કવિકલ્પલતા (1363) : સંસ્કૃત કવિતાના શિક્ષણનો ગ્રંથ. સંસ્કૃત વાઙ્મયમાં આલંકારિકો દ્વારા વિરચિત કાવ્યની વ્યાવહારિક શિક્ષણપદ્ધતિના સાહિત્યને ‘કવિશિક્ષા’ કહે છે. આ પ્રકારના સાહિત્યમાં ‘કવિકલ્પલતા’ નામના ગ્રંથનું વિશિષ્ટ સ્થાન છે. આ ગ્રંથના લેખક ‘દેવેશ્વર’ છે; એમના પિતા વાગ્ભટ માલવનરેશના મહામાત્ય હતા. ‘કવિકલ્પલતા’માં ચાર પ્રતાન (ખંડ) છે અને દરેકની અંદર અનેક સ્તબક છે. (1) છન્દ:સિદ્ધિ, (2) શબ્દસિદ્ધિ, (3) શ્લેષસિદ્ધિ અને (4) અર્થસિદ્ધિ નામના વિષયોથી યુક્ત આ ગ્રંથ સંસ્કૃત કવિતાના શિક્ષણ અને નિર્માણ માટે અત્યંત ઉપાદેય મનાય છે. આ ગ્રંથ ઉપર સંસ્કૃતમાં પાંચ જેટલી ટીકાઓ પણ લખાયેલી છે. આ ગ્રંથનો આધાર અમરચંદ્ર અને અરિસિંહરચિત ‘કાવ્યકલ્પલતા’ નામનો ગ્રંથ જણાય છે. સંસ્કૃત વાઙ્મયમાં ‘કવિકલ્પલતા’ નામના અન્ય પણ બેત્રણ ગ્રંથો દેવેશ્વર ઉપરાંત અન્ય લેખકોને નામે નોંધાયેલા મળી આવે છે. સૂર્યકવિ નેચારામ, મહાદેવ, રામગોપાલ અને અજ્ઞાતકર્તૃક ટીકાઓ તેના પર લખાઈ છે.
ભગવતીપ્રસાદ પંડ્યા