કાનખજૂરો : સંધિપાદ સમુદાયના ચિબુકધારી (mandibulata) ઉપસમુદાયના શતપદી (chilopoda-centipoda) વર્ગનું પ્રાણી. જમીન પર વાસ કરતું આ પ્રાણી માંસાહારી અને આક્રમક (predatory) ગણાય છે. તે અત્યંત ચપળ હોય છે. તેના ધડપ્રદેશના છેલ્લા 2-3 ખંડ બાદ કરતાં પ્રત્યેક ખંડમાં પગની એક-એક જોડ હોય છે.

કાનખજૂરો
મોટેભાગે કાનખજૂરાની લંબાઈ 2થી 5 સેમી. જેટલી હોય છે. સામાન્યપણે ઉષ્ણ કટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધના વિસ્તારમાં મળતાં આ પ્રાણીઓની આશરે 2800 જેટલી જાતિઓ નોંધાયેલી છે.
તેના શીર્ષપ્રદેશ પરના સ્પર્શકો અનેક ખંડોમાં વિભાજિત હોય છે. આંખ સાદી હોય કે ન પણ હોય. સ્કોલોપેન્ડ્રા જાતનો ઘરમાં દેખાતો કાનખજૂરો સંયુક્ત આંખ ધરાવે છે. ચલનપગોની પહેલી જોડને નહોર હોય છે. નહોરના નીચેના ભાગમાં વિષગ્રંથિ ખૂલે છે. સામાન્યપણે કાનખજૂરો રંગે પીળો, કથ્થાઈ, લીલાશ પડતો કે લીલો હોય છે. દિવસ દરમિયાન તે સહેજ ભેજ હોય તેવા પથ્થર, પાંદડાંના ઢગલા, ઝાડની છાલ કે કચરાની નીચે રહે છે. જોકે ઘણી વાર તે ઘરમાંથી પણ મળી આવે છે. રાત્રિ દરમિયાન તે શિકાર માટે બહાર નીકળે છે. તેના નહોરના ઝેરી ડંખને લીધે કીટક જેવાં ભક્ષ્યો મરી જાય છે. કાનખજૂરાનું પીડાકારક ઝેર, હીમૉલિટિક ફૉસ્ફૉલિપેઝા અને સેરેટોનિન(5 હાઇડ્રૉક્સિટ્રિપ્ટેમાઇન)નું બનેલું છે. તેના ખોરાકમાં મુખ્યત્વે અળસિયાં, મૃદુકાયો, કરોળિયા, કીટકોનાં ડિમ્ભો, ઘરમાં મળી આવતા કીટકો અને અન્ય નાનાં જીવડાંનો સમાવેશ થાય છે. અન્નમાર્ગ સીધો અને નલિકારૂપ હોય છે. ઉત્સર્જનતંત્રના એકમો તરીકે માલ્પિજિયન નલિકાઓ આવેલી હોય છે. શ્વસનાંગ તરીકે શ્વસનછિદ્રો અને શ્વસન-નલિકાઓ હોય છે. કાનખજૂરા એકલિંગી હોય છે. તેના પ્રજનનાંગો શરીરના પાછલા ભાગમાં ખૂલે છે.
કેટલાક ખાસ કરીને અમેરિકા અને દક્ષિણ એશિયાના કાનખજૂરાના ડંખ માનવને પણ પીડાકારક હોય છે, જેની અસર એકાદ કલાક સુધી રહે છે. ઝેરને લીધે સોજો, તાવ કે ઊલટી પણ થાય છે. સામાન્ય કાનખજૂરામાં સ્કૉલોપેન્ડ્રા, લિથોબિયસ, સ્કુટિગેરા જેવાનો સમાવેશ થાય છે. દક્ષિણ અમેરિકામાં મળી આવતો સ્કૉલોપેન્ડ્રા જાયગૅન્ટ્રિયા સૌથી લાંબો 26.5 સેમી. જેટલો હોય છે.
યોગેશ મણિલાલ દલાલ