કવિ દલપતરામ (જ. 21 જાન્યુઆરી 1820, વઢવાણ; અ. 25 માર્ચ 1898, અમદાવાદ) : અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રભાતની નેકી પોકારનાર બે મુખ્ય કવિઓ(નર્મદ અને દલપત)માં કાળક્રમે પ્રથમ આવતા કવિ. પિતા ડાહ્યાભાઈ ત્રવાડી કર્મકાંડના વ્યવસાયને કારણે વતન વઢવાણમાં ‘ડાહ્યા વેદિયા’ તરીકે જાણીતા હતા. બાળ દલપતે ભણવાની શરૂઆત પિતાની યજ્ઞશાળામાં કરેલી. પિતાને મંત્રોચ્ચાર કરતા જોઈને પુત્રે વેદમંત્ર શીખવાની હઠ લીધેલી. જનોઈ દીધા વગરનાને તે શિખવાડાય નહિ એટલે ડાહ્યાભાઈએ ખોટો મંત્ર ઉપજાવી કાઢીને શીખવેલો. પછીને વર્ષે એ જ રીતે ખોટી જનોઈ પહેરાવેલી. પણ પછી પિતાએ એક પાટલા પર છાણ-માટી લીંપીને આઠ વર્ષના દલપતને દેવનાગરી મૂળાક્ષરો શિખવાડ્યા. નવ વર્ષની વયે તેમને માવજી પંડ્યાની ધૂળી નિશાળે મૂક્યા. ત્યાં બે-અઢી વર્ષના ગાળામાં કક્કો, આંક, પલાખાં અને કાગળ લખવાની રીત શીખ્યા.
પિતા દલપતરામને વેદપાઠી પંડિત બનાવવા માગતા હતા. તેમણે ક્રિયમાણ અને સંહિતા શીખવવા માંડ્યાં. પુત્રની ભૂલ થાય ત્યાં પિતાનો ક્રોધ ઊછળતો ને ડાહ્યા વેદિયા કિશોર દલપતને ઢોરમાર મારતા. પિતાના મારથી ત્રાસીને દલપતરામ ઘેરથી નાસી ગયેલા. છેવટે તેમનાં માતુશ્રી અમૃતબા બે પુત્ર અને એક પુત્રીને લઈને પિયર જુદાં રહેલાં.
આઠ વર્ષની વયે દલપતરામે મામા પ્રેમાનંદની સાથે ગઢડામાં સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક સ્વામી સહજાનંદનાં દર્શન કરેલાં તેની ઊંડી છાપ તેમના ચિત્ત પર કાયમી રહી ગયેલી. 1834માં મૂળીમાં સમેયૌ ભરાયો તે વખતે મારે સ્વામીપન્થી નથી થવું એવા નિશ્ચય સાથે મામાની સાથે મૂળી ગયેલા દલપતરામ સ્વામીનારાયણના પંચવર્તમાનની દીક્ષા લઈને પાછા આવ્યા ત્યારે તેના આઘાતથી ડાહ્યાભાઈ સંન્યાસ લઈ લે છે.
‘સત્સંગ’ની દીક્ષા લીધી તે પહેલાં દલપતરામને કવિતા ‘જોડવા’ના સંસ્કાર મળ્યા હતા. ઘર સામેના ચોકઠામાં ચાંદની રાતે રેંટિયો કાંતતી ડોશીઓ શેરીનાં છોકરાંને વાર્તા સંભળાવતી. છોકરાં વાર્તા સાંભળ્યા પછી એકબીજાંને ઉખાણાં પૂછતાં. દસ વર્ષના દલપતને આ રમતમાં બહુ મજા પડતી. બીજાંને ન આવડે તે ઉખાણાંનો જવાબ કિશોર દલપત આપતો એટલું જ નહિ, નવાં ઉખાણાં બનાવીને પદ્યગોળા રેડવતો. આ પ્રકારનાં જોડકણાં હડૂલા કહેવાતાં. અન્ત્યાનુપ્રાસ મળે ને પાદપૂર્તિ સચોટ સચવાય એવી રચનાઓ તેમણે કરી. ઊછરતા કવિને પછી શામળની વાર્તાઓ વાંચવા મળી. તે પરથી ‘હીરાદન્તી’ અને ‘કમળલોચની’ નામની સ્ત્રીચાતુર્યની બે વાર્તાઓ એમણે રચી હતી, જે સ્વામીનારાયણના સંસ્કાર મળતાં તેમણે રદ કરી હતી. ‘સત્સંગ’ના પ્રતાપે ‘સૌનો સાળો સૌનો સસરો છે દ્વિજ દલપતરામ’ એમ કહેવા જેટલી નમ્રતા, નિખાલસતા અને ચારિત્ર્યશુદ્ધિ તેમનામાં આવી હતી, જે પછી જિંદગીભર ટકી રહી હતી.
પરંતુ ‘સત્સંગ’ના સંસ્કારે તેમને ધર્મદીક્ષાની સાથે કાવ્યશિક્ષા અપાવી. 1834થી 1841 દરમિયાન કકડે કકડે મૂળીમાં રહીને તેમણે સ્વામી દેવાનંદ પાસે છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર અને ભાષાનો અભ્યાસ કર્યો. તે પરથી તેમણે ‘જ્ઞાનચાતુરી’ અને ‘વ્રજચાતુરી’ નામના ગ્રંથો વ્રજભાષામાં લખ્યા. પછી તો દલપતરામ ‘સત્સંગ’ના કવિ તરીકે ખ્યાતિ પામ્યા. 1845માં જન્માષ્ટમીના સમૈયામાં તેમણે કવિ કુસુમ તરીકે જાણીતા ફૂલજી ગઢવીને શીઘ્ર કવિતાની રચનાની સ્પર્ધામાં હરાવ્યા. 1847માં અમદાવાદના સ્વામીનારાયણ મંદિરમાં સંસ્કૃતનો અભ્યાસ પૂરો કરીને તે વઢવાણ ગયા. એ જ વર્ષમાં ઍલેક્ઝાન્ડર કિન્લૉક ફૉર્બ્સ અમદાવાદમાં આસિસ્ટન્ટ જજ તરીકે નિમાયા. તેમને ગુજરાતી ભાષાસાહિત્ય શીખવનારની જરૂર હતી. ભોળાનાથ સારાભાઈની ભલામણથી દલપતરામે ‘ફાર્બસ સાહેબ’ના શિક્ષક અને સાથી તરીકેની નિયુક્તિ સ્વીકારી.
ગુજરાત-સૌરાષ્ટ્રમાં ફરીને ઇતિહાસકથાઓ, લેખો, દસ્તાવેજો, હસ્તપ્રતો વગેરે સાધનો એકઠાં કરીને દલપતરામે ફાર્બસને ‘રાસમાળા’ તૈયાર કરવામાં મદદ કરી. 1848ના ડિસેમ્બરમાં ફાર્બસે દલપતરામની સહાયથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી(ગુજરાત વિદ્યાસભા)ની સ્થાપના કરી. 1849માં તેમણે ‘ભૂત નિબંધ’ લખ્યો અને 1851માં સૂરતમાં ‘હુન્નરખાનની ચડાઈ’ વિશે પદ્યવ્યાખ્યાન આપ્યું તે અર્વાચીન ગુજરાતનું દેશભક્તિનું પહેલું કાવ્ય ગણાય છે. નવીન દેશકાળને ઝીલીને ગુજરાતી કવિતાને નવો વળાંક આપવાની શરૂઆત એનાથી થઈ. દેશને આળસ તજી હુન્નરઉદ્યોગ ભણી વળવાનું અને મંડળી-સિંહને જગાડી પરદેશગમન કરી સમૃદ્ધ થવાનું એમાં લાક્ષણિક ઉદબોધન છે.
1854ના માર્ચમાં ફાર્બસ સ્વદેશ ગયા ત્યારે દલપતરામને તે સાદરામાં મહેસૂલી ખાતામાં ગોઠવતા ગયા. પરંતુ 1855માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું નાવ અસ્થિર થતાં દલપતરામે સરકારી નોકરી તજીને સોસાયટીનું મંત્રીપદ લીધું. સોસાયટીના વિદ્યાવૃદ્ધિના કાર્ય માટે ભંડોળ એકઠું કરવા ધનિકો અને રાજાઓને તે મળવા લાગ્યા. કવિતા વડે તેમનું મનોરંજન કરીને શ્રીમંતો પાસેથી તેમણે સારી રકમ એકત્ર કરી. તત્કાલીન ગુર્જરનરેશ ખંડેરાવ ગાયકવાડ સમક્ષ તેમણે ગુજરાતી વાણીના વકીલ તરીકે કરેલી વિનંતીનો પ્રસંગ તેમની સન્નિષ્ઠ સાહિત્યસેવા અને નિર્ભયતાના ર્દષ્ટાંતરૂપ છે. તેમની અપીલને ધ્યાનમાં લઈને ખંડેરાવે તત્કાલીન વડોદરા રાજ્યમાં મરાઠીને સ્થાને ગુજરાતીને રાજભાષા તરીકે સ્વીકારીને નિશાળો અને પુસ્તકાલયો સ્થાપવાનો નિર્ધાર કરેલો. દલપતરામના પ્રયાસથી આમ ગુ.વ.સો.ની સ્થિતિ સધ્ધર થઈ અને ગુજરાત-સૌરાષ્ટ્રમાં વિદ્યાવૃદ્ધિનું આન્દોલન જાગ્યું. આ સંસ્કારસેવા બદલ રાણી વિક્ટોરિયાના દરબારમાં દલપતરામને શાલપાઘડીનો સરપાવ મળે છે અને સી.આઇ.ઈ.(કમ્પેનિયન ઑવ્ ઇન્ડિયન એમ્પાયર)નો ઇલકાબ મળે છે. વળી ફાર્બસે તેમને આપેલું ‘કવીશ્વર’નું બિરુદ લોકોએ વજ્રલેપ કર્યું અને સોસાયટીમાંથી નિવૃત્ત થયા ત્યારે બાર હજાર રૂપિયાની થેલી તેમણે અર્પણ કરી.
અર્વાચીન ગુજરાતી કવિતાની એક વિશિષ્ટ પરંપરા દલપતરામથી બંધાઈ. નર્મદે તેને સંપૂર્ણ અર્વાચીનતા બક્ષી; પણ નવીન પરિબળોના સબળ ને લોકપ્રિય માધ્યમ તરીકે કવિતાની પ્રતિષ્ઠા દલપતરામે સ્થાપી આપી. વિદ્યાવૃદ્ધિ, સમાજસુધારા તથા ધર્મ, નીતિ, સદાચાર અને વ્યવહારુ ડહાપણનો બોધ તેમનું જીવનકાર્ય હતું. એ જીવનકાર્યના સાધન તરીકે તેમણે કવિતાનો ઉપયોગ જિંદગીભર કર્યો હતો. ગુજરાતી કવિતાને દલપતરામે લોકોની નજીક લાવી મૂકી હતી તેટલી નજીક પછીથી કવિતા બહુ ઓછી વાર આવી શકી છે.
દલપતરામનાં લખાણનો મોટો જથ્થો પદ્યનો છે. ‘લક્ષ્મી’ (1850) અને ‘મિથ્યાભિમાન’ (1870) એ બે નાટકો, કેટલાક નિબંધો અને ‘બુદ્ધિપ્રકાશ’માંની નોંધો એટલું તેમનું ગદ્યલખાણ. ‘દલપતકાવ્ય’ ભાગ 1-2 (1879, 1885) ઉપરાંત ‘કાવ્યદોહન’ પુ. 1-2 (1860, 1863), ‘શામળ-સતશઈ’ (પાંચમી આવૃત્તિ 1922), ‘કથનસપ્તશતી’ (1852) ‘દલપતપિંગળ’ (1862) અને ‘હરિલીલામૃત’ (1890-1897) એટલાં તેમનાં પદ્યપુસ્તકો છે.
દલપતરામની કવિતા જૂની પદ્ધતિની ગણાઈ છે. વ્રજભાષાની કવિતાના પરિશીલનથી તેમનો કાવ્યાદર્શ ઘડાયો હતો. ફાર્બસની પ્રેરણાથી તેમણે હિન્દી છોડીને ગુજરાતીમાં લખવાનું શરૂ કરેલું પણ શૈલી તો વ્રજભાષાની જ રહી. ભાષાની ઝડઝમક અને કથનની ચતુરાઈ તેમની કવિતાનાં મહત્ત્વનાં અંગ બની રહ્યાં. નીતિશુદ્ધ (puritan) વિચારશ્રેણી એ દલપતકાવ્યનું બીજું લક્ષણ. પોતાની કવિતાનો તેમણે ‘પત્રપુષ્પવાળી શ્રીમાળી તણી છાબ છે’ એમ પરિચય આપેલો. તેમણે કવિતામાં સત્ય, ન્યાય, દયા, પરોપકાર અને સુકૃત્યમાં રાચતી માનવતાનો ઉપદેશ આપ્યો છે. તેમની ધર્મ અને ઈશ્વર વિશેની કવિતા સાદી અને લોકગમ્ય ભાષામાં ઉચ્ચ કોટિનું ચિન્તન ઝીલી બતાવે છે. ‘આકાશ તથા કાળ વિશેની ગરબી’ તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ‘બાપાની પીપર’ (1845) અર્વાચીનતાની પ્રથમ ઝાંખી કરાવનાર જાણીતું પ્રકૃતિકાવ્ય છે.
દલપતરામની કવિતા અંત:સ્ફુરિત નહિ તેટલી વ્યવહારલક્ષી છે. તેમની ર્દષ્ટિ કવિતાના બહિરંગમાં રાચે છે તેટલી તેના સ્વાન્ત:સુખ આપતા અંતરંગમાં ઊતરતી નથી. તેમની કવિતા મોટે ભાગે ફરમાશથી પ્રસંગને અનુલક્ષીને રચાયેલી છે. ‘વેનચરિત્ર’, ‘શ્રવણાખ્યાન’, ‘ફાર્બસવિલાસ’, ‘હુન્નરખાનની ચઢાઈ’, ‘શેરસટ્ટાની ગરબીઓ’, ‘વિજયક્ષમા’, ‘હંસકાવ્યશતક’ વગેરે સારી ગણાયેલી તેમની કૃતિઓ પણ પ્રાસંગિક છે. પરંતુ તેનો અર્થ એ નહિ કે તેમાં કાવ્યતત્વ નથી. દલપતરામની કવિતા પરલક્ષી છે. અર્વાચીન કવિતામાં પ્રતીત થતું આત્મલક્ષી તત્વ તેમની કૃતિ ‘બાપાની પીપર’માં ભલે સૌપ્રથમ પ્રગટ થયું પરંતુ એકંદરે તે ઓછું છે. પરલક્ષી કવિતાના કેટલાક ઉત્તમ ગુણો દલપતકાવ્યમાં જોવા મળશે. તેમની કાવ્યસૃષ્ટિ વિવિધ પ્રકૃતિનાં પચરંગી પાત્રોથી ભરચક છે. આટલું પાત્રવૈવિધ્ય અર્વાચીન કવિતાસાહિત્યમાં બીજે કોઈ સ્થળે જોવા નહિ મળે. ‘ફાર્બસવિલાસ’માં આવતા કવિઓ ગઢવીઓ, ચારણો, તેમાંની ર્દષ્ટાંતકથાઓમાં આવતા રાજાઓ બ્રાહ્મણો વાણિયાઓ ખવાસો વગેરે, તેમજ ‘રાજવિદ્યાભ્યાસ’માંના પ્રધાન બ્રાહ્મણ રાજપુત્ર વગેરે, ‘હંસકાવ્યશતક’ તથા ‘વિજયક્ષમા’ અને ‘વિજયવિનોદ’માંની ર્દષ્ટાંતકથાઓનો બહોળો પાત્રસમુદાય દલપતરામનું મનુષ્યસ્વભાવનું ઊંડું અવલોકન અને નિરૂપણ કરવાનું સામર્થ્ય દર્શાવે છે. ઊંટ, સિંહ, શ્વાન, શિયાળ, કાગડો, હંસ, કોયલ વગેરે પ્રાણીઓ અને પક્ષીઓ આ પાત્રસૃષ્ટિમાં વૈવિધ્ય પૂરે છે. દલપતરામમાં ‘પંચતંત્ર’ના કર્તાના જેવી મનુષ્યસ્વભાવની પરખ અને તીક્ષ્ણ વ્યવહારબુદ્ધિ હતી તેની પ્રતીતિ તેમનાં જીવરામ ભટ્ટ, અંધેરીનગરીનો ગંડુ રાજા, લાલો બારોટ, રાજદરબારમાં ગયેલો કણબી, બેગરજુ કેશવો, શરણાઈવાળો, ભોળો ભાભો વગેરે માનવપાત્રો તેમજ સિંહને શિકારીથી ચેતવાનું કહેવા ગયેલી બકરી, પોતાના ગર્જતા પ્રતિબિંબને જોઈ કૂવામાં પડનાર સિંહ, તેને આપઘાત કરવા પ્રેરનાર શિયાળ, ભસીને ગૌરવ લેતો કૂતરો, વાંકદેખું ઊંટ, પરસ્પર વિવાદ કરતા કાક-હંસ, માની શિખામણને અવગણીને હેરાન થનાર માખીનું બચ્ચું વગેરે પશુપંખીનાં ર્દષ્ટાંતો કરાવે છે.
દલપતરામની કવિતા બોધપ્રધાન હોવા છતાં કંટાળો આપતી નથી તેનું મુખ્ય કારણ તેમાં સતત વહેતી હાસ્યની સેર છે. હાસ્યકવિ તરીકે દલપતરામનું સ્થાન અર્વાચીન સાહિત્યમાં અજોડ છે. ઘણુંખરું આ વિનોદ કવિના વિશાળ સમભાવ, ઊંડો અનુભવ, માર્મિક વ્યવહારબુદ્ધિ અને પ્રત્યુત્પન્નમતિથી પ્રવર્તે છે.
હાસ્યરસની માફક બાળકોના કવિ તરીકે પણ ગુજરાતી સાહિત્યમાં દલપતરામનું સ્થાન ઘણું ઊંચું છે. બાળકોની ઊઘડતી બુદ્ધિ અને સ્મરણશક્તિને ખીલવે અને રંજન સાથે નિર્મળ સંસ્કારબોધ કરે તેવાં બાલભોગ્ય કાવ્યો દલપતરામના જેટલી સંખ્યામાં ભાગ્યે જ બીજા કોઈ ગુજરાતી કવિએ આપ્યાં હશે. હોપ વાચનમાળા માટે આ પ્રકારનાં કાવ્યો રચીને તેમણે ગુજરાતની અનેક પેઢીઓનો રમતાં રમતાં સાંસ્કારિક ઉછેર સાધ્યો હતો.
પાણીદાર મોતી જેવાં સંખ્યાબંધ મુક્તકો આપીને એ કાવ્યસ્વરૂપના ખેડાણમાં પણ તેમણે ચિરંજીવ ફાળો આપ્યો છે. પ્રસંગકથન કરતાં કરતાં સચોટ મર્માળા વિચારને સોરઠી દોહરામાં રજૂ કરીને તેઓ સર્વમાન્ય સત્યનું દર્શન કરાવે છે. તેમાં જૂના દુહાની માર્મિકતા અને વેધકતા હોય છે.
અન્યથા પરલક્ષી સ્વરૂપની ગણાતી દલપતરામની કવિતામાં ‘ફાર્બસવિરહ’ આત્મલક્ષી રચના છે. મિત્ર ફાર્બસના અકાળ અવસાને કવિહૃદયમાં ઉત્પન્ન થયેલ દુ:ખ અને ક્ષોભની લાગણીને વિવિધ કલ્પના અને તરંગના બુટ્ટાઓ દ્વારા વ્યક્ત કરતું ગુજરાતી ભાષાનું તે પહેલું કરુણપ્રશસ્તિકાવ્ય (elegy) છે. કરુણપ્રશસ્તિમાં વેધક નીવડતી ઊર્મિની ઉત્કટતા ને ચિન્તનની ગહરાઈ દલપતરામે ‘ફાર્બસવિરહ’ના કેટલાક સોરઠામાં સુંદર રીતે ઝીલી છે.
દલપતરામની કવિતાનો મોટો ગુણ આકારસૌષ્ઠવ છે. ભાષાની સરળતા અને છંદની સફાઈ તેમની વિશિષ્ટ ખૂબી છે. પિંગળ અને અલંકારશાસ્ત્ર તેમને હસ્તામલકવત્ હતાં. 1855માં ‘દલપતપિંગળ’ ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રથમ પ્રગટ થયું તે પછીનાં સવાસો વર્ષ દરમિયાન તેની એક લાખથી વધુ નકલ ખપી હોવાનું માલૂમ પડ્યું છે. સંસ્કૃત અક્ષરમેળ અને માત્રામેળ છંદોના તેમણે વિપુલ પ્રયોગ કરેલા છે. તેમણે દેશી ઢાળમાં પણ સો ઉપરાંત સુગેય કાવ્યો રચેલાં છે. જન્મ, લગ્ન, સીમન્ત વગેરે પ્રસંગોએ ગાવાની ‘માંગલિક ગીતાવલી’ની ગરબીઓ દલપતરામની પ્રસન્ન અને પ્રજાવત્સલ મુદ્રા ઝીલે છે.
અર્વાચીન યુગમાં લાંબામાં લાંબા સમય સુધી દલપતશૈલીની અસર રહી છે. દલપતરામ જેમ સંસ્કારશિક્ષક હતા તેમ કવિતાશિક્ષક પણ હતા. તેમની પાસે નરસિંહરાવ અને બાલાશંકરે કાવ્યલેખનના એકડા ઘૂંટ્યા હતા. ઉપરાંત કાન્ત, મણિલાલ, બોટાદકર, ખબરદાર વગેરે અનેક કવિઓએ કવિતા લખવાના શ્રીગણેશ દલપતશૈલીને અનુસરીને કર્યા હતા.
તેમણે રચેલાં બે નાટકોમાં ‘લક્ષ્મી’ નાટક મૂળ ગ્રીક નાટક ‘પ્લુટસ’ની વાર્તા મિત્ર ફાર્બસ પાસેથી સાંભળીને લખેલું છે. રૂપાંતર હોવા છતાં તે પહેલું ગુજરાતી નાટક ગણાયું છે. તેમાં વાર્તાકથન(narration)ની ઢબે સંવાદો ગોઠવ્યા છે. ‘પ્રવેશ’ કે ‘અંક’ને બદલે ‘સ્વાંગ’ શબ્દ અહીં ર્દશ્યને માટે પ્રયોજ્યો છે તે બતાવે છે કે તેની રચના ગુજરાતી ભવાઈની વધુ નજીક છે.
‘લક્ષ્મી’ પછી વીસ વર્ષે ‘મિથ્યાભિમાન’ લખાયું. તેની પ્રસ્તાવનામાં ‘મુંબઈ જેવા શહેરમાં નાટકનો ખેલ કરવાની નાટકશાળા હોય’ એમ દર્શાવ્યું છે તે નવી પાશ્ચાત્ય ઢબની રંગભૂમિની તેમની જાણકારી સૂચવે છે. ‘મિથ્યાભિમાન’ ભજવવા માટે લખાયું હોય તેમ તેના સંવાદો પરથી સમજાય છે. આંગિક અને વાચિક અભિનય માટે મુક્ત અવકાશ મળે તેવું ક્રિયાતત્વ તેમાં છે. દલપતરામ નાટકને સતત ક્રિયાપ્રધાન રાખી શક્યા છે તે તેમની સમકાલીનો કરતાં વિશેષતા છે. તેમણે આપેલું જીવરામ ભટ્ટનું પાત્ર ગુજરાતી સાહિત્ય અને રંગભૂમિને મળેલું ચિરંજીવ હાસ્યરસિક પાત્ર છે. ‘મિથ્યાભિમાન’ નાટકને ઘણું કરીને પ્રથમ પ્રયોગ 1953માં ગુજરાત વિદ્યાસભાના નટમંડળે સફળપણે કર્યો હતો તે તેની પ્રહસન તરીકેની રંગક્ષમતા બતાવે છે. ગુજરાતી નાટક અને રંગભૂમિની પરંપરા બાંધી આપવામાં પણ દલપતરામનો નોંધપાત્ર ફાળો છે.
અર્વાચીન ગુજરાતી ગદ્યનું પ્રથમ ખેડાણ કરનાર તરીકે પણ દલપતરામનો નિર્દેશ થાય છે. નિબંધલેખક તરીકે ગદ્યને તેઓ પોતાના વ્યક્તિત્વનો સ્પર્શ નહિ જેવો જ આપી શક્યા છે. પણ દલપતરામને માટે છેવટ લગી પદ્ય સાહજિક વાહન હતું. અવસાનના થોડા દિવસ પહેલાં તેમણે ‘માનવીઓ માત્ર પાસે રે ! હું માફી માગું’ એમ ઉદગારવાળું પોતાના અવસાનની તિથિ માટેની ખાલી જગાવાળું વિદાયગીત રચેલું, જે દલપતરામના સાત્વિક સ્વભાવનું દ્યોતક છે.
આમ અનેક દિશાઓમાં પહેલ કરીને દલપતરામે અર્વાચીન ગુજરાતી સાહિત્યની પરંપરા બાંધી આપવાનું ઇતિહાસપ્રાપ્ત કર્તવ્ય બજાવ્યું છે.
ધીરુભાઈ ઠાકર