કાણે, અનિલ શ્રીધર

January, 2006

કાણે, અનિલ શ્રીધર (જ. 18 ઑક્ટોબર 1941, ભાવનગર) : તકનીકી ક્ષેત્રના નિષ્ણાત, વ્યવસ્થાપન-ક્ષેત્રના અગ્રણી તથા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાના પૂર્વ કુલપતિ. પિતા ભાવનગર રિયાસતના ઇજનેર હતા. માતાનું નામ ઇન્દિરાબાઈ, જેઓ અગ્રણી સમાજકાર્યકર્તા હતાં. તેઓ રાષ્ટ્રસેવા સમિતિના આજન્મ સેવિકા હતાં. અનિલભાઈનું પ્રાથમિક, માધ્યમિક તથા ઇન્ટર સાયન્સ સુધીનું શિક્ષણ ભાવનગર ખાતે. ત્યારબાદ તેમણે અનેક શૈક્ષણિક પદવીઓ ઉચ્ચ ગુણવત્તા સાથે મેળવી છે; દા.ત., મોરબી ખાતેની લખધરસિંહજી કૉલેજ ઑવ્ એન્જિનિયરિંગમાંથી 1965માં બી.ઈ.(મિકૅનિકલ)ની પદવી; 1968માં ઇંગ્લૅન્ડની બહુ પ્રતિષ્ઠિત આલ્ડરમેસ્ટન કોર્ટમાંથી ઇન્ડસ્ટ્રિયલ ઍડમિનિસ્ટ્રેશન ઍન્ડ મૅનેજમેન્ટનો ડિપ્લોમા; ભાવનગરની કેન્દ્ર સરકાર હસ્તકની સૉલ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ(CSMCRI)માંથી  સંશોધન કરી મિકૅનિકલ એન્જિનિયરિંગમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ડૉક્ટરેટની પદવી (1978); 1985માં અમદાવાદની સર એલ. એ. શાહ લૉ કૉલેજમાંથી ઇન્ટરનેશનલ લૉ ઐચ્છિક વિષય સાથે એલએલ.બી.ની ગુજરાત યુનિવર્સિટીની પદવી વગેરે.

ત્યારબાદ વ્યાવસાયિક ક્ષેત્રમાં જુદી જુદી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓમાં તેમણે નોંધપાત્ર કાર્ય કર્યું છે અને વ્યવસ્થાપન ક્ષેત્રના એક નિષ્ણાત તરીકે નામના મેળવી છે; દા.ત., 1966-72 દરમિયાન તેઓ કાઉન્સિલ ઑવ્ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ હસ્તકની ભાવનગર ખાતેની સૉલ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ(CSMCRI)માં વૈજ્ઞાનિક તરીકે; 1972-81ના ગાળામાં વડોદરા ખાતેના ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કૉર્પોરેશન લિમિટેડમાં ઉચ્ચ ટૅકનિકલ અધિકારી; 1981-1987 દરમિયાન ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ઇન્વેસ્ટમેન્ટ કૉર્પોરેશન લિમિટેડ, અમદાવાદ(GIIC)ના એન્જિનિયરિંગ શાખાના જનરલ મૅનેજર; 1987 વર્ષમાં કૅલિકો ગ્રૂપ ઑવ્ કમ્પનીઝના સર્વોચ્ચ વહીવટી અધિકારી (CEO) તથા સંયુક્ત મૅનેજિંગ ડિરેક્ટર; 198788 દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, મુંબઈ-હજીરા ખાતે ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ; 1988-1992 દરમિયાન પુણે ખાતેની ફિનોલેક્સ પાઇપ્સ લિમિટેડ કંપનીના પ્રેસિડેન્ટ તથા પૂર્ણ સમયના નિયામક; 1992-98ના ગાળામાં ઇસાર (ESSAR) ગ્રૂપ ઑવ્ કમ્પનીઝના નિયામક; 1998-2001 દરમિયાન મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાના કુલપતિ; 2002થી અત્યાર સુધી (2005) વર્લ્ડ વિંડ એનર્જી ઍસોસિયેશન(બૉન, જર્મની)ના વાઇસ પ્રેસિડેન્ટ તથા ઇન્ડિયન વિન્ડ એનર્જી ઍસોસિયેશનના ચૅરમૅન વગેરે.

અનિલ શ્રીધર કાણે

ભારતમાં વ્યાપારી ધોરણે પવનચક્કી દ્વારા વિદ્યુતશક્તિ નિર્માણ  કરનારા પ્રથણ તજ્જ્ઞ, જેના માટે પવન ઊર્જા ક્ષેત્રમાં તેઓ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. તેમને અત્યાર સુધી (2005) ત્રણ નૅશનલ એવૉર્ડ એનાયત કરવામાં આવ્યા છે; જેમાં 1972માં ફેડરેશન ઑવ્ ગુજરાત મિલ્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ‘રિસર્ચ કન્ડ્યુસિવ ટુ ધ બેટરમેન્ટ ઑવ્ ધ સોસાયટી’ નામથી એનાયત થતો એવૉર્ડ, 1972માં શાંતિસ્વરૂપ ભટનાગર રિસર્ચ એન્ડાઉમેન્ટ ઍવૉર્ડ તથા 1972માં નૅશનલ રિસર્ચ અને ડેવલપમેન્ટ કોર્પોરેશન(NRDC)નો ઍવૉર્ડ સામેલ છે.

રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરનાં સંશોધન-સામયિકોમાં તેમના અત્યાર સુધી (2005) 70 ઉપરાંત સંશોધન-લેખો પ્રકાશિત થયા છે જે સર્વત્ર પ્રશંસાને પાત્ર ઠર્યા છે.

ભારતમાંની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી સંસ્થાઓનાં કાર્યકારી સત્તામંડળો તથા સંશોધન-સલાહકાર સમિતિઓમાં તેમણે કાર્ય કર્યું છે; જેમાં સૉલ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ભાવનગર; ‘ગેડા’ (GEDA) તથા ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર રિસર્ચ ફાઉન્ડેશનનો સમાવેશ થાય છે.

તેઓ ‘મિકૅનિકલ સૉલ્ટ હાર્વેસ્ટર’, ‘ટ્યુબ્યુલર ડિઝાઇન ફૉર રિવર્સ ઑસ્મૉસિસ પ્લાન્ટ’, ‘ફ્લૅટ પ્લેટ ટાઇપ ડિઝાઇન ઑવ્ રિવર્સ ઑસ્મૉસિસ પ્લાન્ટ’ તથા ‘પ્રોસેસ ઑવ્ મેકિંગ સેમિપર્મિયેબલ મેમ્બ્રેન ફૉર રિવર્સ ઑસ્મૉસિસ પ્લાન્ટ’  આ ચારમાં પેટન્ટ ધરાવે છે.

ગુજરાતની પાંચ મુખ્ય સમસ્યાઓના નિરાકરણ માટે કલ્પસર નામની યોજના ગુજરાત સરકાર ચલાવી રહી છે : મીઠા પાણીની સમસ્યા, વીજળીની તંગી, જમીનમાં વધતી જતી ખારાશ, બંદરવિકાસ અને દક્ષિણ સૌરાષ્ટ્રનો દેશના મુખ્ય ભૂભાગ સાથેનો સીધો સંબંધ. કલ્પ યોજના પૂરી થતા નર્મદા, ઢાઢર, મહી અને સાબરમતીના દરિયામાં વહી જતા પાણીનો બચાવ કરી સંગ્રહ કરી શકાય તથા ભરતી-ઓટનો ઉપયોગ કરી મોટા પાયે વિદ્યુતશક્તિનું સર્જન પણ કરી શકાય. આ સમગ્ર બાબતનો ડૉ. અનિલ કાણેએ ઊંડો અભ્યાસ કરી એક સમગ્ર યોજનાનું આરૂપ (blue-print) તૈયાર કર્યું છે, જે ‘કલ્પસર યોજના’ તરીકે ઓળખાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે