કસ્તૂરી (musk) : હિમાચ્છાદિત પર્વતોમાં થતા કસ્તૂરીમૃગ નામના નર જાતિની લિંગગ્રંથિની નજીક નાભિમાં જામી જતો, સુગંધિત (દ્રવ) પદાર્થ. તે ઘનસ્વરૂપે કે કસ્તૂરીમૃગના ડૂંટામાં જ પ્રાય: વેચાય છે. તે મૃગ(હરણ)નો કામ-મદ છે. વિવિધભાષી નામો : સં. मृगनाभि, मृगमद, कस्तूरिका, कस्तूरी, वेधमूखा; હિ. मृगनाभि, कस्तूरी; બં. मृगनाभि, कस्तूरी; મ. ગુ. ક. તે. ત. : કસ્તૂરી; ફા. मुष्क; અ. मिस्क; અં. Musk; લે. Moskus.
હરણાંની અનેક જાતિઓમાં એક ‘કસ્તૂરીમૃગ’ (Moschus mochiferus)ની છે; જે હરણ (મૃગ) ઉત્તરી ભારતના કાશ્મીર, નેપાળ, આસામ, મધ્ય એશિયા, તિબેટ, ભુતાન, ચીન, સાઇબીરિયા (રશિયા) જેવા શીતળ પર્વતોમાં 7,000થી 8,000 ફીટની ઊંચાઈના પહાડોની ટોચે આવેલા સઘન જંગલોમાં જ જોવા મળે છે. તે તિબેટમાં સવિશેષ છે. હિમાલયમાં કેદારનાથ પાસે કસ્તૂરીમૃગના રક્ષણ માટે ખાસ અભયારણ્ય બનાવવામાં આવ્યું છે. કસ્તૂરીમૃગ બહુ જ સુંદર અને શોભાયમાન મૃગ છે. તેને શિંગડાં અને પૂંછડી નથી હોતાં. આ મૃગ લગભગ 20 ઇંચ ઊંચું, લોઢા જેવા ઘેરા ભૂખરા રંગનું, અત્યંત શંકાશીલ સ્વભાવનું પ્રાણી છે. તેના ઉપરના જડબામાં બે લાંબા દાંત દેખાય છે, જે તેના મુખના હોઠ બહાર નીચેની તરફ હૂકની જેમ નીકળેલા રહે છે. એનું મુખ લાંબું, પગ પાતળા તથા વાળ લૂખા અને લાંબા હોય છે. આ હરણની નર જાતિના મૃગની લિંગેન્દ્રિયના મણિ (અગ્ર) ભાગને ઢાંકનારી ચામડી વધી જઈને એક થેલી બની હોય છે. તેમાં કસ્તૂરીમૃગનો કામ-મદ જે પ્રથમ દ્રવસ્વરૂપ હોય છે, તે ઘન પદાર્થ રૂપે જામી જઈને ‘કસ્તૂરી’ બને છે. આવી થેલી નર જાતિના હરણની નાભિ પાસે, નાભિ અને શિસ્નના આવરણની વચ્ચે રહે છે. તેને ‘કસ્તૂરીમૃગનો ડૂંટો’ કહે છે. તે ઈંડા જેવા આકારનો, 1 થી 3 ઇંચ લાંબો અને 1થી 2 ઇંચ પહોળો હોય છે. તેના બહારના અગ્ર ભાગમાં વાળયુક્ત એક નાનું છિદ્ર હોય છે. આ ડૂંટાનો પાછલો ભાગ સંકુચિત હોય છે, જે મૃગના શિસ્નાગ્ર ચર્મના મુખ સાથે મળી જાય છે. તેની અંદરના ચીકણા પડના અનિયમિત સ્તરોને કારણે તે કેટલાય અપૂર્ણ વિભાગોમાં વહેંચાઈ જાય છે. મૃગનાભિના ડૂંટાની ચારે તરફ હરણની ત્વચા પર હોય તેવા વાળ હોય છે.
યુવાન નર કસ્તૂરીમૃગોના મદકાળ(સંવનન ઋતુ, Rutting season)માં તેના ડૂંટામાં કામ-મદ પ્રવાહી રૂપે વધુ પ્રમાણમાં હોય છે. આ જ સમયગાળામાં કામ-મદ(પ્રવાહી કસ્તૂરી)ની શક્તિ અને સુગંધ સર્વાધિક પ્રમાણમાં હોય છે. મદકાળ (સંવનન-સમય) પ્રાય: 1 માસનો હોય છે. બાળક, વૃદ્ધ, ક્ષીણ (દૂબળા) અને રોગી નર-હરણમાં કસ્તૂરીની માત્રા અને ગંધ ઓછી હોય છે; પરંતુ કામાતુર (કામોત્તેજિત) અને યુવાન કસ્તૂરીમૃગની નાભિ(ડૂંટા)માં કસ્તૂરીની સુગંધ અને માત્રા વધુ હોય છે. યુવાન મૃગની નાભિમાં જ્યારે કસ્તૂરી (મદ) બની જાય છે, ત્યારે તેના ડૂંટામાંથી કસ્તૂરીની સુગંધ ચારે તરફ ફેલાય છે. કસ્તૂરીમૃગ એ સુગંધ પોતાની નાભિમાંથી હવામાં પ્રસરે છે, તે સમજી નહિ શકતાં, તે પેલી ગંધના મૂળ પદાર્થને શોધવા આમ-તેમ રખડે છે. આવા સમયે શિકારીઓ કસ્તૂરીમૃગને તેની સુગંધ પરથી સરળતાથી ઓળખી કાઢી, તેને મારીને, તેનો ડૂંટો કાપી લે છે અને તે સુકાયા પછી ઘન બનેલ કસ્તૂરીને કાઢી, વેચે છે. મૃગનો સંવનન-(કામહર્ષ)-કાળ વીતી ગયા પછી, દ્રવસ્વરૂપ કસ્તૂરી, મૃગની નાભિ(ડૂંટા)માં દાણાદાર ઘન (કઠણ) પદાર્થરૂપ બની જાય છે. નર મૃગની કસ્તૂરીની સુગંધથી નારી મૃગ નર પાસે આકર્ષાઈ આવે છે અને સંવનન કરે છે. એક સ્વસ્થ યુવાન મૃગના ડૂંટામાંથી લગભગ 20થી 25 ગ્રામ જેટલી કસ્તૂરી મળે છે. 1 વર્ષના કસ્તૂરી બાળમૃગમાં કસ્તૂરી હોતી જ નથી. બે વર્ષના બાળમૃગમાં તે 6થી 7 ગ્રામ અને વૃદ્ધ કસ્તૂરીમૃગમાં પણ 6-7 ગ્રામ જેટલી કસ્તૂરી હોય છે. આ કસ્તૂરી દૂધિયા રંગની હોય છે.
પંડિત ભાવમિશ્રે કસ્તૂરીના રંગ (વર્ણ) અને તેના ઉત્પત્તિસ્થાનની ર્દષ્ટિએ 3 પ્રકારો બતાવ્યા છે. (1) કામરૂપીય : (કામરુદેશીય) આસામ-નાગાલૅન્ડ તરફ થતાં કસ્તૂરીમૃગમાં આ જાતની કસ્તૂરી થાય છે જે રંગે કાળી અને સુગંધિત ઘન પદાર્થ રૂપે હોય છે. (2) નેપાળી : નેપાળ પ્રદેશમાં થતાં કસ્તૂરીમૃગોની નાભિમાંથી પ્રાપ્ત કસ્તૂરી, પ્રાય: ભૂરા રંગની હોય છે. (3) કાશ્મીરી : હિમાલય–કાશ્મીર પ્રદેશમાં વિચરતાં કસ્તૂરીમૃગોના ડૂંટામાંથી પ્રાપ્ત કસ્તૂરી પ્રાય: કપિલ (Brown – ઘેરા કેસરી) રંગની હોય છે. આમાં કામરૂપીય (કામરુ દેશની) કસ્તૂરી સર્વશ્રેષ્ઠ, નેપાળી મધ્યમ અને કાશ્મીરી કસ્તૂરી હલકી (આયુર્વેદે) માની છે.
કસ્તૂરીના વેપારની ર્દષ્ટિએ તેના ત્રણ પ્રકારો છે : (1) રશિયન, (2) આસામી અને (3) ચીની. (1) રશિયન કસ્તૂરીમાં સુગંધ ખૂબ ઓછી હોય છે. (2) આસામી કસ્તૂરી : આ જાતની કસ્તૂરી બહુ સારી તથા તીવ્ર સુગંધયુક્ત હોય છે. તેનો રંગ કાળો હોય છે. (3) ચીની કસ્તૂરી : બધાંથી મોંઘી હોય છે; કારણ અન્ય હલકી જાતની કસ્તૂરીમાં જે કદી કદી ઍમોનિયા (નવસાર) જેવી અપ્રિય ગંધ હોય છે, તે આ જાતમાં નથી હોતી. આ જાતની કસ્તૂરી તિબેટમાંથી જ ચીનમાં જાય છે અને ચીની કસ્તૂરીના નામે વેચાય છે. આ ત્રણ ઉપરાંત એક અન્ય તીક્ષ્ણ અપ્રિય ગંધની કસ્તૂરી ‘કવર્ડાઇન’ નામે થાય છે, જે મોંગોલિયા અને મંચુરિયાના ઉત્તરી ભાગ તથા પૂર્વીય સાઇબીરિયા(રશિયા)થી આવે છે. નોંધ : કસ્તૂરીમૃગ ઉપરાંત બીવર, સિવેટ, કૅટ અને મસ્કરૅટ જેવાં પ્રાણીઓની નાભિમાંથી પણ કસ્તૂરી જેવા જ ગુણધર્મ ધરાવતા ઘનસ્રાવ મેળવાય છે.
કસ્તૂરીમાં ઍમોનિયા, ઓલ્ડિન, કૉલેસ્ટરીન, વસા (ચરબી), મીણ, જિલેટીનયુક્ત દ્રવ્ય, આલ્બ્યુમિન તથા ભસ્મ (Ashe) હોય છે. ભસ્મમાં પોટૅશિયમ, સોડિયમ અને કૅલ્શિયમ ક્લોરાઇડ હોય છે. કસ્તૂરીને વરાળ સાથે મેળવી, ડિસ્ટિલ્ડ (પરિષ્કૃત) તથા શુદ્ધ કરવાથી એક ઘટ્ટ રંગહીન તેલ મળે છે; જેમાંથી કસ્તૂરીની બહુ તીવ્ર ગંધ મળે છે. આ તેલ એક પ્રકારનું કીટોન (ketone) છે, જેને મસ્કોન (Muskone) કહે છે. કસ્તૂરી મદ્યસાર(આલ્કૉહૉલ)માં
10–20 ટકા અને પાણીમાં લગભગ 50થી 75 ટકા ઓગળે છે. કસ્તૂરીને 100 ડિગ્રી Fo ઉપર સૂકવવાથી, તેમાંથી 20થી 30 ટકા વજન ઘટી જાય છે. કસ્તૂરીમાં જે સુગંધ આવે છે, તે મસ્કોન નામના કાર્બોનિક પદાર્થને લીધે આવે છે. આજકાલ જુદા જુદા કાર્બનિક પદાર્થો એકત્ર કરી કૃત્રિમ સંશ્લેષિત કસ્તૂરી પણ બનાવાય છે.
ઉત્તમ જાતની કસ્તૂરી લાલાશ પડતી શ્યામ (કાળા) રંગની, ગોળ મોટા દાણા(કણ)વાળી, તીક્ષ્ણ મીઠી સુગંધવાળી, સ્વાદમાં કડવી, વજનમાં હળવી અને સ્પર્શમાં મુલાયમ (સુંવાળી) હોય છે. તેની ગંધ બહુ સમય સુધી (સ્થાયી) ટકી રહે છે. દીર્ઘકાળ થતાં તેની સુગંધ વધુ તીવ્ર બને છે. તેને 300 ગણા દ્રવમાં ઓગાળવા છતાં પણ તેમાં તેની ગંધ જણાય છે.
ચીન અને તિબેટના કસ્તૂરીના અનુભવી વેપારીઓ કસ્તૂરીની પરખ નીચે જણાવેલ પદ્ધતિએ કરે છે, જે વૈજ્ઞાનિક નહિ પણ અનુભવજન્ય છે. (1) કસ્તૂરીના દાણા પાણીમાં નાખતાં જો તે દાણા, હતા તેવા જ રહે તો તે અસલી અને જો ઓગળી જાય તો નકલી-બનાવટી જાણવા. (2) જે કસ્તૂરીને પાણીમાં નાખતાં તેનો રંગ ન પલટાય, તે ઉત્તમ અને અસલી જાણવી. (3) લાકડાના સળગતા અંગારા પર કસ્તૂરીના દાણા નાખતાં તે પીગળીને, તેમાંથી જો પરપોટા નીકળે તો અસલી, પણ જો તે એકદમ સખત થઈ કોયલારૂપ બને તો નકલી. (4) જે કસ્તૂરી અંગારા પર નાખતાં તે સળગે નહિ, પણ તેમાંથી ધીરે ધીરે ચામડાની ગંધ આવે તે અસલી અને ઉત્તમ. (5) સાચી કસ્તૂરીને જમીનમાં દાટી દો, તોપણ તેની ગંધમાં ફેરફાર થતો નથી. (6) અસલી કસ્તૂરી મુલાયમ (સુંવાળી-નરમ-લિસ્સી) હોય છે, જ્યારે બનાવટી કઠણ હોય છે. (7) સફેદ કોરા કાગળ ઉપર કસ્તૂરી મૂકવાથી કાગળ ઉપર પીળા રંગનો ડાઘ પડે છે તથા તેને અંગારા પર સળગાવવાથી, તેમાંથી મૂત્ર જેવી ગંધ આવે, તો તેને અસલી જાણવી. (8) ગંધક, લસણ, હાઇડ્રો સાઇટ્રિક ઍસિડ અને અર્ગટ ચૂર્ણના સંપર્કમાં આવતાં કસ્તૂરીની ગંધ નાશ પામે છે. સાચી કસ્તૂરીના ડૂંટાને હથેળીમાં દાબી રાખો, તો હથેળી ગરમ થઈ જાય છે.
કસ્તૂરી ખૂબ કીમતી સુગંધિત દ્રવ્ય હોઈ તેમજ તે અત્તર-પરફ્યૂમ અને દવાઓ ઉપરાંત ધાર્મિક દેવ-પૂજામાં વપરાતી હોઈ તેની ખેંચ રહે છે. કેટલાક અપ્રામાણિક વેપારીઓ ઍન્ટિલોપ ડોરકસ જાતિના હરણના ડૂંટા કે કૅપ્રા આઇબેક્સ (capra ibex) નામના બકરાના લોહીમાં કસ્તૂરી જેવી ગંધ હોઈ તેનો ઉપયોગ કરે છે. એ જ રીતે ભારતમાં થતી લતા કસ્તૂરી નામની વનસ્પતિનાં બીજ, સિલોનમાં થતાં મોટાં ગોખરુ તથા હિંગની જાતિના વૃક્ષમાં પણ કસ્તૂરી જેવી ગંધ આવતી હોઈ, તેનો બનાવટી કસ્તૂરી તરીકે પ્રયોગ થાય છે. અપ્રામાણિક વેપારીઓ સૂકું લોહી, યકૃત (લીવર), દાળ, ઘઉં તથા જવના દાણા વગેરેના પાઉડરનું મિશ્રણ કરી, તેમાં કસ્તૂરીના જેવી ગંધ આવતી અન્ય સસ્તી વસ્તુનું મિશ્રણ કરી અસલી કસ્તૂરી તરીકે વેચે છે તો કેટલાક એવાં દ્રવ્યો જાનવરના ડૂંટામાં પૅક કરીને અસલના સ્થાને વેચે છે. આમ કસ્તૂરીમાં નકલી માલની શક્યતા ઘણી છે.
ભારત સરકારે કસ્તૂરીમૃગની જાતિ નામશેષ ન થઈ જાય, માટે તેના શિકારની મનાઈ કરી છે; તેથી કસ્તૂરીની જરૂરતને પહોંચી વળવા વૈજ્ઞાનિકોએ રાસાયણિક વિધિથી ‘કૃત્રિમ’ કસ્તૂરી બનાવી છે : (1) મસ્ક ઝાયલેન (Musk Xylane) : તેનું સૂત્ર C6(CH3)2(C4H9)(NO2)2 છે. તે પરિવર્તનશીલ સ્થાયી અને અસ્થાયી કણના (બે) સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. (2) મસ્ક કીટોન (Musk Keton) : તેની ગંધ અસલી કસ્તૂરીને મળતી આવે છે. પરંતુ તે મસ્ક ઝાયલેન જેવી નથી હોતી. (3) મસ્ક અમ્બ્રેહી (Musk Ambrehe). તેનું સૂત્ર – C6H(C4H9)(CH3)(OCH3)(NO2)2 છે. કૃત્રિમ (રાસાયણિક) કસ્તૂરીમાં આ સૌથી વધુ સારી મનાય છે. આ ઉપરાંત Aldehyde Musk, Cyno Musk અને Azimido Musk વગેરે કૃત્રિમ કસ્તૂરી પણ થાય છે, જેનો ઉપયોગ કદીક જ થાય છે. કૃત્રિમ કસ્તૂરી ઝેરી નથી હોતી તથા સુગંધ માટે તે વધુ વપરાય છે. જોકે સાચી (કુદરતી) જાત કરતાં આ કૃત્રિમ જાત હલકી છે.
આયુર્વેદના મતે કસ્તૂરી રસ(સ્વાદ)માં કડવી, તીખી; વિપાકે તીખી, ઉષ્ણવીર્ય, ગુણમાં હળવી, લૂખી, અતિશય ગરમ અને અતિ સુગંધિત હોય છે. તેને નાક પાસે રાખી વધુ સૂંઘવામાં આવે તો નાકમાંથી લોહી પડે છે. તે કફ અને વાતદોષશામક અને પિત્તવર્ધક છે. ત્વચા સંસ્થાન ઉપર તે દુર્ગંધનાશક અને શીત-પ્રશમન છે. નાડી સંસ્થાન પર તે નાડી-બલ્ય, મસ્તિષ્ક-બલ્ય, આક્ષેપ(તાણ-આંચકી)હર, વાતશામક, શૂલરોધક અને કામોત્તેજક છે. પાચન સંસ્થાન પર તે દીપન અને અનુલોમન છે. રક્તવહ સંસ્થાન પર તે રક્તાભિસરણ-વર્ધક અને હૃદ્ય છે. શ્વસન સંસ્થાન પર તે કફઘ્ન અને શ્વાસહર છે. પ્રજનન સંસ્થાન પર તે વાજીકર અને કામોત્તેજક (Aphrodilsiac) છે. દેહના તાપક્રમ ર્દષ્ટિએ તે જ્વરઘ્ન (તાવશામક) છે. સાત્મીકરણ ર્દષ્ટિએ તે વિષઘ્ન છે.
કસ્તૂરી સુષુમ્નાશીર્ષ (કરોડરજ્જુની મસ્તકગત ટોચ) માટે અતિશય તીવ્ર ઉત્તેજક અને મૂર્ચ્છા(collapse)માં બહુ લાભદાયક મનાય છે. તેના પ્રયોગથી શરીરના રક્તપ્રવાહમાં વૃદ્ધિ થાય છે તથા વાતનાડીઓમાં તણાવ (Tension) વધે છે. તે મૂત્રેન્દ્રિય (પુરુષેન્દ્રિય) અને શ્વાસકેન્દ્ર માટે પરમ ઉત્તેજક છે. તેના પ્રયોગથી પ્રથમ રક્તવહ સંસ્થાન અને મસ્તિષ્કને ઉત્તેજના મળે છે અને પછી તેનો માદક અને સ્વેદજનક પ્રભાવ જોવા મળે છે. વાત-પ્રકૃતિના લોકોમાં આવો પ્રભાવ વધુ લક્ષિત થાય છે. શરીરમાંથી કસ્તૂરીનો ઉત્સર્ગ (બહાર નીકળવાની ક્રિયા) મૂત્ર, પરસેવો અને (માતાના) ધાવણ દ્વારા થાય છે. કસ્તૂરીનો હૃદય, શ્વાસ અને વાતનાડી સંસ્થાન પર ઉત્તેજક અને વૃષ્ય પ્રભાવ તેની તીવ્ર ગંધને આભારી છે.
જ્યારે કોઈ પણ રોગમાં દર્દીની જીવનીય શક્તિ સાવ ઘટી ગઈ હોય અને દર્દી મરણાસન્ન હોય ત્યારે તેને મૃત્યુથી બચાવવા માટે કસ્તૂરી, કસ્તૂરીયુક્ત દેશી કે વિલાયતી દવા કે તેનાં ઇંજેક્શનોનો ઉપયોગ ખાસ લાભપ્રદ જણાયો છે. વળી દર્દીની જીવનીય (પ્રાણ)-શક્તિ સાવ ઘટી જવી, પ્રલાપ (લવરી), સનેપાત (સન્નિપાત), નાડી ખૂબ મંદ કે ક્ષીણ થઈ હોય કે દબાવતાં લુપ્ત થતી હોય, શરીર સાવ ઠંડું પડી ગયું હોય ત્યારે, ન્યુમોનિયામાં અશક્તિની દશામાં, મૃગી (વાઈ-ફેફરું), મૂર્ચ્છા (બેહોશી-Collapse) અને હેડકીની સ્થિતિમાં કસ્તૂરી કે કસ્તૂરીયુક્ત દવાનો ઉપયોગ ખાસ લાભપ્રદ જણાયો છે.
આયુર્વેદ વિજ્ઞાનમાં કસ્તૂરીના ઉપયોગથી અનેક સુંદર અને પ્રભાવશાળી દવાઓ બને છે, જેની એક ટૂંકી યાદી અત્રે પ્રસ્તુત છે : કસ્તૂરી ભૈરવ રસ, મૃગનાભ્યાદિ વટી, કસ્તૂર્યાદિ સ્તંભનવટી, મૃગમદાસવ, હિંગકર્પૂરવટી, કેશરાદિવટી, નાગવલ્લભ રસ, ચતુર્ભુજ રસ, હૃદય પૌષ્ટિક ચૂર્ણ, બાલવટી, સવીર વટી, શક્તિ સંજીવન લેહ, શ્રી ગોપાલ તેલ, સૂચિકાભરણ રસ, નાગગુટિકા, અપૂર્વ તિલા, લિંગતેલ ઇત્યાદિ.
આધુનિક (પાશ્ચાત્ય) વિજ્ઞાન પણ Musk in ether અને Musk Camphor in ether નામના બે યોગ સૂચિવેધ (ઇંજેક્શન) રૂપે વાપરે છે. આ ઇંજેક્શનો મગજને બળ આપે છે. તેના પ્રભાવથી જીવનીય શક્તિ પાછી આવે છે – વધે છે અને વાયુવિકારનો નાશ થાય છે. તે આક્ષેપ(તાણ-ખેંચ, Convulsions)નિવારક અને કામોદ્દીપક હોય છે. મરણાસન્ન દર્દીના પ્રાણ બચાવવા માટે કોઈ પણ રૂપે કસ્તૂરીનો ઉપયોગ ચિકિત્સકો ખાસ કરે છે.
બળદેવપ્રસાદ પનારા
પ્રવીણસાગર સત્યપંથી