કાઠમાંડુ (કાષ્ઠમંડુ) : નેપાળની રાજધાનીનું શહેર. ભૌગોલિક સ્થાન : 27° 43′ ઉ. અ. અને 85° 19′ પૂ. રે.. આ શહેર સમુદ્રની સપાટીથી આશરે 1400મી.ની ઉંચાઇએ આવેલું છે. ઇન્દ્રચોકની પશ્ચિમ તરફના બજારના ભાગને કાષ્ઠમંડુ (કાષ્ઠમંડપ) કહે છે. તે મંડપ એક જ વૃક્ષના લાકડામાંથી તૈયાર કરેલો છે. આવા બે મંડપો છે. મોટા મંડપની સામે રાજ્યાભિષેક માટે વિશાળ ખંડ બનાવેલો છે.
કાષ્ઠમંડપ આગળ રાજ્યાભિષેક થતો હોવાને કારણે તેને નેપાળની રાજધાની ઠરાવેલી. કાઠમાંડુમાં એક પુસ્તકાલય છે. તેમાં ભોજપત્ર ઉપર હસ્તલિખિત પ્રાચીન પુસ્તકોનો સંગ્રહ છે. આ જગાની પાસે મત્સ્યેન્દ્રનાથનું મોટું મંદિર છે. શહેરથી બે કિમી. દૂર બાગમતીના કાંઠે શ્રીપશુપતિનાથનું મંદિર છે. ત્યાં વિક્રમ રાજાની યાદ આપે તેવું બત્રીસ પૂતળીઓનું મંદિર પણ છે. પશુપતિનાથ મંદિરનો ઉપરનો કળશભાગ સોનાથી મઢેલો છે. તેની આસપાસ બીજાં ઘણાં મંદિરો છે. શિવરાત્રિને દિવસે અહીં મોટો મેળો ભરાય છે. રાજ્ય તરફથી આ મંદિરને ઘણી આવક થાય છે. કાઠમાંડુથી ત્રણ કિમી. દૂર એક ટેકરી ઉપર બુદ્ધદેવનું મંદિર છે. તેનો નીચેથી ઉપર સુધીનો ભાગ સોનાનાં પતરાંથી મઢેલો છે. ચોમેર ફરતી સોનાની પ્રતિમાઓ છે. મંદિરની સામે ઓટલા ઉપર સુવર્ણનું વજ્ર છે. 2015 અને2023માં આવેલા ભૂકંપની માઠી અસર આ શહેરમાં થઇ હતી. આ શહેરનો વિસ્તાર 49.45 ચોકિમી. અને વસ્તી-14,42,300 (2020) છે.
પ્રિયબાળાબહેન શાહ