કાંપ (alluvium) : અર્વાચીન નદીઓની રચનાત્મક ક્રિયા દ્વારા ઉદભવતા જતા કણજન્ય નિક્ષેપો માટે ઉપયોગમાં લેવાતો સામાન્ય પર્યાય. આ પર્યાય હેઠળ નદીતળ, પૂરનાં મેદાનો, મુખત્રિકોણ, સરોવર, પહાડી પ્રદેશોના ઢોળાવના તળેટી વિસ્તારો તેમજ નદીનાળ પ્રદેશોમાં એકત્રિત થતા નિક્ષેપોનો સમાવેશ કરી શકાય. રેતી, માટી અને સિલ્ટ જેવા સૂક્ષ્મ કણોથી બનેલો સ્વચ્છ જળજન્ય નિક્ષેપ પણ કાંપ તરીકે ઓળખાય છે. જુદા જુદા વિસ્તારમાંથી નદીના પ્રવાહો સાથે ઘસડાઈ આવેલા વિવિધ પ્રકારના કણોની જમાવટથી આ પ્રકારની કાંપની રચના થાય છે. તેની કણરચના સ્થૂળ કણોથી માંડીને માટી, દ્રવ્ય જેવી બારીક હોઈ શકે છે. કાંપદ્રવ્યમાં લોહ, ઍલ્યુમિનિયમ, ચૂનો, પોટૅશિયમ વગેરેનાં તત્વો પણ હોય છે. અભિઘર્ષણને કારણે તેના બંધારણમાં રહેલા કણો મોટેભાગે ગોળાકાર હોય છે. ભારત-પાકિસ્તાનમાં આવેલાં ગંગા-સિંધુનાં કાંપનાં મેદાનો તેનું ઉત્તમ ઉદાહરણ છે. ઉત્તર ગુજરાતનો મોટોભાગ કાંપથી બનેલો જોવા મળે છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે