કવચ વિરૂપણ (tectonic movement) : ભૂકવચની સતત બદલાતી રૂપરચના. પૃથ્વીનાં આંતરિક અને બાહ્ય બળોના ફેરફારોને પરિણામે જ ભૂસપાટી પર અગણિત ભૂમિઆકારોનો ઉદભવ, વિકાસ અને હ્રાસ થયા કરે છે. ભૂકવચમાં થતાં નિરંતર પરિવર્તનોને કારણે જ ભૂમિસ્વરૂપો સતત બદલાતાં રહે છે.
પૃથ્વીના પેટાળમાં રહેલી ગરમી અને દબાણના ફેરફારોને કારણે જ ભૂકવચનાં ખડકદ્રવ્યોમાં પ્રસરણ અને સંકોચનની ક્રિયાઓ ચાલ્યા કરે છે. આથી ભૂકવચમાં હલનચલન અનુભવાય છે, જેને ભૂપૃષ્ઠનું હલનચલન કે ભૂસંચલન કહે છે. આમ આંતરિક કુદરતી બળોની તીવ્રતા મુજબ ધીમાં અને ઝડપી ભૂસંચલનો પેદા થાય છે. ધીમાં ભૂસંચલનોને પરિણામે ભૂસપાટી પર ગેડપર્વતો, ખંડપર્વતો, નવા ઉચ્ચપ્રદેશો, મેદાનો, ફાટખીણો વગેરે ભૂમિઆકારો રચાય છે. ઝડપી ભૂસંચલનો દ્વારા ભૂસપાટી પર જ્વાળામુખીપ્રસ્ફુટનો અને ભૂકંપો થાય છે. આમ આંતરિક કુદરતી બળો ભૂસપાટીને ઊંચીનીચી કરી અસમાન બનાવે છે, જેથી અનેક ભૂમિસ્વરૂપો રચાય છે.
ભૂસપાટી પર કાર્ય કરતાં સ્થિર અને ગતિશીલ એ બંને પ્રકારનાં બાહ્ય કુદરતી બળો, આંતરિક બળોએ પેદા કરેલ ઊંચાઈ સંબંધી અસમાનતાઓને દૂર કરી સમ બનાવવાનું વણથંભ્યું કાર્ય કર્યા જ કરે છે તેથી બાહ્ય બળોને સમથળ-સ્થાપક બળો કહે છે. હવા, ભેજ, તાપમાનના ફેરફારો, વનસ્પતિ જેવાં સ્થિર બળોની ક્રિયા દ્વારા ભૂકવચના ખુલ્લા ખડકો પોતાના સ્થાન કે સ્થળ પર નબળા પડે કે તૂટે છે જેને ‘ખવાણ’ કે ‘વિદારણ’ કહે છે. નદી, પવન, હિમનદી, સમુદ્રમોજાં જેવાં ગતિશીલ બળો દ્વારા ઘસારો, પરિવહન અને નિક્ષેપણ જેવી ક્રિયાઓ થાય છે. આમ ભૂકવચનાં પરિવર્તનો સતત ચાલ્યાં જ કરે છે. બાહ્ય કુદરતી બળોનાં ખવાણ કે ઘસારા જેવા વિનાશાત્મક કાર્યને ‘ધોવાણ’ (denudation) કહે છે. પરંતુ તેના વિધાયક કે રચનાત્મક કાર્યને ‘નિક્ષેપણ’ (deposition) કહે છે. આ બાહ્ય બળોના ધોવાણકાર્ય દ્વારા જ કુદરતી કમાન, ગુફાઓ, ખીણો, જળધોધ વગેરે ભૂમિઆકારો અને નિક્ષેપણ કાર્યથી કુદરતી તટબંધ, રેતીના ઢૂવા, હિમઅશ્માવલિઓ, રેતીપટ (beach) વગેરે ભૂમિઆકારો રચાય છે. આમ આંતરિક અને બાહ્ય કુદરતી બળો દ્વારા ભૂકવચનું વિરૂપણ ચાલ્યા જ કરે છે.
મહેન્દ્ર રા. શાહ