કાંસું : તાંબું અને કલાઈની મિશ્ર ધાતુ (ઘન દ્રાવણ). વિશિષ્ટ હેતુ માટેના કાંસામાં સીસું, જસત, ચાંદી અને અન્ય ધાતુઓ ઉમેરવામાં આવે છે. કલાઈયુક્ત કાંસા(મૂર્તિ માટેના કાંસા)માં 2 %થી 20 % કલાઈ હોય છે. બેલ-મેટલમાં 15 %થી 25 % કલાઈ અને સ્પેક્યુલમ મેટલમાં 30 % સુધી કલાઈ હોય છે. ગન-મેટલમાં 8 %થી 10 % કલાઈ અને 2 %થી 4 % જસત હોય છે. ફૉસ્ફર કાંસામાં કલાઈ ઉપરાંત થોડા પ્રમાણમાં ફૉસ્ફરસ હોય છે અને તે નાજુક નળીઓ (fine tubing), નાજુક કમાનના તાર અને મશીનના ભાગ બનાવવામાં વપરાય છે. સીસાયુક્ત કાંસામાં 30 % સીસું હોય છે અને તે ઓછા દબાણવાળા વાલ્વ અને ફિટિંગમાં વપરાય છે. મૅંગેનીઝ કાંસામાં 0.5 %થી 5 % મૅંગેનીઝ હોય છે. ઍલ્યુમિનિયમ કાંસામાં કલાઈ હોતી નથી. તે ઢાળી શકાતું નથી. સિલિકોનયુક્ત કાંસું ઢાળી શકાય છે. બેરિલિયમ કાંસામાં 2 % બેરિલિયમ હોય છે, પણ કલાઈ હોતી નથી. તે સખત અને સ્ટીલ કરતાં ત્રણગણું મજબૂત હોય છે. કલાઈયુક્ત કાંસું સખત અને મજબૂત હોય છે. તેના પર જલદી કાટ લાગતો નથી કે તે જલદીથી ઘસાતું નથી. કાંસાને 100o સે.થી થોડા વધુ ઊંચા તાપમાને ગરમ કરતાં તેના પર ઑક્સાઇડનું પડ (patina) લાગે છે, જેથી તેના પર આગળ કાટ લાગતો નથી. આ જાતની પ્રક્રિયા ઍસિડની બાષ્પથી પણ કરી શકાય છે. આ ઉપરાંત કાંસાની બનાવેલી વસ્તુ પર આ પ્રક્રિયા પછી તેના પર મીણનું પડ ચડાવતાં તે વધુ અસરકારક ક્ષારણ-પ્રતિકારક બને છે. બેરિંગ માટેના કાંસામાં કલાઈ ઉપરાંત 2 % ગ્રૅફાઇટ ઉમેરવામાં આવે છે. કાંસામાંથી બેરિંગ, બુશિંગ, ગિયર, વાલ્વ તેમજ અન્ય ફિટિંગ, મૂર્તિઓ વગેરે બનાવવામાં આવે છે. આયુર્વેદ વિજ્ઞાનમાં અન્ય ધાતુઓની જેમ કાંસાનો પણ ભસ્મ રૂપે ઉપયોગ થાય છે. આયુર્વેદ મતે જે કાંસામાં તીક્ષ્ણ (તીવ્ર) અવાજ હોય, જે મુલાયમ અને સ્નિગ્ધ હોય, સહેજ શ્યામલ-શુભ્ર રંગનું હોય, જે સ્વચ્છ અથવા ચમકદાર હોય, અગ્નિમાં તપાવવાથી જે લાલ રંગનું થાય, તે કાંસું ઉત્તમ ને પ્રશસ્ત ગણાય છે. આયુર્વેદમાં કહ્યું છે, ઘી સિવાય સર્વ જાતના ખાદ્ય પદાર્થને કાંસાના વાસણમાં રાખી ભોજન કરવું એ આરોગ્યપ્રદ અને સુખપ્રદ છે તેમજ તે સર્વ રીતે હિતકર અને સાત્મ્ય બને છે, માટે સૌરાષ્ટ્રમાં 60 વર્ષ પૂર્વે સામાન્ય ગ્રામીણ લોકો પણ કાંસાના થાળી-વાટકામાં જ ભોજન કરતા હતા. હાથ-પગના તળિયામાં થતો દાહ મટાડવા તળિયે ઘી ચોપડીને કાંસાની વાટકીથી માલિસ કરવાથી દાહની પરમ શાંતિ થાય છે. આયુર્વેદમાં કાંસાની ભસ્મના ગુણો આ મુજબ બતાવ્યા છે : કાંસ્યભસ્મ હળવી, કડવી, ગરમ, ર્દષ્ટિ શુદ્ધ કરનારી, હિતકર અને ખાસ કરીને વાતપિત્તજન્ય રોગો, લોહી-વિકાર, કૃમિ, કૃષ્ઠ, બહુમૂત્ર, પ્રમેહ, મૂત્રકૃચ્છ્ર જેવા મૂત્ર-રોગો તથા આંખનાં દર્દો મટાડે છે. માત્રા 1 રતી દિવસમાં 2 વાર.
ઈન્દ્રવદન મનુભાઈ ભટ્ટ
બળદેવપ્રસાદ પનારા