કલ્લોલ (1923) : બંગાળી સાહિત્યિક માસિક. રવીન્દ્રનાથનું સાહિત્યજગત પર એટલું બધું તેજ તપતું હતું કે એમાં કોઈપણ ઊગતા સાહિત્યકારને આગળ આવવાનો માર્ગ જ નહોતો. આથી રવીન્દ્રનાથનો વિરોધ કરવા માટે બંગાળી નવયુવાન સાહિત્યકારોએ કમર કસી અને માસિક શરૂ કર્યું. એના તંત્રી હતા દિનેશરંજન દાસ અને તેમના સહાયક ચિત્રકાર હતા ગોકુલચંદ્ર નાગ. એમાં સાહિત્યકારો સાથે ઊગતા ચિત્રકારોએ પણ સક્રિય સાથ આપેલો. શરૂઆતમાં તો એમાં વાર્તાઓ જ પ્રગટ થતી પણ પછી હપતાવાર નવલકથા, કવિતા, એકાંકી, નિબંધ વગેરે પણ એમાં પ્રગટ થવા લાગ્યાં. એની એક અંકની કિંમત ચાર આના (25 પૈસા) રાખવામાં આવી અને પૂંઠા પર સમુદ્રતરંગોનું ચિત્ર આવતું. એ માસિકનો સૂર રૂઢિભંજકતા, પરંપરાનો ઉચ્છેદ તથા રવીન્દ્રનાથના વિરોધનો હતો. એમાં નવાં નવાં પુસ્તકોની સમાલોચના ઉપરાંત પ્રસિદ્ધ પુરુષોની જીવનરેખા, પશ્ચિમના સાહિત્યની ગતિવિધિ વગેરે સામગ્રી પ્રગટ થતી. એના ચિત્રકારોમાં જામિની રૉય, દેવીપ્રસાદ રાયચૌધરી વગેરે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હતી. એમાં દલિત વર્ગોના જીવનની કરુણતા, સમાજના ઉપેક્ષિત અને તિરસ્કૃત વર્ગો તરફ સહાનુભૂતિ દર્શાવતાં લખાણોનું સાતત્ય રહેતું. ‘કલ્લોલ’ દ્વારા સાહિત્યજગતમાં પ્રભાવ પાડનાર લેખકોમાં શૈલજાનંદ મુખરજી, ભૂપતિ ચૌધરી, સરોજ રાયચૌધરી, મનીષ ઘટક, જગદીશ ગુપ્તા, અચિંત્યકુમાર સેનગુપ્તા, પ્રબોધ સાન્યાલ, નજરુલ ઇસ્લામ, પ્રેમેન્દ્ર મિત્ર, બુદ્ધદેવ બસુ, તારાશંકર બેનરજી, વિષ્ણુ દે વગેરે હતા. એ સૌએ રવીન્દ્રોત્તરયુગમાં પણ બંગાળી સાહિત્યની ગૌરવપતાકા ફરકતી રાખી હતી.
ચન્દ્રકાન્ત મહેતા