કાંટાવાળા, હરગોવિંદદાસ દ્વારકાદાસ (જ. 16 જુલાઈ 1844, ઉમરેઠ; અ. 31 માર્ચ 1930) : પ્રસિદ્ધ ગુજરાતી લેખક. અમદાવાદની વર્નાક્યુલર ટ્રેનિંગ કૉલેજમાં અભ્યાસ કર્યો તથા અંગ્રેજી, સંસ્કૃત, મરાઠી અને ઉર્દૂ ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. આરંભમાં રાજકોટ ટ્રેનિંગ કૉલેજના આચાર્ય. ત્યાં ‘વિજ્ઞાનવિલાસ’ નામનું સામયિક ચલાવ્યું. 1875-76માં વડોદરા રાજ્યના કેળવણી ખાતામાં જોડાયા. શ્રીમંત સયાજીરાવની ઇચ્છા મુજબ અમરેલીમાં કેળવણી ફરજિયાત કરવામાં તેમનો વિશિષ્ટ ફાળો. થોડો વખત તે લૂણાવાડાના દીવાન પણ નિમાયા હતા. 1920માં છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા. અંગ્રેજ સરકારે 1903માં તેમને રાવબહાદુરના ઇલકાબથી અને શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે તેમની સાહિત્યસેવાને કારણે સાહિત્યમાર્તંડના સુવર્ણચંદ્રકથી નવાજ્યા હતા.
તેમણે અંગ્રેજી લેખકોના ઇતિહાસ પરથી આધાર લઈને લખેલા ‘પાણીપત અથવા કુરુક્ષેત્ર’ (1864) નામના દેશપ્રીતિ અને સુધારાવૃત્તિથી છલકાતા સુદીર્ઘ કાવ્યમાં છ ઐતિહાસિક યુદ્ધોને વીરરસમાં વર્ણવ્યા પછી સાતમા વહેમ-સુધારાની યુદ્ધની આગાહી કરી છે. ‘વહેમયવન’ને જીતવા માટે વિદ્યાદેવીની સહાય લેવાનું સૂચવ્યું છે. ‘વિશ્વની વિચિત્રતા’ (1913) કાવ્યસંગ્રહમાં તેમણે વિવિધ ધર્મો, જ્ઞાતિઓ, બાળલગ્નો, કજોડાં, ન્યાયતંત્ર વગેરે પર વ્યંગશૈલીમાં લખેલાં કાવ્યો છે. ‘અંધેરી નગરીનો ગર્ધવસેન’ (1881) નામની દેશકાળના ઉલ્લેખ વિનાની ‘ઉટંગ’ વાર્તામાં તત્કાલીન રજવાડામાં ચાલતાં અંધેર, અત્યાચારો અને રાજરમતને કટાક્ષ દ્વારા નિરૂપ્યાં છે. ‘બે બહેનો’ (1891) સંયુક્ત કુટુંબપ્રથાને રમૂજીશૈલીમાં નિરૂપતી બોધપ્રધાન વાર્તા છે. તેમણે ‘ટચૂકડી સો વાતો’ ભાગ 1થી 5 (1921, 1923, 1923, 1924, 1925) દ્વારા સાદી-સરળ શૈલીમાં રસિક અને રમૂજપ્રેરક બાળવાર્તાઓ આપી બાળસાહિત્યની નોંધપાત્ર સેવા કરી છે. ‘દેશી કારીગરીને ઉત્તેજન’ ભાગ 1, 2(1875, 1877)માં ભારતીય પ્રજાની નિર્ધનતા અને લાચારીનો ચિતાર આપી તથા દેશી હુન્નરઉદ્યોગની સ્થિતિનું વાસ્તવિક ચિત્ર આપી, તેના ઉત્તેજનમાં જ દેશહિત સમાયાની વાત સચોટ રીતે મૂકી આપી છે. ‘કેળવણીનું શાસ્ત્ર અને તેની કળા’ ભાગ 1, 2 (1903) તેમનો પૌરસ્ત્ય અને પાશ્ચાત્ય શિક્ષણપદ્ધતિના વિકાસને નિરૂપતો અભ્યાસગ્રંથ છે. ‘સંસારસુધારો’(1901)માં તેમણે તત્કાલીન જ્ઞાતિપ્રથા, લગ્નપ્રથા વગેરેનું ઐતિહાસિક પદ્ધતિએ વિશ્ર્લેષણ કરી સુધારાલક્ષી સૂચનો કર્યાં છે. કેળવણીકારના નાતે તેમણે ગણિત, ભૂગોળ, નામું, વ્યાકરણ વગેરે વિષયના પાઠ્યપુસ્તકો તૈયાર કરેલાં છે.
તેમની મહત્વની કામગીરી છે ‘પ્રાચીન કાવ્યમાળા’ના સંપાદક તરીકેની. તેમણે મુખ્યત્વે નાથાશંકર શાસ્ત્રીની સહાયથી 35 પુસ્તકો દ્વારા મધ્યકાલીન ગુજરાતી કવિઓની હસ્તપ્રતોને પ્રકાશમાં લાવવાનું નોંધપાત્ર કાર્ય કર્યું છે. તે શ્રેણીમાં પ્રેમાનંદ અને વલ્લભના નામે બનાવટી નાટકો અને આખ્યાનો પ્રસિદ્ધ થતાં અનેક વિવાદો ઊભા થયા હતા.
લવકુમાર દેસાઈ