કલ્પનવાદ (imagism) : ઇંગ્લૅન્ડ તથા અમેરિકાના કવિઓના જૂથની મુખ્યત્વે રંગદર્શિતાવાદ સામેની ઝુંબેશ. તેનો પ્રભાવ પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્વે 1909થી 1917 સુધી વિશેષ રહ્યો. આ કવિજૂથ ટી. ઈ. હ્યુમની સૌંદર્યલક્ષી વિચારમીમાંસામાંથી પ્રેરણા પામ્યું હતું. જૂથના અગ્રેસર એઝરા પાઉન્ડે એચ.ડી.ના હુલામણા નામે ઓળખાતાં હિલ્ડા ડુલિટલ, રિચાર્ડ એલ્ડિંગ્ટન તથા એફ. એસ. ફ્લિન્ટ સાથે મળીને લગભગ 1912માં પોતાનો અભિગમ સ્પષ્ટ કર્યો. આ કવિઓ માનતા હતા કે કાવ્યરચના માટે નક્કર અને અસંદિગ્ધ કલ્પન અત્યાવશ્યક છે, કાવ્યમાં રોજિંદી ભાષાનો પ્રયોગ થવો જોઈએ, વિષયવસ્તુની પસંદગી વિશે કવિને પૂરેપૂરું સ્વાતંત્ર્ય હોવું ઘટે અને એકાગ્રતા કાવ્યરચનાનું પ્રાણતત્વ છે.
આ વિચારસરણી એઝરા પાઉન્ડ-સંપાદિત અગિયાર કવિઓની કૃતિઓના પ્રથમ કાવ્યસંચય ‘ધ ઇમેજિસ્ટ્સ’(1914)ની પ્રસ્તાવનામાં વ્યક્ત થયેલી છે. એઝરા પાઉન્ડ ‘વોર્ટિસિઝમ’ તરફ વળ્યા પછી આ જૂથની આગેવાની ઍમી લૉવેલે સંભાળી. 1915, 1916 તથા 1917માં પ્રગટ થયેલા ‘સમ ઇમેજિસ્ટ્સ’ નામના કાવ્યસંચયો તથા 1912થી અમેરિકામાંથી અને 1914થી ઇંગ્લૅન્ડમાંથી પ્રગટ થતાં રહેલાં સામયિકો અનુક્રમે ‘પોએટ્રી’ તથા ‘ધ ઇગોઇસ્ટ’માં બારેક કલ્પનવાદી કવિઓની આ પ્રકારની કૃતિઓ પ્રગટ થતી રહી.
આ જૂથ ફ્રાન્સના પ્રતીકવાદી કવિઓના અનુગામી જેવું હતું; પ્રતીકવાદીઓને સંગીત સાથે, જ્યારે કલ્પનવાદીઓને શિલ્પકલા સાથે વિશેષ સાશ્ય હતું. આ જૂથની રચનાઓમાં તાન્કા તથા હાઈકુ જેવાં જાપાની કાવ્યરૂપોનો પ્રભાવ પણ દેખાઈ આવે છે. સ્વયં કલ્પનવાદીઓને પણ સવેળા પ્રતીતિ થઈ ચૂકી હતી કે તેમની કાવ્યરીતિ તથા રસનો વ્યાપ ઘણાં સીમિત હતાં. એથી જ કલ્પનવાદના વિચારોનું ચુસ્ત પાલન થાય એવાં કાવ્યો લખવાનું તેમણે છોડી પણ દીધું. અલબત્ત, વીસમી સદીના સાહિત્યજગતમાં તેમનો નિર્ણાયક પ્રભાવ અચૂક રહ્યો. આધુનિક જીવનમાં કલાલક્ષી મૂલ્યો વિશેની તેમની આગ્રહભરી માન્યતાના પરિણામે વિષયોની પસંદગીમાં વિશેષ મોકળાશની હવા સર્જાઈ; માત્ર આલંકારિક નહિ, પણ ચોકસાઈભર્યા શબ્દોનો ઉપયોગ કરવાના નિર્ણયને લીધે ચવાયેલી કે ચીલાચાલુ અભિવ્યક્તિ નિવારી શકાઈ પ્રતીકવાદીઓની ઘણી રચનાઓ આ કારણે જ કથળી જતી; નવતર લયબદ્ધતા પર ભાર મુકાવાથી કાવ્યલેખનમાં તાજગીભર્યું માહોલ રચાયું; સાથોસાથ શિસ્તપરક કાવ્યરચનાનું મહત્વ પણ ઠસાવાયું. આ કવિજૂથે ‘નવતર લય એટલે નવતર વિચાર’ (a new cadence means a new idea) એમ કહીને મુક્ત છંદ(free verse)નો મહિમા કર્યો. ડી. એચ. લૉરેન્સ તથા ટી. એસ. એલિયટની કેટલીક કાવ્યકૃતિઓમાં પણ કલ્પનવાદી જૂથની અસર ઝિલાઈ છે.
મહેશ ચોકસી