કાનૂનગો, નિત્યાનંદ (જ. 4 મે 1900, કટક; અ. 2 ઑગસ્ટ 1988, કટક) : ઓરિસાના રાજદ્વારી નેતા. જન્મ ઓરિસાના કટક ખાતે. રાવેન્શૉ કૉલેજ, કટક તથા યુનિવર્સિટી કૉલેજ, કોલકાતા ખાતે ઉચ્ચ શિક્ષણ લીધું. 1937-39 તથા 1946-52 દરમિયાન ઓરિસા વિધાનસભાના તથા ઓરિસા રાજ્યના મંત્રીમંડળના સભ્ય. ગૃહ, કાયદો, ઉદ્યોગ તથા કૃષિ ખાતાં સંભાળ્યાં. 1952માં ટેક્સ્ટાઇલ ઇન્ક્વાયરી કમિટીના ચૅરમૅનપદે કામ કર્યું. 1952માં કેન્દ્રાથારા મતદાર મંડળમાંથી લોકસભામાં ચૂંટાયા. સપ્ટેમ્બર, 1954થી 1964 દરમિયાન કેન્દ્રીય મંત્રીમંડળના સભ્ય અને તે રૂએ વાણિજ્ય, ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન વગેરે ખાતાંનો હવાલો સંભાળ્યો.
1948માં સાનફ્રાન્સિસ્કો ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનની પરિષદમાં ભારતીય પ્રતિનિધિમંડળના સભ્ય, 1955માં જાકાર્તા ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ રાઇસ કમિશનની પરિષદમાં ભારતીય પ્રતિનિધિમંડળના વડા, 1959માં જિનીવા ખાતે યોજાયેલ ‘ગૅટ’ (GATT) પરિષદમાં ભારતીય પ્રતિનિધિમંડળના વડા તથા 1961માં ઇટાલી ખાતે મોકલાયેલ ઇન્ડિયન ઇકૉનૉમિક મિશનના વડા તરીકે નોંધપાત્ર કામગીરી કરી. માર્ચ 1951માં નવી દિલ્હી ખાતે યોજાયેલ ‘ઈકાફે’(ECAFE)ના અધિવેશનના તેઓ પ્રમુખ હતા. ઑગસ્ટ, 1965થી ડિસેમ્બર, 1967 દરમિયાન તેઓ ગુજરાતના રાજ્યપાલ હતા. તેમણે ઇંગ્લૅન્ડ, અમેરિકા, જાપાન, થાઇલૅન્ડ, ઇન્ડોનેશિયા, ફ્રાન્સ, સ્વિટ્ઝર્લૅન્ડ તથા ઇટાલીનો વિદેશપ્રવાસ ખેડ્યો હતો.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે