કાંશીરામ (જ. 15 માર્ચ 1934, ખાવસપુર, રોપર જિલ્લો, પંજાબ; અ. 8 ઑક્ટોબર 2006, દિલ્હી) : અગ્રિમ રાજકારણી દલિત નેતા, અને બહુજનસમાજ પક્ષ(BSP)ના સ્થાપક. પંજાબી ચમારમાંથી રૈદાસી શીખ બન્યા ત્યારે તેઓ સામાન્ય ભારતીયજન તરીકે સરકારી નોકરી કરતા હતા. ડૉ. આંબેડકર જયંતીની જાહેર રજા નાબૂદ કરવાના મુદ્દે દલિત કર્મચારીઓએ શરૂ કરેલી લડતમાં તેઓ જોડાયા. ત્યારબાદ તેમણે બાબાસાહેબ આંબેડકર વિશે ઘણું વાચન કર્યું અને 1965થી તેમની ર્દષ્ટિ અને સૂઝ-સમજમાં ભારે પરિવર્તન આવ્યું.
ઉપર્યુક્ત કારણોસર તેમણે ક્રમશ: સરકારી નોકરોનું રાષ્ટ્રીય સંગઠન વિકસાવ્યું. 1973માં ‘ઑલ ઇન્ડિયા બૅકવર્ડ ઍન્ડ માઇનૉરિટી એમ્પ્લૉઇઝ ફેડરેશન’ રચ્યું. તે પછીનાં વર્ષોમાં રાજકીય ક્ષેત્રે ગજબનું કાઠું કાઢી તેમણે ડૉ. આંબેડકર પછી ભારતીય રાજકારણના નોંધપાત્ર દલિત નેતા તરીકેનું સ્થાન અંકે કર્યું. 1981માં ‘દલિત-શોષિત સંઘર્ષ સમિતિ’ સ્થાપી, જેના આધારે 1984માં બહુજનસમાજ પક્ષ નામક રાજકીય પક્ષ ઊભો કર્યો. ત્યારબાદ તેઓ સતત દલિતહિતોના વાચાળ નેતા બની રહ્યા. 1991માં ઇટાહાના સંસદીય મતવિસ્તારમાંથી લોકસભામાં ચૂંટાયા. 2004ની સામાન્ય ચૂંટણીમાં કુલ દસ લાખ મતો પ્રાપ્ત કરી તેમણે બસપને મજબૂત પક્ષ બનાવ્યો તેમજ અન્ય રાજકીય પક્ષોને તેના રાજકીય અસ્તિત્વની પ્રતીતિ કરાવી. ‘બસપ’ ઉત્તરપ્રદેશના રાજકારણમાં ભારે પ્રભાવક બળ બન્યો અને એથી નવાં રાજકીય-સામાજિક સમીકરણો રચાતાં ગયાં. પરિણામે આ અપરિણીત નેતા દલિતોના ઉદ્ધારક તરીકે પોતાની છાપ વધુ મજબૂત અને ઘેરી બનાવી શક્યા. દલિત મહિલાને ઉત્તરપ્રદેશ જેવા ભારતના સૌથી મોટા રાજ્યના મુખ્યમંત્રી બનાવી બસપ-એ અસાધારણ સિદ્ધિ હાંસલ કરી તેમજ મહિલા-સશક્તીકરણની દિશામાં મજબૂત ડગલાં માંડ્યાં.
આંતરિક લોકશાહીનો અને દીર્ઘષ્ટિનો અભાવ ‘બસપ’ની મોટી મર્યાદા બની રહ્યો, જેને કારણે તે દેશવ્યાપી મજબૂત સંગઠન ઊભું કરી શક્યો નહિ. અમુકતમુક સમુદાય કે ઔદ્યોગિક ગૃહના ટેકા વિના ‘બસપ’-એ બે દસકામાં દલિતોના રાજકારણને મૂળગામી (grassroot) મજબૂતાઈ પૂરી પાડી. વળી અન્ય પક્ષો કે જૂથોને ‘બસપ’માં સમાવવાના (politics of co-option) રાજકારણનો તેઓ સફળ પ્રતિકાર કરી શક્યા હતા. રાજકીય અનુગામી તરીકે માયાવતીની પસંદગીને લીધે ‘બસપ’ સાંકડાં દલિતહિતો અને વ્યક્તિનિષ્ઠ રાજકારણમાં અટવાઈ પડ્યો.
દલિતોના રાજકીય પ્રભાવની દિશામાં ‘બસપ’ દ્વારા તેમણે નોંધપાત્ર અને પાયાનું કામ કર્યું હતું, જેનો ભાગ્યે જ ઇન્કાર કરી શકાય.
રક્ષા મ. વ્યાસ