કલ્યાણપુર, સુમન (જ. 28 જાન્યુઆરી 1937, ઢાકા, બ્રિટીશ ઇન્ડિયા, હાલ બાંગ્લાદેશ) : મરાઠી અને હિંદી ફિલ્મોનાં પાર્શ્વગાયિકા. મૂળ નામ સુમન હેમાડી. તેમને નાનપણથી જ સંગીતની રુચિ હતી. સુમન કલ્યાણપુરના પિતા શંકર રાવ હેમાડી મેંગલોર, કર્ણાટક ખાતેના એક સંભ્રાંત સારસ્વત બ્રાહ્મણ પરિવાર સાથે જોડાયેલા હતા. હેમાડી (Hemmady) કર્ણાટક રાજ્યના ઉડિપી જિલ્લાના કુંદાપુર તાલુકાનું એક ગામ છે. શંકર રાવે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં એક ઉચ્ચ પદ પર સેવા આપી હતી અને તેમને ખૂબ જ લાંબા સમય માટે હાલ બાંગ્લાદેશના ઢાકા ખાતે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પિતા અને માતા સીતા હેમાડીને ત્યાં પાંચ પુત્રીઓ અને એક પુત્રના પરિવારમાં સુમનનો ઉછેર થયો હતો, જેમાં સુમન કલ્યાણપુર સૌથી મોટા હતાં. તેણી એક પ્રતિષ્ઠિત ભારતીય ગાયિકા છે. વર્ષ 1943માં તેમનું કુટુંબ મુંબઈ ખાતે રહેવા આવ્યું, જ્યાં તેમને સંગીતની તાલીમ પ્રાપ્ત થઈ.

સુમન કલ્યાણપુર હંમેશા ચિત્રકલા અને સંગીતમાં રસ લેતા હતાં. મુંબઇ ખાતેની પ્રખ્યાત કોલમ્બિયા હાઇસ્કૂલમાં શાળાકીય અભ્યાસ સમાપ્ત કર્યા પછી, તેમને પ્રતિષ્ઠિત સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટસ ખાતે ચિત્રકામના વિષય સાથે વધુ અભ્યાસ માટે પ્રવેશ મળ્યો. આ સાથે તેમણે શાસ્ત્રીય ગાયકનું શિક્ષણ પુણેના પ્રભાત ફિલ્મના સંગીત દિગ્દર્શક અને કુટુંબના અંગત મિત્ર એવા ‘પંડિત કેશવ રાવ ભોલે’ પાસે શીખવાનું શરૂ કર્યું હતું. સુમન કલ્યાણપુરના કહેવા મુજબ, શરૂઆતમાં તેઓ માત્ર શોખ માટે ગાતા હતા, પરંતુ ધીમે ધીમે સંગીતમાં તેમને રસ પડવા લાગ્યો અને તેમણે વ્યવસાયિક ધોરણે ‘ઉસ્તાદ ખાન અબ્દુલ રહેમાન ખાન’ અને ‘ગુરુજી માસ્ટર નવરંગ’ પાસે શીખવાનું શરૂ કર્યું હતું.

પાર્શ્વગાયનનો પ્રારંભ મરાઠી ફિલ્મથી, પરંતુ ફિલ્મનું નિર્માણ બંધ પડતાં, પ્રથમ યુગલગીત તલત મહેમૂદ સાથે સંગીતકાર નૌશાદે (શૌકત દહેલવી) ફિલ્મ ‘દરવાજા’ (1954) માટે ગવડાવ્યું. શબ્દો હતા ‘એક દિલ દો હૈ તલબગાર…’. મો. શફીના સંગીતનિર્દેશન હેઠળ ‘મંગૂ’ ફિલ્મમાં ‘કોઈ પુકારે ધીરે સે…’ ગાયું.

સુમન હેમાડી લગ્ન બાદ સુમન કલ્યાણપુર બનીને ફિલ્મક્ષેત્રે ઝળક્યાં. 1962થી 1967 દરમિયાન ‘ન તુમ હમેં જાનો’ (બાત એક રાત કી), ‘જૂહી કી કલી’ (દિલ એક મંદિર), ‘અજહું ન આયે…’ (સાંઝ ઔર સવેરા), ‘બુઝા દિયે હૈ…’ (શગૂન), ‘મેરે મેહબૂબ ન જા’ (નૂરમહલ), ‘શરાબી શરાબી યે સાવન કા…’ (નૂરજહાં) ઉલ્લેખનીય ગીતો હતાં. લતા મંગેશકરનું સ્વરસામ્ય ધરાવતાં સુમને મરાઠી ભાવગીતો પણ ગાયાં છે.

1969માં તેમણે ન્યૂયૉર્કમાં પ્રથમ જાહેર કાર્યક્રમ (stage show) કર્યો હતો. 1976માં માતાના મૃત્યુના આઘાતે તથા પતિના વ્યવસાયને કારણે ફિલ્મોમાં ગાવાનું ઓછું કર્યું. તેઓ શ્વેત રંગનાં ચાહક છે. સ્વભાવ ધાર્મિક. ચિત્રકામનો ખૂબ શોખ છે. ભજન ગાવાં ગમે છે. નિયમિત રિયાઝનાં આગ્રહી છે. ઇન્ટરવ્યૂથી દૂર રહે છે.

એમણે હિન્દી ઉપરાંત બંગાળી, મરાઠી, આસામી, ગુજરાતી, કન્નડ, મૈથિલી, ભોજપુરી, રાજસ્થાની, ઉડિયા અને પંજાબી ભાષામાં ગીતો ગાયાં છે.

તેઓને ત્રણ વખત સૂરસિંગાર સમસાદ ઍવૉર્ડ હિન્દી ચલચિત્રમાં શાસ્ત્રીય ગીતો ગાવા માટે, 2009માં મહારાષ્ટ્ર સરકાર દ્વારા લતા મંગેશકર ઍવૉર્ડ, 2022માં મિર્ચી મ્યૂઝીક લાઈફટાઈમ એચીવમેન્ટ ઍવૉર્ડ, 2023માં ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ અને 2024માં મહારાષ્ટ્ર ભૂષણ સન્માન પુરસ્કાર એનાયત થયા છે.

હરીશ રઘુવંશી