કવિરાજ ગંગાધર (જ. 1800, ભાગુસ (જેસોર); અ. 1887) : આયુર્વેદ આદિ પ્રાચીન ભારતીય સાહિત્યના મોટા અભ્યાસી અને લેખક. વિવિધ શાસ્ત્રોનો અભ્યાસ કરીને 18 વર્ષની ઉંમરે રાજશાહી જિલ્લાના વેલવરિયાના પ્રખ્યાત કવિરાજ રમાકાન્ત સેન પાસે આયુર્વેદનો અભ્યાસ કરી 21 વર્ષની ઉંમરે કોલકાતામાં વૈદ્ય તરીકેનો વ્યવસાય શરૂ કર્યો. પાછળથી તેમના પિતાના આદેશથી મુર્શિદાબાદમાં વ્યવસાય સ્થાપ્યો. કાસિમબજારનાં મહારાણી સ્વર્ણમયીદેવી અને મુર્શિદાબાદના નવાબની ચિકિત્સામાં સફળતા મળતાં ઘણી ખ્યાતિ મેળવી.
પ્રાચીન સમયમાં આયુર્વેદના અભ્યાસમાં જે ગુરુ-શિષ્યપરંપરા પ્રચલિત હતી તે બંગાળમાં આજ સુધી જળવાઈ રહી છે. આ પરંપરામાં કવિરાજ ગંગાધરનું યોગદાન નોંધપાત્ર ગણાય છે. ગંગાધરનાં પત્નીના યુવાવસ્થામાં થયેલ અવસાન બાદ તેમણે આયુર્વેદના અધ્યયન-અધ્યાપનમાં જ પોતાની સમગ્ર શક્તિ અને સમય સમર્પણ કરેલાં. ગંગાધરજીએ 77 ગ્રંથો લખ્યા છે તેમાં આયુર્વેદના 12, તંત્રના 2, વ્યાકરણના 8, સાહિત્યના 12, ધર્મશાસ્ત્રોના 7, ઉપનિષદ સંબંધી 8, દર્શનના 14, જ્યોતિષ ઉપર 1 અને બીજા વિષયો ઉપર 13 ગ્રંથો છે. ચરકસંહિતા ઉપરની તેમની ‘જલ્પકલ્પતરુ’ ટીકા ઘણી અગત્યની ગણાય છે.
ગોવિંદપ્રસાદ વૈદ્ય