કવિતા (2) : અનિયતકાલિક ગુજરાતી સામયિક. સ્થાપના 1952. તંત્રી બચુભાઈ રાવત. ઇંગ્લૅન્ડથી પ્રકટ થતા ‘Poems Penny Each’ અને બંગાળીમાં નીકળતા ‘ઍક પયસાય ઍકટિ’ના અંકોને આદર્શરૂપ રાખી કાવ્યરસિકો સુધી ‘કાવડિયે કવિતા’ પહોંચતી કરવાનો ઇરાદો આ પ્રકાશન પાછળ પ્રેરક બળ હતો. આ શ્રેણીમાં કુલ 10 અંકો પ્રકટ થયેલા. 1952માં ત્રણ, 1953માં બે, 1954માં એક, 1955માં એક, 1957માં એક અને 1964માં છેલ્લો અને દસમો અંક બુધવાર-સભાના પ્રથમ કવિતાસત્રના વિશેષાંક તરીકે સચિત્ર અને દળદાર પ્રકટ થયો હતો. ત્યારપછી એ પ્રકાશન આગળ ચાલ્યું નહિ.
ધીરુ પરીખ