કાઠિયાવાડ રાજકીય પરિષદ

January, 2006

કાઠિયાવાડ રાજકીય પરિષદ : પ્રથમ વિશ્વયુદ્ધ અને ત્યારપછીના સમયમાં કાઠિયાવાડના પ્રદેશના લોકોમાં જાગેલી રાષ્ટ્રીય ભાવના, સ્વદેશપ્રીતિ અને અસ્મિતાના કારણે શરૂ કરવામાં આવેલું મંડળ. તેની સ્થાપનાનાં બીજ 1914 સુધીમાં ભારતની પ્રજામાં આવેલી રાષ્ટ્રીય જાગૃતિ અને કેળવાયેલી સ્વદેશી ભાવનામાં, બ્રિટિશ સરકારે ભારતના દેશી રાજાઓ પ્રત્યે અપનાવેલી કડક અને અંકુશોવાળી નીતિમાં તથા સ્વમાનભંગના દુ:ખદર્દથી પીડાતા રાજાઓની અવદશામાં અને તેનાથી સભાન બનેલી તેમની પ્રજામાં રહેલાં હતાં.

મુંબઈ-નિવાસી બૅરિસ્ટર મનસુખલાલ રવજીભાઈ દેશી રાજ્યોના રાજાઓ અને તેમની પ્રજાઓને લગતા વિવિધ પ્રશ્નોના જાણકાર, ઊંડા અભ્યાસી હતા તથા ગાંધીજીએ તેમને પોતાના આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે ઓળખાવ્યા હતા; તેમણે 1917માં મુંબઈમાં જ કચ્છ-કાઠિયાવાડ ઍસોસિયેશનની સ્થાપના કરી હતી. તેમણે તથા તેમના જેવી વિચારસરણી ધરાવતા (મનસુખભાઈ, ભગવાનજી અનુપચંદ મહેતા જેવા) મિત્રોએ એકત્ર થઈ પ્રસ્તુત સંસ્થામાં જોડાવા માટે ગાંધીજી સહિત ઘણાને પત્રો લખ્યા હતા; પરંતુ કોઈના તરફથી સહકાર ન મળતાં એ સંસ્થા બંધ પડી. આનાથી નિરુત્સાહ ન થતાં બૅરિસ્ટર મનસુખલાલ રાજકોટમાં રહેવા આવ્યા અને હિંમતપૂર્વક પોતાના પ્રયાસો ચાલુ રાખ્યા.

એ સમયે રાજકોટમાં જ દલપતરામ શુક્લના પ્રમુખપદે સ્થપાયેલી (1919) કાઠિયાવાડ હિતવર્ધક સભા, જે વિનીત પક્ષની નીતિ અનુસાર બ્રિટિશ રાજ્યને વફાદાર રહી પ્રદેશના સામાજિક અને પ્રજાકીય પ્રશ્નો હલ કરવા પ્રયાસો કરતી હતી, તેમાં તેમણે રસ લીધો. અહીં મનસુખલાલને તેમના જેવી જ વિચારસરણી ધરાવતા ચંદુલાલ પટેલ (ગોંડલ), દેવચંદ પારેખ (જેતપુર), ફૂલચંદભાઈ શાહ (વઢવાણ) વગેરેનો ઉમળકાભર્યો ટેકો અને સાથસહકાર પ્રાપ્ત થયા. આથી તેમણે કાઠિયાવાડ રાજકીય પરિષદ નામની એક વધુ પ્રગતિશીલ રાજકીય સંસ્થા સ્થાપવા ભગીરથ પ્રયાસો શરૂ કર્યા. પરિણામે, રાજકોટમાં જ કરણસિંહજી મિડલ સ્કૂલમાં કલ્યાણરાય બક્ષીના પ્રમુખસ્થાને પરિષદની પ્રાથમિક સભા બોલાવવામાં આવી (5-6 ડિસેમ્બર, 1920). તેમાં સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાંથી આવેલા ઘણા પ્રતિનિધિઓએ તેની કાર્યવહીમાં ભાગ લીધો.

એ સભામાં પરિષદના જે ઉદ્દેશો નક્કી કરવામાં આવ્યા તેમાં દેશી રાજ્યોના રાજાઓ કર્તવ્યપરાયણ બને તેવા પ્રયાસો કરવા, રાજ્યસંસ્થાને બળવાન બનાવવા અને રાજ્યની પ્રજા પોતાના રાજ્ય અને સમગ્ર ભારત વિશે સ્વદેશાભિમાન કેળવે તેવા પ્રયાસો કરવા, રાજ્યોની પ્રજામાં સંઘશક્તિ જાગ્રત કરવા તથા રાજ્યોના બંધારણ અને વહીવટમાં પ્રજાહિતનાં અને વિકાસનાં કામોમાં નડતરરૂપ અવરોધો સંઘશક્તિ વડે દૂર કરવા વગેરેનો સમાવેશ થતો હતો. પરિષદની કામગીરી માટે કેટલીક મર્યાદાઓ સ્વીકારાઈ તેમાં દેશી રાજ્યોના વ્યક્તિગત પ્રશ્નો કે તેમની અને તેમની પ્રજાઓ વચ્ચેના પ્રશ્નો હાથ પર નહિ લેવાની તથા પરિષદ અને તેના કાર્યકરો દેશી રાજ્યોમાં જ રહીને પ્રવૃત્તિઓ ચલાવે તેવી બાબતો આવરી લેવાઈ હતી. આમ પરિષદની નીતિ, ધ્યેય, કાર્યક્રમ અને કાર્યક્ષેત્ર નક્કી થતાં તેનું પ્રથમ અધિવેશન રાજકોટમાં જ ભરવાનું નક્કી કરવામાં આવ્યું.

પરિષદનું પ્રથમ અધિવેશન ગાંધીજીના પ્રોત્સાહન અને રાજકોટના રાજવી સર લાખાજીરાજના સહકારથી વિઠ્ઠલભાઈ પટેલના પ્રમુખપદે કરણસિંહ મિડલ સ્કૂલમાં રાજકોટમાં યોજવામાં આવ્યું (27-30 માર્ચ, 1921). પરિષદ અંગે તથા તેની કામગીરી વિશે રાજા તથા પ્રજાની ભડક દૂર થાય; રાજા, પ્રજા અને રાજ્યના અધિકારીઓ કોઈ શંકા રાખ્યા વગર ‘પરિષદ’ના અધિવેશનમાં હાજરી આપે અને સમગ્ર કાઠિયાવાડના રાજાઓ પણ આ સંસ્થાની કામગીરીને વહેમની ર્દષ્ટિએ ન જુએ એટલા માટે અધિવેશનની સાથે સાથે સૌરાષ્ટ્રના હુન્નર-ઉદ્યોગોનું અને કલાકૌશલ્યનું એક પ્રદર્શન પણ સર લાખાજીરાજના પ્રમુખપદે યોજવાનું અને તેનું ઉદઘાટન પણ તેઓ જ કરે તેવું નક્કી કરવામાં આવ્યું. તે મુજબ સર લાખાજીરાજે એ પ્રદર્શનનું ઉદઘાટન ભાવપૂર્વક કર્યું હતું. પરિષદના અધિવેશનની સાથે સાથે જ આચાર્ય કૃપાલાનીના પ્રમુખપદે વિદ્યાર્થી પરિષદ યોજવામાં આવી. પરિષદના અધિવેશનમાં સૌરાષ્ટ્રના સમગ્ર લોકજીવનને લગતા વિવિધ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમ વખત જ સૌરાષ્ટ્રની પ્રજાકીય અસ્મિતાનો ઉદય જાણે રાજકોટમાંથી જ થયો એવું સર્વત્ર માનવામાં આવ્યું.

પરિષદનું બીજું અધિવેશન વઢવાણ કૅમ્પમાં યોજાય તે પહેલાં બે મહત્વની ઘટનાઓ બની. મુંબઈ પ્રાંતના ગવર્નરની મુલાકાત પ્રસંગે રાજકોટ રાજ્યે સરધારના તળાવમાં બતકનો શિકાર ગોઠવ્યો હતો. એનો લોકોએ સજ્જડ વિરોધ કર્યો અને સત્યાગ્રહ કર્યો, જે સરધારના સત્યાગ્રહ તરીકે જાણીતો બન્યો. સત્યાગ્રહના નેતા મનસુખલાલ મહેતા અને મણિલાલ કોઠારીની રાજ્યે ધરપકડ કરી જેલની સજા કરી હતી. તેનો વિરોધ કરવા અને લોકલાગણીને વાચા આપવા મુંબઈમાં ફૈઝ તૈયબજીના પ્રમુખપદે પરિષદની અસાધારણ સભા બોલાવવામાં આવી હતી. લોકોના ઉશ્કેરાટ અને દેખાવોના કારણે રાજકોટ રાજ્યને મનસુખલાલ વગેરે કાર્યકરોને છોડી દેવાની ફરજ પડી. લોકમતનો આ પહેલો વિજય થયો. આ જ અરસામાં ઢસા રાયસાંકળીના દરબાર ગોપાળદાસ દેસાઈ સત્તાત્યાગ કરવાની તૈયારી સાથે કૉંગ્રેસમાં જોડાયા અને પોતાની હકૂમતવાળા રાયસાંકળીમાં ‘પરિષદ’નું અધિવેશન ભરવા નિમંત્રણ આપ્યું. એમના આ પગલાથી રોષે ભરાયેલી બ્રિટિશ સરકારે એમની જાગીર આંચકી લીધી. પ્રજામાં આના ઘેરા પ્રત્યાઘાત પડ્યા.

આવા વાતાવરણમાં પરિષદનું બીજું અધિવેશન ગાંધીજીની સલાહ અનુસાર વઢવાણ શહેરમાં કે રાયસાંકળીની હદમાં નહિ યોજતાં બ્રિટિશ હકૂમત હેઠળના વઢવાણ કૅમ્પમાં અબ્બાસ તૈયબજીના પ્રમુખપદે યોજવામાં આવ્યું (11-13 નવેમ્બર 1922). એ સમયે તાજેતરમાં સરકારી નોકરી છોડી અસહકારની લડતમાં ઝંપલાવનાર કવિ ન્હાનાલાલે હાજર રહી સ્વરચિત ગીત ગાયું હતું ! કલિયુગના ભીમસેન તરીકે પંકાયેલા પ્રો. રામમૂર્તિએ અધિવેશનમાં હાજરી આપી રાષ્ટ્રીય એકતાનું પ્રેરક વ્યાખ્યાન આપ્યું. દેશસેવા માટે રાજગાદી ત્યજનાર દરબાર ગોપાળદાસ દેસાઈને આ અધિવેશનમાં માનપત્ર અર્પણ કરવામાં આવ્યું. અધિવેશનમાં ઘણા ઠરાવો પસાર થયા. અસ્પૃશ્યતાનિવારણનો ઠરાવ પસાર થયો ત્યારે હાજર રહેલા વલ્લભભાઈ પટેલે જોયું કે સભામાં અસ્પૃશ્યો-અંત્યજોને બેસવા માટે અલગ સ્થાન રાખવામાં આવ્યું છે આથી તે પ્રમુખ પાસેથી પોતાની બેઠક છોડી અસ્પૃશ્યો બેઠા હતા ત્યાં જઈને બેઠા. તે જોઈને દરબાર ગોપાળદાસ પણ પોતાના પરિવાર સાથે ઊઠી જઈને વલ્લભભાઈ બેઠા હતા ત્યાં તેમની સાથે બેસી ગયા. આ પગલાની છાપ પસાર કરેલા ઠરાવ કરતાં વધુ અસરકારક નીવડી. આમ પરિષદનું બીજું અધિવેશન લોકોમાં રાષ્ટ્રીય ભાવના સતેજ બનાવનાર અને લડત માટે પ્રોત્સાહનરૂપ બની ગયું !

પરિષદે દેશી રાજ્યોની પ્રજાને પોતાનાં દુ:ખોના નિવારણ માટે પોતપોતાનાં રાજ્યોમાં પ્રજાપરિષદો સ્થાપવા આદેશ આપી માર્ગદર્શન આપ્યું હતું. એ મુજબ ભાવનગર રાજ્યની પ્રજાએ ભાવનગરમાં પ્રજાપરિષદ સ્થાપી અને તેનું પહેલું અધિવેશન 1924માં સફળતાપૂર્વક યોજ્યું હતું. એનાથી પ્રોત્સાહિત બનેલી એ પ્રજાપરિષદે પરિષદનું અધિવેશન ભાવનગરમાં બોલાવવા નિમંત્રણ પાઠવ્યું; પણ એ સમયના ભાવનગર રાજ્યના દીવાન સર પ્રભાશંકર પટ્ટણીએ સખત વલણ અપનાવી પરિષદનું અધિવેશન ભાવનગરમાં ભરવા સામે વિરોધ કરતાં મુશ્કેલી સર્જાઈ. છેવટે ગાંધીજીની સલાહ અનુસાર અધિવેશન સોનગઢમાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું. તેનું પ્રમુખસ્થાન ગાંધીજી સ્વીકારે તેવી વિનંતી પરિષદના કાર્યકર્તાઓએ કરતાં ગાંધીજીએ તેનો સ્વીકાર કર્યો. આથી દીવાન પ્રભાશંકરે પોતાનું વલણ બદલ્યું અને અધિવેશન ભાવનગરમાં યોજવા મંજૂરી આપી.

પરિણામે ગાંધીજીના પ્રમુખસ્થાને પરિષદનું અધિવેશન ભાવનગરમાં યોજવામાં આવ્યું (8-9 જાન્યુઆરી, 1925). એ અધિવેશનમાં વલ્લભભાઈ પટેલ, દીવાન પ્રભાશંકર પટ્ટણી તથા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ઉપસ્થિત હતા. પરિષદના કેટલાક સનાતનધર્મી અને સંકુચિત વિચારો ધરાવતા આગળ પડતા કાર્યકરોએ ગાંધીજીના અસ્પૃશ્યતાનિવારણ અને ખાદી અંગેના લેખોમાં પ્રગટ થયેલા વિચારો સાથે અસહમત થઈ પરિષદના અધિવેશનનો બહિષ્કાર કર્યો હતો અને પરિષદવિરોધી પ્રચારકાર્ય પણ કર્યું હતું.

આવા વાતાવરણમાં ગાંધીજી અને રાજકોટના રાજવી લાખાજીરાજ ભાવનગર આવતાં પરિષદનું અધિવેશન શરૂ થયું. શરૂઆતમાં સર લાખાજીરાજને ગાંધીજીના હસ્તે માનપત્ર અર્પણ કરવામાં આવ્યું. અધિવેશનમાં ખાદી, અસ્પૃશ્યતાનિવારણ, રાષ્ટ્રીય શિક્ષણ વગેરેને લગતા ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. અધિવેશનના અંતે દીવાન પ્રભાશંકરે ગાંધીજીને માનપત્ર આપ્યું અને પોતે ગાંધીજીના પ્રભાવ અને અસર નીચે એવા આવી ગયા હતા કે તેમણે નિયમિત રેંટિયો કાંતવાનું શરૂ કરી દીધું હતું ! અધિવેશનના બંને દિવસોમાં ગાંધીજીનું વ્યક્તિત્વ, મહત્તા અને પ્રભાવ લોકસમુદાય પર છવાઈ ગયાં હતાં એથી તેને ગાંધી અધિવેશન તરીકે પણ ઓળખવામાં આવે છે.

પરિષદનું ચોથું અધિવેશન બિનરાજકારણી સામાજિક કાર્યકર અમૃતલાલ ઠક્કર(ઠક્કરબાપા)ના પ્રમુખપદે પોરબંદરમાં ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, કસ્તૂરબા, દરબાર ગોપાળદાસ વગેરેની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યું (20-22 જાન્યુઆરી, 1928). ઠક્કરબાપાએ તેમના પ્રમુખકીય ભાષણમાં સૌરાષ્ટ્રના તત્કાલીન પ્રશ્નોની છણાવટ કરી તેમાં સૌરાષ્ટ્રનાં રાજ્યોનું એક અલગ એકમ રચવાનું સૂચન કર્યું તે નોંધપાત્ર બની રહ્યું ! એ સર્વવિદિત છે કે વીસ વર્ષ પછી સૌરાષ્ટ્રના સંયુક્ત રાજ્યનું એકમ સરદાર વલ્લભભાઈ પટેલની જાહેરાતથી થયું હતું (15 ફેબ્રુઆરી, 1948). પસાર કરવામાં આવેલા ઠરાવોમાં રાજ્યોમાં પ્રજાપ્રતિનિધિસભાની સ્થાપના કરવાના તેમજ રાજાના અંગત ખર્ચ માટે સાલિયાણાં આપવાની માગણી કરવા જેવા ઠરાવો નોંધપાત્ર હતા.

પરિષદનું પાંચમું અધિવેશન સરદાર વલ્લભભાઈ પટેલના પ્રમુખપદે મોરબીમાં યોજવામાં આવ્યું (30-31, માર્ચ અને 1 એપ્રિલ, 1930). તેની સાથે સાથે જ ત્યાં યુવક પરિષદનું અધિવેશન યોજવામાં આવે તેવો આગ્રહ યુવક પરિષદના આગેવાનો અમૃતલાલ શેઠ, રામનારાયણ પાઠક, કકલભાઈ કોઠારી વગેરેએ રાખ્યો; પરંતુ મોરબીના રાજવી અને દીવાન યુવક પરિષદ ત્યાં યોજવામાં આવે તે માટે મંજૂરી આપવા માટે સંમત ન હતા. આ સંબંધમાં ગાંધીજીએ યુવક પરિષદના નેતાઓને સરદાર પટેલનું માર્ગદર્શન લઈ આગળ વધવા સલાહ આપી, પણ તે ન ગમતાં, યુવક પરિષદના નેતાઓએ પરિષદના અધિવેશનનો બહિષ્કાર કર્યો તેથી વાતાવરણ તંગ બન્યું હતું.

પરિષદના અધિવેશનમાં ગાંધીજી હાજર હતા તેથી મોરબીની પરિષદ પણ ગાંધીજીના પ્રભાવવાળી પરિષદ બની ગઈ. મોરબીના રાજવીએ પણ પરિષદના અધિવેશનમાં હાજરી આપી હતી. અધિવેશનમાં સૌરાષ્ટ્ર પ્રદેશને અનુરૂપ અને કલ્યાણકારી રચનાત્મક ઠરાવો પસાર કરવામાં આવ્યા. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલના ઉપદેશોમાંથી પ્રેરણા મેળવી કેટલાક યુવાનોએ ખાદી અપનાવી અને પ્રજાની સેવા કરવાના કામમાં રસ લેતા થયા.

1930થી 1937ના નવેમ્બર સુધી પરિષદનાં અધિવેશનો યોજી શકાયાં ન હતાં. એ સમય દરમિયાન દેશના પૂર્ણ સ્વાતંત્ર્ય માટેના રાષ્ટ્રીય સંગ્રામો તથા દેશી રાજ્યોમાં પ્રજા-સત્યાગ્રહો થયા હતા. સૌરાષ્ટ્રના રાજકીય ક્ષેત્રે ઉછરંગરાય ઢેબરનો પ્રવેશ થયો, તે નવોદિત નેતા તરીકે આગળ આવ્યા અને ટૂંક સમયમાં સૌરાષ્ટ્રના સર્વોચ્ચ નેતા તરીકે પ્રજાએ તેમને સ્વીકારી લીધા. તેમના પ્રયાસોથી પરિષદનું છઠ્ઠું અધિવેશન રાજકોટમાં દરબાર ગોપાળદાસ દેસાઈના પ્રમુખપદે યોજાયું (6-8 નવેમ્બર 1937). તેમાં ગાંધીજી હાજર રહી ન શક્યા પણ સરદાર વલ્લભભાઈ પટેલે બે દિવસ હાજર રહી અધિવેશનની કાર્યવહીમાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો. પસાર કરવામાં આવેલા ઠરાવોમાં પ્રજાના અધિકારોના પાલન અને રક્ષણ માટે વાણી, લેખન અને સંઘનું સ્વાતંત્ર્ય જેવા મૂળભૂત અધિકારોને માન્ય રાખવા, દેશી રાજ્યોમાં તાત્કાલિક જવાબદાર રાજ્યતંત્ર દાખલ કરવા, બિનસલામી રાજ્યોનું એકીકરણ કરી તેમનો વહીવટ એક જ જવાબદાર તંત્ર હેઠળ કરવામાં આવે તેવા પ્રયાસો કરવા અને કેન્દ્રમાં સમવાયતંત્ર(federation)નો વિરોધ કરી ત્યાં જવાબદાર રાજ્યતંત્ર સ્થાપવાનો અનુરોધ કરતા ઠરાવોનો સમાવેશ થતો હતો.

પરિષદનું છેલ્લું અને સાતમું અધિવેશન ધ્રાંગધ્રાના મહારાજાએ મંજૂરી આપતાં, ધ્રાંગધ્રામાં દરબાર ગોપાળદાસના પ્રમુખપદે સ્વાતંત્ર્યપ્રાપ્તિના નજીકના સમયમાં યોજાયું (2–3 નવેમ્બર, 1946). તેનું ઉદઘાટન એ સમયના મુંબઈ પ્રાંતના કૉંગ્રેસી ગૃહપ્રધાન મોરારજીભાઈ દેસાઈએ કર્યું હતું. આ અધિવેશનની સાથે સાથે ત્યાં અસ્પૃશ્યતાનિવારણ અને મજૂરસંમેલનો યોજાયાં. ઉપરાંત ત્યાં ખાદી-ગ્રામઉદ્યોગને લગતું પ્રદર્શન પણ યોજાયું હતું. અધિવેશનમાં રવિશંકર મહારાજે ઉપસ્થિત રહી રચનાત્મક કાર્ય કરવા પર ભાર મૂક્યો હતો.

અધિવેશનમાં પસાર કરવામાં આવેલા ઠરાવોમાં અખંડ કાઠિયાવાડનું એકમ રચવાના ઠરાવનો અમલ ન થાય ત્યાં સુધી બધાં રાજ્યોમાં જવાબદાર રાજ્યતંત્ર સ્થાપવા, ટૂંક સમયમાં રચાનાર અખિલ હિંદ બંધારણસભામાં રાજાઓ પોતાની પસંદગીના નહિ, પણ પ્રજાના સાચા પ્રતિનિધિઓને મોકલે તેવી માગણી કરતા અને કાઠિયાવાડનાં તમામ રાજ્યોનું એકમ સત્વરે કરવાના ઠરાવો થયા હતા.

આમ કાઠિયાવાડ રાજકીય પરિષદે તેના આરંભથી અંત સુધીના સમયમાં મુશ્કેલીઓ અને અવરોધોનો સામનો કરી સૌરાષ્ટ્રમાં જુદાં જુદાં સ્થળોએ અધિવેશનો યોજ્યાં. સૌરાષ્ટ્રની પ્રજાએ રાજકીય, સામાજિક અને આર્થિક ઉન્નતિ સાધવા પ્રવર્તમાન સમસ્યાઓ પરત્વે જાગ્રત બની અને સંગઠિત થઈ, પ્રજાપરિષદો દ્વારા લડત ચલાવી, પોતાના રાજ્યની સામંતશાહી ઢબે શાસન કરતી સરકારને પડકાર ફેંકીને પ્રજાકલ્યાણકારી સુધારા માટે લોકશિક્ષણ આપ્યું. પરિષદને ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા રાષ્ટ્રીય નેતા ઉપરાંત પ્રાદેશિક કક્ષાના નેતાઓના પ્રત્યક્ષ અને પરોક્ષ માર્ગદર્શન અને સલાહસૂચન પહેલેથી છેવટ સુધી મળતાં રહ્યાં. તેમાંથી પ્રાદેશિક નેતાગીરીનું ઘડતર થયું. આમ કાઠિયાવાડ રાજકીય પરિષદે તેની સમગ્ર કારકિર્દીમાં સૌરાષ્ટ્રના જનજીવનમાં જે મહત્વપૂર્ણ ફાળો આપ્યો તેનાથી તેણે સૌરાષ્ટ્રની કાગ્રેસનું રૂપ ધારણ કર્યું હતું એમ જરૂર કહી શકાય.

રમેશકાન્ત ગો. પરીખ