કાઓ-સુંગ (Kaohsiung) : તાઇવાનના નૈર્ઋત્ય ભાગમાં આવેલો પ્રાંત તથા તે જ નામ ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : તે 22o 37′ ઉ. અ. અને 120o 17′ પૂ. રે. પર આવેલું છે. તેની ઉત્તરે તાઇનાન, પૂર્વમાં પિંગટંગ, દક્ષિણે લ્યુઝોનની સામુદ્રધુની તથા પશ્ચિમે દક્ષિણી ચીની સમુદ્ર આવેલા છે.
આ વિસ્તારમાં યુ-શાન પર્વત (સર્વોચ્ચ શિખર : 3997 મીટર) આવેલો છે. ચી-શાન અને લાઓ ન્યુંગ નદીઓનાં મુખ આ વિસ્તારમાં આવેલાં છે. આ નદીઓ દક્ષિણ તરફ વહીને કિનારાના ફળદ્રૂપ મેદાનને વીંધીને સમુદ્રને મળે છે. અહીંનું જાન્યુઆરીનું તાપમાન 18.4o સે. અને જુલાઈનું તાપમાન 28.7o સે. રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 1600 મિમી. જેટલો પડે છે.
આ પ્રદેશમાં ડાંગર, શેરડી, તમાકુ, કેળાં અને પાઇનેપલની ખેતી થાય છે. અહીંનો મીનુન્ગ પ્રદેશ તમાકુના વાવેતર તરીકે જાણીતો છે. અહીં સિમેન્ટ, ઍલ્યુમિનિયમ, કાગળ, રાસાયણિક ખાતર, રસાયણો, યાંત્રિક સાધનો તથા પ્લાયવૂડના એકમો અને જહાજ-બાંધકામ તથા તેલ-શુદ્ધીકરણનાં કારખાનાં આવેલાં છે. દક્ષિણ તાઇવાનનું સૌથી મોટું અને વસ્તીની દૃષ્ટિએ તાઇવનનું ત્રીજા ક્રમે આવતું શહેર છે.
કાઓ-સુંગ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે. તે પશ્ચિમ કિનારાનું ઉત્તમ આંતરરાષ્ટ્રીય બારું ગણાય છે. વળી તે સંદેશાવ્યવહારનું મુખ્ય મથક પણ છે. અહીંની વસ્તી સંખ્યા 27 લાખ (2023)જેટલી છે.
નીતિન કોઠારી