કળા (phase) : ખગોળશાસ્ત્રમાં આકાશી પદાર્થનો બદલાતો દેખાવ કે ભાસ. સૂર્ય વડે પ્રકાશિત થતા આકાશી પદાર્થના બિંબનો બહુ ઓછો ભાગ સામાન્યત: પૃથ્વી ઉપરથી જોવામાં આવે છે. ચંદ્ર ચાર પ્રધાન કળા દર્શાવે છે : અમાવાસ્યા, શુક્લ પક્ષ, પૂર્ણિમા અને કૃષ્ણપક્ષ. ચંદ્ર ઉપરથી પૃથ્વીને નિહાળીએ તો એ જ કળાઓ ઊલટા ક્રમમાં દેખાય છે. ચંદ્ર અમાવાસ્યા દર્શાવે ત્યારે પૃથ્વી પૂર્ણ પ્રકાશિત ભાસે છે. સૂર્યથી પૃથ્વી કરતાં વધુ અંતરે આવેલા ગ્રહો પૃથ્વી પરના અવલોકનકારને પૂર્ણ કે અધિકાર્ધ (અર્ધા કરતાં વધુ) કળાઓ દર્શાવે છે. એટલે કે હંમેશાં તે સૂર્યપ્રકાશમાં તેમના દેખીતા બિંબના અર્ધ કરતાં વધુ ભાગ સાથે દેખાતા હોય છે. બુધ અને શુક્ર પૃથ્વી કરતાં સૂર્યથી વધુ નજીક છે અને તે ચંદ્રની જેમ કળાનું પૂર્ણ ચક્ર દર્શાવે છે.

હિંમતલાલ ચૂનીલાલ શુક્લ