કાઠી : સૌરાષ્ટ્ર-કચ્છમાં વસતી એક જાતિ. તેના ઉપરથી પ્રદેશનું નામાભિધાન ‘કાઠિયાવાડ’ એવું થયું. મુખ્યત્વે મધ્ય સૌરાષ્ટ્રમાં છેલ્લાં ચારસોક વર્ષથી વિકસેલી આ કાંટિયાવરણ પ્રજા ઘણું કરી મુસ્લિમોના આક્રમણને કારણે મધ્ય એશિયામાંથી નીકળી આવીને રાજસ્થાન અને કચ્છમાં આવી, ત્યાંથી સૌરાષ્ટ્રમાં આવી એવું માનવામાં આવે છે. મૂળમાં આ ગૌરાંગ પ્રજા છે અને સૌરાષ્ટ્રમાં આવતાં થોડું સંમિશ્રણ થવા પામ્યું હોય એવું જોવા મળે છે. આ લોકો મૂળમાં સૂર્યપૂજક અને ઘોડાને ચાહનારા છે, જૂના યવનો ગ્રીકોની પછી હજારેક વર્ષે ભારતવર્ષના વાયવ્ય સરહદ પ્રાંત દ્વારા સિંધ અને રાજસ્થાનમાં થોડા સૈકા ઠરી વ્યવસાય શોધતા કચ્છમાં અને ત્યાંથી પંદરમી સદીમાં સૌરાષ્ટ્રમાં દાખલ થયા હોય. શરૂમાં તો પશુ ચરાવવાનો ધંધો કરતાં કરતાં ધાડ અને લૂંટફાટો દ્વારા એમણે જીવનનો આરંભ સૌરાષ્ટ્રમાં કર્યો. પણ પછી સ્વસત્તાથી ને લૂંટફાટ ન કરવાના બદલામાં મળેલાં ગામોને કારણે રાજપૂતી જીવન જીવતા થયા. એમની વાળા, ખુમાણ, ખાચર, હાટી અને જોગી પેટાશાખાઓ ઉચ્ચ ગણાય છે અને એ ‘શાખાયત’ કહેવાય છે, જ્યારે બીજી અવતરિયા શાખાની સો જેટલી પેટાશાખાઓ છે. ખુમાણોની પણ સાત કે આઠ પેટાશાખાઓ છે. શાખાયતોમાં ‘વાળા’ વધુ ઊંચા ગણાય છે. કાઠીઓ 1400 આસપાસ ઝાલાવાડમાં થાનમાં આવ્યા ને ત્યાં સૂર્યમંદિર બનાવી સ્થિર થયા. એમાંના કેટલાક સોરઠ ને હાલારની સંધિએ આવેલા આલેચ ડુંગર નજીકના ઢાંકમાં આવ્યા, જ્યાં વાળા રાજપૂતોની સત્તા હતી. અહીંના રાજવીએ કાઠી કન્યા સાથે લગ્ન કરતાં અને અન્ય રાજપૂતોએ એને જ્ઞાતિ-બહિષ્કૃત કરતાં એ કાઠીઓમાં ભળ્યો, જેના વંશજ ‘વાળા કાઠી’ ગણાયા. જસદણ અને જેતપુર એમને મળતાં કાઠીઓનું મધ્ય સૌરાષ્ટ્રમાં વર્ચસ્વ સ્થપાયું.
કાઠીઓનો બાબરિયાવાડના બાબરિયા અને બરડાના જેઠવાઓ સાથે લગ્નસંબંધ થયેલો. જેઠવા તો પછીથી રાજપૂત જ રહ્યા, જ્યારે ‘બાબરિયા’ તો કાઠીનો જ એક વિભાગ હોય એવું થયું. હાટીઓ દક્ષિણ સૌરાષ્ટ્રમાં આવેલા માળિયાપંથકમાં ઠર્યા, જેને કારણે અત્યાર સુધી ‘માળિયાહાટીના’ કહેવાય છે. અત્યારે આ નાનો સમૂહ અલગ જ છે. તે એની નજીકના પ્રદેશમાં ‘મયા’ તરીકે ઓળખાય છે. ખુમાણોએ આગળ જતાં રાજકોટ પાસેનું ખેરડી ગામ કબજે કીધું ને પરમારો પાસેથી ચોટીલા પર સત્તા મેળવી. બોટાદ, ગઢડા, ભીમોરા, પાળિયાદ અને બીજી કેટલીક જાગીરો પર ધીમે ધીમે કબજો જમાવતા રહ્યા. ખુમાણોની પાંચ શાખા છે તે ચોટીલાના ‘રામાણી’, જસદણના ‘લખાણી’, ગઢડા ને બોટાદના ‘ગોદડકા’, પાળિયાદના ‘થેબાણી’ અને ભદલીના ‘મોકાણી’.
વાળા કાઠીઓ સરવૈયાવાડના સરવૈયાઓ પાસેથી અમરેલીની આસપાસનો પ્રદેશ મેળવી લઈ ત્યાંથી પશ્ચિમમાં આગળ વધ્યા. પૂર્વમાં ચિત્તળથી પશ્ચજિમમાં બીલખા (જિ. જૂનાગઢ) મેળવ્યાં. વૈભાવર અને ભાદરના દક્ષિણ કાંઠે આવેલું જેતપુર અને ગીરના જંગલ નજીકનું મેંદરડા સત્તા નીચે લીધાં. સલ્તનતના સમયમાં આ પ્રદેશમાંનો ઘણોખરો ભાગ હાથમાંથી ગયેલો, પણ મુઘલાઈની પડતીના સમયમાં પોતાનો ઘણોખરો પ્રદેશ હાથ કરી લીધો.
કાઠીઓ અતિથિપ્રિય અને મિલનસાર પ્રકૃતિના તથા દોસ્તીદાવ સાચવનારા છે. એશઆરામી સ્વભાવના હોઈ એમનામાં અફીણનું વ્યસન ખૂબ ઘર કરી ગયેલું. કાઠિયાણી ર્દઢતાથી એકપતિવ્રતની આગ્રહી હોય છે અને પુરુષ કરતાં જરાય ઊતરતી હોતી નથી. કાઠીઓ સ્ત્રીઓનું સંપૂર્ણ સન્માન કરે છે. સામાન્ય રીતે એક ઉપર બીજી સ્ત્રી કરવાનું ટાળે છે. નાતરાનો રિવાજ હોવા છતાં એનો અમલ ભાગ્યે જ થાય છે.
કાઠીઓમાં વારસાનો એક રિવાજ વિચિત્ર છે. મુખ્ય પુત્રને રાજગાદી જવાને બદલે પુત્રોને રાજ્યના પ્રદેશમાંથી ભાગીદારી મળે છે. એને કારણે તે અનેક જાગીરદારો તરીકે ફેલાય છે. આ રિવાજ હિંદુ વારસા પ્રકારનો છે. આ જ કારણથી કાઠીઓનું એક પણ મોટું રાજ્ય થઈ શક્યું નહિ.
કે. કા. શાસ્ત્રી