કશ્યપ, શિવરામ લાલા [જ. 6 નવેમ્બર 1882, જેલમ (પંજાબ); અ. 26 નવેમ્બર 1934, લાહોર] : સુપ્રસિદ્ધ ભારતીય વનસ્પતિશાસ્ત્રી. કાયસ્થ કુટુમ્બની ફક્ત લશ્કરી નોકરી કરવાની પરંપરા તોડીને 1900માં આગ્રાની મેડિકલ સ્કૂલનો ડિપ્લોમા મેળવીને કશ્યપ ડૉક્ટર થયા. ખાનગી વિદ્યાર્થી તરીકે પંજાબ યુનિવર્સિટીની બી.એસસી.ની પરીક્ષામાં પ્રથમ સ્થાને આવી જીવવિજ્ઞાનના મદદનીશ પ્રાધ્યાપક તરીકે જોડાયા અને એમ.એસસી.ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાને આવ્યા. તેમને આર્નૉલ્ડ અને મેકલેગન પારિતોષિકો મળ્યાં. 1910માં કેમ્બ્રિજમાંથી પ્રાકૃતિક વિજ્ઞાનની ઑનર્સ ડિગ્રી મેળવીને તરત જ લાહોરની સરકારી કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા. 1925માં ‘ઇન્ડિયન બૉટેનિકલ જર્નલ’ના સંપાદક અને તંત્રી થયા. હોલૅન્ડથી પ્રસિદ્ધ થતા ‘Chronica Botanica’ના તંત્રીમંડળમાં પણ જોડાયા. તેમણે કરેલા સંશોધનને છ વિભાગોમાં વહેંચી શકાય : (1) પાષાણભેદ(Equisetum)ની જાતીય ઉત્પત્તિ; (2) પંજાબની અને તિબેટ-નેપાલની વનસ્પતિસૃષ્ટિ; (3) પશ્ચિમ હિમાચલની દ્વિઅંગી (liverworts) વનસ્પતિઓ; (4) દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓનું પ્રજનનચક્ર, (5) યુગ્લીનાની અભ્યાસ-નોંધો; (6) સાયકસના ચલજન્યુનું હલનચલન (cycas zoidal movement).
પરિભ્રમણ દરમિયાન લડાખ, પંજાબની નદીઓનાં ઉદગમસ્થાન અને યાત્રા, કૈલાસ-માનસરોવર અને રાવણહૃદની પુણ્યભૂમિ, ગંગા-યમુનાનાં ઉદગમસ્થાનો, કાંચનજંઘાની પાર્શ્વભૂમિ વગેરે સ્થળો ખૂંદીને સમગ્ર વિસ્તારમાંની દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓને નોંધી તે હિમાલયની વિશાળ વનસ્પતિસૃષ્ટિના અંગેઅંગથી પરિચિત થયા. ચંબાથી ચંદ્રભાગા સુધી, કુલુથી મનાલી સુધી અને પુષ્પોની ખીણો(Valley of Flowers)માં થઈ રાહુલ પહોંચ્યા. તે પ્રવાસોમાં એમના સાથી ડૉ. બીરબલ સાહની સાથે હતા. તે પ્રયોગશાળામાં સતત હાજર રહીને પ્રત્યેક વિદ્યાર્થીને દરેકેદરેક આકારકીય લક્ષણો ઝીણવટ અને કાળજીથી બતાવવા ઉત્સાહ દાખવતા. પોતાની પ્રયોગશાળા પોતે જાતે જ સાફ કરતા, પણ તેની કોઈને ખબર પડતી નહિ કે આટલી બધી પારદર્શક સ્વચ્છતા કેવી રીતે જળવાય છે. તેની નોંધ ડૉ. સાહનીએ કરી છે. સદીઓ સુધી કુંઠિત રહેલા વનસ્પતિશાસ્ત્ર વિષયમાં કશ્યપ એ રીતે ભારતીય વનસ્પતિના અધ્યાપન અને સંશોધનના આદિપુરુષ ઠર્યા છે.
તેઓ ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમીના ફેલો હતા. તેમણે 1919 તથા 1932માં ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસના અધ્યક્ષ તરીકેનું પદ શોભાવ્યું હતું. વળી વનસ્પતિ વિભાગના પણ અધ્યક્ષ રહ્યા હતા. તેમણે સ્કૂલ ઑવ્ ઇન્ડિયન હિપેટીકૉલોજીનું સર્જન કર્યું છે.
તેમનાં લખાણો પૈકી નીચેના બે લેખોએ દુનિયાભરના વિજ્ઞાનીઓનું તેમના તરફ ધ્યાન ખેંચ્યું છે : (1) ‘સમ જ્યૉગ્રોફિકલ ઑબ્ઝરવેશન્સ ઑવ્ વેસ્ટર્ન તિબેટ’ (પશ્ચિમ તિબેટનાં કેટલાંક ભૌગોલિક નિરીક્ષણો); (2) ‘ઍન ઍૅકાઉન્ટ ઑવ્ એ જર્ની ટુ ગંગોત્રી ગ્લૅશિયર’ (ગંગોત્રી હિમનદીના પ્રવાસનો અહેવાલ). તેમણે હિમાલયમાંની 4 નવી પ્રજાતિ અને 50 નવી જાતિઓ પ્રસ્થાપિત કરી.
તે વનસ્પતિઓની એકઅક્ષીય (monophyletic) ઉત્પત્તિના પ્રણેતા ગણાય છે. તેમણે પ્રતિપાદન કરેલું છે કે ઉત્ક્રાંતિના ઊતરતા પથ પર સાદી રચના શ્રેષ્ઠ રચના ગણાય છે. તેમના વિદ્યાર્થીઓની તેજસ્વી પરંપરામાં પ્રખ્યાત સંશોધકો પ્રા. બીરબલ સાહની, અશ્મીભૂતવિજ્ઞાની પ્રા. કે. સી. મહેતા (રસ્ટ), પટના યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ. કે. એન. બહાલ અને ડૉ. વાય. ભારદ્વાજનો સમાવેશ થાય છે.
ચંદ્રકુમાર કાંતિલાલ શાહ
બળદેવભાઈ પટેલ