કાંસિયા (blister beetles) : માણસની ચામડી સાથે ઘસાતાં તરત જ પોતાના પગના સાંધામાંથી ઝરતા પ્રવાહી દ્વારા શરીર પર ફોલ્લા ઉપસાવનાર ઢાલપક્ષ (Coleoptera) શ્રેણીના Meliodae કુળના કીટક. પુખ્ત કાંસિયા બાજરી, મકાઈ, જુવાર વગેરેનાં જીંડવાંમાંથી થૂલ ખાઈને જીવે છે, તેથી છોડ પર દાણા બેસતા નથી. કેટલાક કાંસિયા શાકભાજી, કઠોળ અને ગુલાબફૂલ વગેરેને ખાય છે.
જુદી જુદી જાતિના પુખ્ત ઉંમરના કાંસિયા જુદા જુદા રંગના હોય છે. તે લીલા, લીલાશ પડતા ભૂરા, આછા બદામી, પીળાશ પડતા બદામી રંગના પટ્ટાવાળા, ભૂરાશ પડતા કાળા અને ઘાટા બદામી રંગના હોય છે. શરીર અત્યંત કોમળ હોય છે અને શરીરમાંથી ઝરતા પ્રવાહીમાં કૅન્થૅરડિન આવેલું હોય છે, જે દવા તરીકે ઉપયોગી છે. માદા કાંસિયા જમીનમાં 100થી 200ના જથ્થામાં સફેદ ઈંડાં મૂકે છે. ઈંડાંની અવસ્થા લગભગ એક પખવાડિયાની હોય છે. ઈંડાંના વિકાસથી નીકળેલી ઇયળો જમીનમાં રહીને તીતીઘોડાનાં ઈંડાં ખાય છે. તે ર્દષ્ટિએ કાંસિયાની ઇયળ માનવને ફાયદાકારક ગણાય. ઇયળ જુદી જુદી અવસ્થામાંથી પસાર થઈને છેવટે કોશેટામાં રૂપાંતર પામે છે.
આ જીવાતનો ઉપદ્રવ ઑગસ્ટથી ડિસેમ્બર સુધી જોવા મળે છે. આ જીવાતને કાબૂમાં લેવા માટે, કાંસિયાનું પ્રમાણ ઓછું હોય તો ડૂંડા પરથી તેમને કેરોસીનવાળા પ્રવાહીમાં ખંખેરી અથવા વીણી લેવામાં આવે છે. જો ઉપદ્રવ વધારે હોય તો મેથાઇલ પૅરાથીઓન 2 % ભૂકી અથવા ક્વિનાલફૉસ 1.5 % ભૂકી હેક્ટરે 15 કિલો લેખે છાંટવાથી નિયંત્રણ થઈ શકે છે. પ્રકાશપીંજરાના ઉપયોગથી પુખ્ત કાંસિયાને આકર્ષી એકઠા કરીને પણ તેમનો નાશ કરી શકાય છે.
પરબતભાઈ ખી. બોરડ
પી. એ. ભાલાણી