કાકરગામ : બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આવેલું ગામ. ‘પ્રબંધચિંતામણિ’ અને ‘પુરાતન પ્રબંધસંગ્રહ’માં વનરાજની આરંભિક કારકિર્દીને લગતા કેટલાક રસપ્રદ પ્રસંગોના સંદર્ભમાં કાકરગામનો પ્રાચીન ઉલ્લેખ આવે છે. એ અનુસાર વનરાજ પોતાના મામા સાથે બધે ધાડો પાડવા લાગ્યો. એક દિવસ કાકરગામમાં એક વણિકને ત્યાં ખાતર પાડી ધન ચોરતાં વનરાજનો હાથ દહીંના વાસણમાં પડ્યો, એટલે અહીં તો જમ્યા બરાબર ગણાય એવું વિચારી, એ બધું ધન મૂકી ત્યાંથી ચાલ્યો ગયો. બીજે દિવસે વણિકની બહેન શ્રીદેવીએ તેની તપાસ કરી રાતે એને બોલાવી જમાડ્યો ત્યારે વનરાજે એને વચન આપ્યું કે મારો રાજ્યાભિષેક થશે ત્યારે તારી પાસે તિલક કરાવીશ. વિ. સં. 802 વૈશાખ સુદ બીજ ને સોમવારને દિવસે 50 વર્ષની ઉંમરે વનરાજ અણહિલપુરની ગાદીએ બેઠો ત્યારે કાકરગામથી પોતાની ધર્મની બહેન શ્રીદેવીને બોલાવી તેના હાથે રાજતિલક કરાવ્યું હતું.
ભારતી શેલત