કાનૂને હુમાયુની (1534) : હુમાયૂં વિશે અને તેના સમયમાં જ લખાયેલું એકમાત્ર પ્રાપ્ય પુસ્તક. તેને ‘હુમાયૂંનામા’ પણ કહે છે. રાજ્યવ્યવસ્થા માટે હુમાયૂંએ જે કાયદા અને નિયમ ઘડ્યા તેમજ તેની આજ્ઞાથી અમુક ઇમારતોનું બાંધકામ કરવામાં આવ્યું તેનું વર્ણન અને પ્રમાણ આ પુસ્તકમાં છે.
આ પુસ્તકના લેખક ગ્યાસુદ્દીન ખાન્દમીર (1475-1535) હેરાતમાં જન્મ્યા, 1528માં આગ્રામાં બાબર પાસે ગયા અને ગુજરાતના આક્રમણ પછી હુમાયૂં સાથે પાછા ફરતાં 1535માં દેહાંત પામ્યા. તેમને દિલ્હીમાં નિઝામુદ્દીન ઓલિયા અને અમીર ખુસરોની કબર પાસે દફન કરવામાં આવ્યા.
‘કાનૂને હુમાયુની’ પુસ્તક પ્રશિષ્ટ પર્શિયનની ઉત્તમ અલંકૃત શૈલીમાં લખાયેલું છે. તે રૂપકો, ઉપમા, સંકેત, ઉલ્લેખ અને વિરોધાભાસી શબ્દોથી સભર છે તેમજ તેમાં કુરાન, હદીસ અને ઇસ્લામી ઇતિહાસ પણ છે. એવું લાગે છે કે ખાન્દમીરની લેખનશૈલીનું અનુકરણ અબુલ ફઝલે ‘અકબરનામા’માં કર્યું છે.
‘કાનૂને હુમાયુની’ને ઐતિહાસિક કૃતિ કહી શકાય નહિ; પરંતુ અબુલ ફઝલના ‘આઈને અકબરી’ સાથે વધુ સમાનતા ધરાવે છે, કારણ કે મુઘલ સમ્રાટ દ્વારા અમુક ધાર્મિક ક્રિયાઓનું તેમજ જાહેર કરાયેલા કાયદા-કાનૂનોનું પાલન, રાજ્યાભિષેક, વાર્ષિકોત્સવ, જન્મજયંતી અને નૂતન વર્ષ જેવા ઉત્સવોનું વર્ણન, સંવત્સરી અને લગ્નોત્સવ, વિશેષે કરીને પોશાક, બગીચા, હોડી-મછવા વગેરેની વીગતો તેમજ બજારની વસ્તુઓના ભાવમાં વધઘટના આંકડા જેવી માહિતી એમાં આપેલી છે. વળી હુમાયૂંએ દિલ્હી પાસે એક નવા શહેર ‘દીનપનાહ’નો પાયો નાખ્યો તેના વિશે આ પુસ્તકમાં મૂલ્યવાન માહિતી પ્રસ્તુત કરી છે.
મહેમૂદહુસેન મોહમદહુસેન શેખ