કાઆની મોહમ્મદ હબીબ (જ. ઈ. સ. 1807, શીરાઝ; અ. 1855, તેહરાન) : અઢારમી સદીના ફારસીના પ્રખ્યાત કસીદા કવિ. તે ફારસી ઉપરાંત અરબી અને તુર્કી ભાષાઓ પણ જાણતા હતા. તેમને બાળપણથી કવિતા લખવાનો શોખ હતો. સૌપ્રથમ ‘હબીબ’ તખલ્લુસ સાથે ઈરાનના રાજકુંવર હસન અલી મિર્ઝાના દરબારમાં રહીને તેમણે કસીદાકાવ્યો લખવાની શરૂઆત કરી હતી. તે સમયના ઈરાનના રાજવી ફતેહઅલી શાહ કાચારી અને તેમના અનુગામી મોહમ્મદ શાહ પણ કાઆનીની કદર કરતા હતા. સુલતાન નાસિરુદ્દીનશાહે તેમને ‘રાજકવિ’નો ખિતાબ આપ્યો હતો.

ફારસીમાં પ્રાચીન કાળથી કસીદા કાવ્યપ્રકારનું ખેડાણ બહોળા પ્રમાણમાં થયું છે. શરૂઆતમાં તે અત્યંત જીવંત કાવ્યપ્રકાર હતો; પરંતુ સમય જતાં તેમાં કૃત્રિમતા દાખલ થઈ ગઈ હતી. કવિ કાઆનીએ ફારસી કસીદાને નવું જીવન આપ્યું હતું. તેનાં કસીદા-કાવ્યોમાં પરિસ્થિતિનું સચોટ વર્ણન, શ્યોનું આબેહૂબ ચિત્રણ અને વાસ્તવિકતાની સાથે સુંદર અલંકારોનો ઉપયોગ, લયબદ્ધતા અને ઉત્તેજના પણ જોવા મળે છે. કાઆનીનો ભાષા ઉપર જે કાબૂ હતો તેની પ્રતીતિ તેનાં કાવ્યોમાં થાય છે; તેમાં નવા અને તાલબદ્ધ શબ્દોનો પ્રવાહ જોવા મળે છે. તેનો દીવાન તેહરાનથી પ્રગટ થયો છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી