલ્લા દાયકામાં પાંચ નાટકો લખ્યાં હતાં : ‘આંસુ આણિ હસું’, ‘ફક્ત એક જ કારણ’, ‘પહાટવારા શુક્રતારા’, ‘હે હૃદય કસે આઈચે’ અને ‘જગાચયં કશાંસાઠી’ તેમની નાટ્યસૃષ્ટિમાંથી સર્જાયેલું વિશ્વ ઉચ્ચ વર્ણનું છતાં મધ્યમવર્ગીય સંસ્કારશીલ માણસોનું ભાવાત્મક જગત છે. કાનેટકરે પોતાનાં નાટકો દ્વારા આદર્શ જીવનમૂલ્યોનું જતન કર્યું છે. તેમાં પરંપરા અને નવીનતા બંનેનો ઉચિત સુમેળ થયેલો છે. તેમનાં કેટલાંક નાટકોએ તો મરાઠી રંગભૂમિ પર વિક્રમ સર્જ્યો છે.

પરિપક્વ નાટ્યર્દષ્ટિ, સુગ્રથિત અને રસાવહ કથાવસ્તુ, સંઘર્ષપ્રેરક નાટ્યક્રિયાને જાળવી રાખવાની સભાનતા તથા નાટ્યતંત્રની ખૂબીઓની સૂઝને લીધે તેમની ઉત્તમ મરાઠી નાટ્યકાર તરીકે ગણના થાય છે.

ઉષા ટાકળકર

અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે