કાણેકર, અનંત આત્મારામ

January, 2006

કાણેકર, અનંત આત્મારામ (જ. 2 ડિસેમ્બર 1905, મુંબઈ; અ. 4 મે 1980, મુંબઈ) : મરાઠીના કવિ, લઘુનિબંધકાર, નાટ્યકાર અને પત્રકાર. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. 1925માં બી.એ. થયા. 1930માં કાયદાની સ્નાતક પદવી પ્રાપ્ત કરી. તે પછી 3થી 4 વર્ષ સુધી મુંબઈની વડી અદાલતમાં વકીલાત કરી. 1941માં મુંબઈની ખાલસા કૉલેજમાં મરાઠીના પ્રાધ્યાપક તરીકે જોડાયા અને છ વર્ષ પછી સિદ્ધાર્થ કૉલેજમાં નિવૃત્તિ સુધી શિક્ષણકાર્ય કર્યું. ત્યાં તે મરાઠી વિભાગના અધ્યક્ષ હતા.

અનંત આત્મારામ કાણેકર

1930-40નો દાયકો તેમના બૌદ્ધિક તથા સાહિત્યિક વિકાસની ર્દષ્ટિએ મહત્વનો સાબિત થયો. યુવા-અવસ્થામાં એક જહાલ માર્કસવાદી તરીકે એમણે પ્રસિદ્ધિ મેળવી હતી. લોકમાન્ય ટિળક પછી ભારતના રાજકારણમાં સામ્યવાદીઓ જ સાચા જહાલ રાજકારણીઓ છે તેવી ર્દઢ માન્યતાને લીધે તે સામ્યવાદીઓમાં ભળ્યા. તે જ અરસામાં સુપ્રસિદ્ધ મરાઠી કવિ કે. નારાયણ કાળે તથા શ્રી વિ. વર્તક જેવા સમાનશીલ સ્નેહીજનો સાથે વિવિધ સાહિત્યિક અને સામાજિક વિષયો પર સતત ચર્ચા કરવાની તક તેમને મળી. પ્રગતિશીલ વિચારસરણીના પરિણામરૂપે જ 1933માં તેમણે મુંબઈમાં ‘નાટ્યમન્વંતર’ નામની નાટ્યસંસ્થાની સ્થાપના કરી. તે દ્વારા મરાઠી રંગભૂમિ પર નવા મનુનો ઉદય થયો એમ કહેવાય. તે જ અરસામાં તેમણે ‘સંજીવની’ સાપ્તાહિકમાં ગદ્યલેખન શરૂ કર્યું. પાછળથી ‘પિકલી પાને’ સંગ્રહમાં તે લેખો પ્રકાશિત થયેલા. તેના સાતત્યપૂર્ણ લલિત સ્વરૂપને લીધે આ લેખો ‘લઘુનિબંધ’ તરીકે પ્રચલિત થયા. 1935-40 દરમિયાન તેમણે ‘ચિત્રા’ અને ‘આશા’ નામનાં સાપ્તાહિકોનું સંચાલન કર્યું અને તેમાં તત્કાલીન રાજકીય તથા સામાજિક સમસ્યાઓ વિશે પોતાના વિચારો રજૂ કર્યા.

કાણેકર આધુનિકતાના પુરસ્કર્તા હતા. છતાં તેમની આધુનિકતા સહજ, નૈસર્ગિક અને મૌલિક હતી. તેમની કટાક્ષશક્તિ ધ્યાનપાત્ર હતી.

1940 પછીના ગાળામાં તેમણે કરેલા વિશાળ વાચન, ચિંતન, લેખન અને પ્રવાસ-પર્યટનમાંથી જે જ્ઞાન અને અનુભવ પ્રાપ્ત થયાં તેના પરિપાકરૂપે બહુવિધ સાહિત્યસર્જન થયું. કવિતાના ક્ષેત્રે ‘ચાંદરાત’, ‘ચૌકોની આકાશ’ (1974); લઘુનિબંધના ક્ષેત્રે ‘પિકલી પાને’ (1934), ‘શિંપલે આણિ મોતી’ (1936), ‘તુટલેલે તારે’ (1938), ‘ઉઘડ્યા ખિડક્યા’ (1945), ‘વિજેચી વેલ’ (1956), ‘પાંઢરી શિડેં’ (1957), ‘નિવડક ગણુકાકા’ (1964) વગેરે; નવલિકાના ક્ષેત્રમાં ‘સાવલ્યાંચી સઈ’ (1972), 1924-53 અરસામાં લખાયેલી વાર્તાઓનો સંગ્રહ; પ્રવાસવર્ણનના ક્ષેત્રમાં ‘ધુક્યાતુન લાલ તાર્યાકડે’ (1940), ‘આમચી માતી’, આમચે આકાશ’ (1950), ‘નિળે ડોંગર, તાંબડી માતી’ (1957), ‘સોનેરી ઉન્હાંત પાંચૂચી બેટે’ (1965), ‘ખડક કોરતાત આકાશ’ (1965) વગેરે; નાટકના ક્ષેત્રમાં છે ‘ઘરકુલ’ (1927) – ઇબ્સનના ‘ડૉલ્સ હાઉસ’ પર આધારિત, ‘નિશિકાંતાચી નવરી’ (1938) – ગોલ્ડસ્મિથના ‘શી સ્ટૂપ્સ ટુ કાકર’ પર આધારિત, ‘ફ્રાન્સ’ (1943) – ડબ્લ્યૂ. ઓ. સોમીનની ‘અટેન્શન’ પર આધારિત, ‘પતંગાચી દોરી’ (1941) – જેમ્સ બેરીના ‘વૉટ એવરી વૂમન નોઝ’ પર આધારિત, ‘ઝુંઝ’ (1954) – ગાલ્સવર્ધીના ‘સ્ટ્રાઇફ’ પર આધારિત. પ્રકીર્ણ લખાણોમાં ‘રાખેતીલ નિખારે’ (1941), ‘હિરવે કંદિલ’ (1944), એ સંગ્રહો તથા કેટલાંક એકાંકીઓ અને આત્મચરિત્ર ‘અનન્તિકા’(1979)નો સમાવેશ થાય છે.

કાણેકરની કવિતામાં તેમની ભાવનાઓનું સ્વયંસ્ફૂર્ત આવિષ્કરણ થયેલું છે. મરાઠી સાહિત્યમાં સમાજવાદી વિચારસરણી લાવવાનું શ્રેય તેમને ફાળે જાય છે. ‘ચાંદરાત’ સંગ્રહમાંની તેમની કવિતાએ મરાઠી સાહિત્ય અને વિશેષત: મરાઠી કાવ્યસૃષ્ટિ પર ચિરંતન પ્રભાવ પાડ્યો છે.

મરાઠી લઘુનિબંધના જનક ગણાતા સાહિત્યકારોમાં તેમની ગણના થાય છે. તેમના લઘુનિબંધો વૈચારિક છે. માનવજીવન અને માનવસમાજનાં વિવિધ પાસાંની ટીકા એ તેમના લઘુનિબંધોની લાક્ષણિકતા ગણાય છે. તેમણે લખેલાં પ્રવાસવર્ણનો પણ વૈશિષ્ટ્યપૂર્ણ અને વૈવિધ્યસભર છે. નાટ્યાત્મક રજૂઆતને કારણે તેમનાં આ પ્રકારનાં લખાણો ચિત્તવેધક બન્યાં છે. નવલકથા અને રૂપાંતરિત નાટકોના ક્ષેત્રમાં પણ તેમનું પ્રદાન મહત્વપૂર્ણ રહ્યું છે. તેમનાં કેટલાંક નાટકો રંગમંચ પર સફળ થયેલાં છે.

જૂના અને નવા યુગનો સમન્વય સાધનાર સાહિત્યસર્જક તરીકે મરાઠી સાહિત્યમાં કાણેકરનું સ્થાન મહત્વનું છે.

ઉષા ટાકળકર

અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે