કવિયરંગ કવિદૈ : તમિળ કાવ્યનો અર્વાચીન પ્રકાર. એનો પ્રચાર 1940 પછી થયો. કવિયરંગમ્, કવિસંમેલનની જેમ એક સામૂહિક આયોજન છે. એમાં કવિઓ પહેલેથી નિશ્ચિત કરાયેલા વિષય પર કવિતાપાઠ કરે છે. પરિસંવાદની જેમ ‘કવિયરંગમ્’માં ભાગ લેનારો કવિગણ એક જ વિષયનાં વિવિધ પાસાંનું કાવ્યમાં નિરૂપણ કરે છે. કવિયરંગ કવિદૈ(કવિયરંગમમાં વંચાતી કવિતા)માં વિષય તથા શૈલી પરત્વે તમિળમાં કાવ્યનાં જે નિયમનો છે તેનું પાલન કરવામાં આવતું નથી. કવિયરંગની વિશેષતાઓ આ છે – (1) શ્રોતાઓને આકર્ષવા માટે કવિ જાતે જ પોતાના કાવ્યનું પઠન કરે છે; (2) શૈલી સરળ હોય છે, સામાન્ય જનને પણ કાવ્ય આસ્વાદ્ય બને એવી હોય છે; (3) તેમાં અનિવાર્યપણે હાસ્યની છાંટ હોય છે; (4) તત્કાલીન રાજકારણ, સામાજિક-ધાર્મિક વિચારધારાઓ તથા ક્રિયાકલાપોનો સંકેત હોય છે.

કવિયરંગ કવિદૈની મર્યાદાઓ પણ છે. કોઈ સંપ્રદાય કે રાજકીય કે સામાજિક વિચારધારાનો જોરશોરથી પ્રચાર કરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે અને સામા પક્ષની નિંદા કે ભર્ત્સના પણ કરાય છે. આમ છતાં કવિયરંગ કવિદૈ એક મહત્વનું સંચાર-માધ્યમ બની ગયું છે. સામાન્ય કવિતા અને કવિયરંગમની કવિતા વચ્ચે ભેદરેખા દોરવી મુશ્કેલ છે, તોપણ એનાં લક્ષણો અત્યંત સ્પષ્ટ છે. જે અનેક તમિળ કવિઓને પરંપરાગત કાવ્યરચનામાં સફળતા મળતી નથી તેમને કવિયરંગ કવિદૈમાં સફળતા પ્રાપ્ત થઈ છે તે એમાંનાં સામાન્યજનના મનોરંજનનાં તત્ત્વોને કારણે. આજે તામિલનાડુમાં વિવિધ ઉત્સવો, લગ્ન, રાજકીય સભા, ચૂંટણી-પ્રચાર વગેરે માટે કવિયરંગ કવિદૈનું આયોજન થાય છે.

કે. એ. જમના