કશાભિકા (flagella-bacterial) : કેટલાંક અસીમકેંદ્રી (procaryote) બૅક્ટેરિયા જેવાં સજીવોમાં આવેલાં ચલનાંગો (mobile organs). તે કોષની બાહ્ય સપાટીએથી કેશ જેવાં આણ્વિક સૂત્રો રૂપે નીકળે છે. આ અણુઓ મુખ્યત્વે તંતુમય પ્રોટીનોના બનેલા હોય છે. અસીમકેંદ્રી કોષોમાં દેખાતી કશાઓ જટિલ સ્વરૂપની હોય છે અને તે સૂક્ષ્મ તંતુકોરૂપે કોષના અંદરના ભાગમાંથી નીકળતી હોય છે. આમ કશા અને કશાભિકાઓની રચના સાવ પરસ્પર ભિન્ન હોય છે. મોટેભાગે ગોળાકાર બૅક્ટેરિયા કશાભિકા વગરના હોય છે જ્યારે સર્પિલ (spiral) બૅક્ટેરિયા ધ્રુવીય (polar) હોય છે. દંડાકાર બૅક્ટેરિયામાં દેખાતી કશાભિકાઓ ધ્રુવીય અથવા તો શરીરની બધી બાજુએથી એટલે કે અધ્રુવીય પ્રકારની હોય છે.
મ. શિ. દૂબળે