કાગડો (પારસ)

January, 2006

કાગડો (પારસ) : દ્વિદળી વર્ગમાં આવેલા ઑલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Jasminum multiflorum (Burm.f.) Ander. syn. J. pubescens Willd; var. rubescens L; J. hirsutum Willd. (સં. સદાપુષ્પ, વસંત, કુંદ; હિં. પારસ, ચમેલી, કુંદ, કુંદફલ; મ.; મોગરો; ગુ. કાગડા (પારસ), મોગરો (વેલાળ જાત); ક. કસ્તુરી મલિગે, સુરગિ; તે. ગુજારી, કુંડામુ; તા. મગદરદમ્, માલ્લીગઈ; અં. ફ્રેગ્રન્સ સ્વીટર) છે. તે મોગરાનો વેલાળ, ધનરોમિલ (tomentose) અને આશરે 1.0 મી. ઊંચો છોડ છે. તેનાં પર્ણો સાદાં, સંમુખ, અંડાકાર, ટોચેથી અણીદાર, નીચેની સપાટીએથી વધતે-ઓછે અંશે રોમિલ અને લીલાં ચળકતાં હોય છે. પુષ્પો સઘન, ટૂંકાં, વૃંતકી (pedunculate) દ્વિશાખી પરિમિત (bichasial cyme) પુષ્પવિન્યાસ સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. પુષ્પનિર્માણ ચોમાસા પછી થાય છે. પુષ્પ અંદરથી સફેદ પણ બહારથી આછા ગુલાબી રંગની ઝાંયવાળાં દલપત્રો ધરાવે છે અને મોગરાના જેવી જ મીઠી સુગંધ ધરાવે છે.

આ વનસ્પતિ સમગ્ર ભારતમાં થાય છે અને ઉપ-હિમાલયી (sub-Himalayan) માર્ગ પર 900 મી.ની ઊંચાઈ સુધી અને પશ્ચિમઘાટનાં ભેજવાળાં જંગલોમાં 1500 મી.ની ઊંચાઈ સુધી થાય છે. ફાધર સાંતા- પાઉએ તેની હાજરીની ડાંગનાં જંગલોમાં નોંધ લીધી છે.

તેનાં પર્ણો ચાંદાં પર પોટીસ તરીકે લગાડવામાં આવે છે. નજીક નજીક રોપવાથી વાડની માફક તે થાય છે. તેને બકરાં કે ઢોર ખાતાં નથી.

તેના સહસભ્યોમાં પારિજાતક, જૂઈ, જાઈ, ચમેલી, બટમોગરો વગેરેનો સમાવેશ થાય છે. Jasminumની ગુજરાતમાં ત્રણ જાતિઓ મળે છે : (1) J. flexile (જૂઈ), (2) J. malabaricum (જંગલી જૂયણ) અને (3) J. multiflorcem (મોગરો).

મ. ઝ. શાહ