કવિની શ્રદ્ધા (1972) : ઉમાશંકર જોશીનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કૃત સત્તર વિવેચનલેખોનો સંગ્રહ. ઉમાશંકરની પક્વ વિવેચનશક્તિના નિદર્શક આ સંગ્રહમાં સિદ્ધાંતનિષ્ઠ અને કૃતિનિષ્ઠ વિવેચનાના કેટલાક મૂલ્યવાન લેખો ઉપરાંત પશ્ચિમના કેટલાક મહત્વપૂર્ણ સર્જકો વિશેના લેખો પણ સંઘરાયેલા છે. ઉમાશંકરમાં બેઠેલો તેજસ્વી અધ્યાપક, એમનું સર્જકત્વ અને અંગ્રેજી-સંસ્કૃત ભાષાનું તેમનું ઊંડું અધ્યયન એ સર્વનો લાભ આ સંગ્રહના વિવેચનલેખોને મળ્યો છે.
‘કવિની શ્રદ્ધા’ અને ‘કલા પોતે પણ એક જીવનમૂલ્ય’ આ બંને સિદ્ધાંતનિષ્ઠ લેખો રસાળ બન્યા છે. ઉમાશંકરનાં કવિ, કવિતા અને કળા વિશેનાં કેટલાંક મૂલ્યવાન તારણો આ લેખોમાં મળી રહે છે. કવિની શ્રદ્ધા શબ્દમાં એટલે કે કાવ્યરૂપમાં – કલાઆકારમાં છે એવું તેમણે સમુચિત રીતે કહ્યું છે. કાવ્યની આકૃતિની સાથે સમાજ-સંદર્ભના પ્રવેશનો તે નિષેધ કરતા નથી. કાવ્ય તરીકેની પ્રમાણભૂતતા અને મૂલ્યને આથી જ તે પરસ્પર વિરોધી વસ્તુઓ લેખતા નથી. છતાં એ નોંધવું જોઈએ કે તેમનું વલણ કલાના આનંદ તરફ જ વધુ ઢળેલું દેખાય છે.
‘આરોહણ’ અને ‘ટિન્ટર્ન ઍબી’માં તેમની તુલનાત્મક વિવેચનશક્તિએ બંને કૃતિઓનાં સામ્ય-વૈષમ્ય સુપેરે તારવી બતાવ્યાં છે. શેક્સપિયરને સ્પર્શતા ત્રણેક લેખોમાં અને કવિ રૉબર્ટ ફ્રૉસ્ટ ઉપરના લેખમાં તેમનું અંગ્રેજી સાહિત્યનું વાચન-મનન કેવું તલસ્પર્શી હતું તે જણાઈ આવે છે. ‘અખેગીતા’ અને ‘દશમસ્કન્ધની કવિતા’ જેવી મધ્યકાળની કૃતિઓ વિશેના લેખોની ચર્ચામાં તેમનું ઉજ્જ્વલ અધ્યાપકત્વ સરસ રીતે ખીલી ઊઠ્યું છે. મધ્યકાળની કૃતિઓનાં રસસૂત્રોને પણ તે કેવી ખૂબીથી પકડીને, ભાવક સમક્ષ છતાં કરી બતાવે છે તે એ લેખો વાંચતાં સમજાશે.
‘આધ્યાત્મિક કવિતાની દિશા’માં સુન્દરમ્ સાથેના સંબંધનો અને તેમની સર્જકતાનો એક આસ્વાદ્ય આલેખ દોરાયો છે. ‘વાર્તા, મનનો માળો’, ‘સાહેબનો પ્રવેશ’, ‘ખોવાયેલા તારા’ કે ‘ક્યાં છે પરીક્ષિત ?’ જેવા કૃતિલક્ષી વિવેચનના લેખો કોઈ પણ કૃતિને સ્વસ્થ અને તટસ્થ ર્દષ્ટિએ અવલોકીને એનાં રસરહસ્યોને તે કેવી સૂક્ષ્મતાથી ખુલ્લાં કરી આપે છે, તેના દ્યોતક બન્યા છે.
કોઈ પણ પ્રકારની શુષ્કતા કે નિરર્થક પીંજણ વિના વિવેચ્ય વિષયના અંતરંગની કલામયતાને પામીને ભાવક સમક્ષ રજૂ કરવાની તેમની પાસે જે આગવી સૂઝ-શક્તિ છે, એનો એમના અન્ય વિવેચનસંગ્રહોની જેમ, આ સંગ્રહ પણ અનુભવ કરાવી રહે છે.
પ્રવીણ દરજી