કવિકંઠાભરણ (ઈ. અગિયારમી શતાબ્દીનો ઉત્તરાર્ધ) : કવિઓને કવિત્વનું શિક્ષણ આપતો ગ્રંથ. આ ગ્રંથના લેખક સંસ્કૃત અલંકારશાસ્ત્રના સુપ્રસિદ્ધ વિદ્વાન આચાર્ય ક્ષેમેન્દ્ર છે. તેમનો ‘ઔચિત્યવિચારચર્ચા’ નામનો ગ્રંથ અલંકારશાસ્ત્રના ‘ઔચિત્યપ્રસ્થાન’નો પ્રતિષ્ઠાપક ગ્રંથ છે. ઉદીયમાન કવિઓને શિક્ષણ આપવાના હેતુથી લખાયેલ આ ગ્રંથમાં પાંચ સંધિ કે અધ્યાયો છે અને 55 કારિકાઓ છે. આમાં કવિત્વની પ્રાપ્તિ માટેના ઉપાયો, કવિઓના પ્રકારો, કાવ્યના ગુણ તથા દોષોનું સંક્ષિપ્ત છતાં સુબોધ વિવેચન છે. તે સાથે નાટ્ય, વ્યાકરણ, તર્ક આદિ શાસ્ત્રના પરિચય માટે કવિએ શું કરવું એ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

ભગવતીપ્રસાદ પંડ્યા