કલ્પના (મનોવિજ્ઞાન) : ભૂતકાળમાં પ્રત્યક્ષીકરણ પામેલી બાબતોનું નવા જ સ્વરૂપમાં કે નવી જ રીતે સંયોજિત થઈને આવવું તે. કલ્પનામાં, ભૂતકાળમાં ન જોઈ-જાણી હોય તેવી કોઈ બાબત આવતી નથી; કલ્પનામાં અનુભવાયેલાં તત્વોનું ‘નવું સંયોજન’ થાય છે એટલું જ. દા.ત., શરીરે ગુલાબી ચટાપટા હોય એવા લીલા હાથીની કોઈ કલ્પના કરે તો એમાં હાથી, શરીર, ગુલાબી રંગ, પટા, લીલો રંગ આ બધાં જ તત્વો વ્યક્તિએ અનુભવેલાં જ હોય છે.
કલ્પનાના શારીરિક આધાર અંગે બે સિદ્ધાંતો પ્રચલિત છે – (1) કેન્દ્રીય સિદ્ધાંત (central theory) : આ સિદ્ધાંત અનુસાર કલ્પનાનું અધિષ્ઠાન માત્ર મગજ છે. જેમ પિત્તાશયમાંથી પિત્ત તેમ મગજમાંથી વિચાર કે કલ્પના ઝમે છે એમ આ સિદ્ધાંતમાં માનવામાં આવે છે. (2) પરિધિ સિદ્ધાંત (peripheral theory) : આ સિદ્ધાંત મુજબ કલ્પનામાં મગજ સહિત શરીરના બધા જ ભાગો સક્રિય બને છે. કલ્પના આખરે તો એક વર્તન છે અને તેથી તેમાં પણ સાધારણ વર્તનની જેમ જ જ્ઞાનેંદ્રિયો, મગજ તેમજ માંસપેશીઓની શારીરિક ક્રિયાઓ થાય છે. આધુનિક મનોવિજ્ઞાનમાં આ ‘પરિધિ સિદ્ધાંત’ને વિશેષ સ્વીકૃતિ મળી છે.
કલ્પનાનાં મુખ્યત્વે બે સ્વરૂપો છે : (1) અનુદ્દિષ્ટ અને અનિયંત્રિત કલ્પના અને (2) ઉદ્દેશલક્ષી અને નિયંત્રિત કલ્પના. દિવાસ્વપ્ન એ અનુદ્દિષ્ટ અને અનિયંત્રિત કલ્પનાનું સ્વરૂપ છે. દિવાસ્વપ્નમાં કલ્પનાના મુક્તવિહારનાં દર્શન થાય છે (દા.ત., શેખચલ્લી). આજનાં દિવાસ્વપ્નો કેટલીક વાર આવતીકાલની સિદ્ધિઓ બને પરંતુ દિવાસ્વપ્નનો બચાવ-પ્રયુક્તિ તરીકે ઉપયોગ કરતાં તે સાધન મટીને સાધ્ય બની જાય તો તેવી વ્યક્તિ માનસિક વિકૃતિનો ભોગ બને છે. સર્જનાત્મક કલ્પના એ ઉદ્દેશલક્ષી કે નિયંત્રિત કલ્પનાનું સ્વરૂપ છે. સાહિત્યકલા અને વિજ્ઞાનના ક્ષેત્રે પ્રતિભાસંપન્ન વ્યક્તિઓ જે કલ્પના કરે છે તે સર્જનાત્મક કલ્પના છે. તેમાં કલ્પનાનું ઉડ્ડયન હોય પરંતુ મુક્ત વિહાર હોતો નથી. ગ્રેહામ વૉલેસે (1858-1932) આ પ્રકારની કલ્પનાના ચાર તબક્કા દર્શાવ્યા છે : (1) પૂર્વ-તૈયારી (જે તે વિષયનો અનુભવ પરિશ્રમપૂર્વક કરવાનો તબક્કો), (2) ગુપ્તસેવન (અભાનપણે વિષય મનમાં ઘોળાયા કરતો હોય તેવો તબક્કો), (3) પ્રદીપન (ચિત્તની સપાટી પર ઓચિંતી અને અણધારી રીતે કલ્પના આવે તેવો તબક્કો) અને (4) ચકાસણી (વાસ્તવિકતા સાથે મેળ છે કે કેમ તે જોવાનો તબક્કો).
નટવરલાલ શાહ