કલરીમિતિ (colorimetry) : જ્ઞાત રંગોની સાથે સરખામણી કરી અજ્ઞાત રંગની મૂલ્યાંકન કરવાની તકનીક. આ તકનીકમાં સરખામણી માટે આંખનો ઉપયોગ વધારે ચોકસાઈ માટે ફોટોઇલેક્ટ્રિક કોષનો ઉપયોગ અથવા સ્પેક્ટ્રોફોટોમિટર જેવી આડકતરી રીતો પણ ઉપયોગમાં લઈ શકાય છે. આ માટેના સાદા ઉપકરણને કલરીમિટર તરીકે ઓળખવામાં આવે છે.
આ તક્નીક વૈજ્ઞાનિક અભ્યાસમાં વ્યાપક રીતે વપરાય છે, જેમાં રંગીન વસ્તુઓ તથા પ્રકાશ આપતા વિવિધ પ્રકારના દીવાને આવરી લેવાય છે. આ પદ્ધતિ કાચા માલ તથા તૈયાર માલના રંગવિનિર્દેશન (colour-specification) નક્કી કરવા માટે અતિઉપયોગી છે. કોઈ પણ નમૂનાના રંગ પેદા કરવા માટે કયા પ્રાથમિક રંગો (લાલ, લીલો, વાદળી) કેટલા પ્રમાણમાં મિશ્ર કરવા તે પણ આ ઉપકરણ વડે શોધી શકાય છે. ઇન્ટરનૅશનલ કમિશન ઑન ઇલ્યુમિનેશન (CIE) તરફથી આ માટેની કાર્યપદ્ધતિ નક્કી કરાયેલી છે. બે રંગો સ્પેક્ટ્રમની ર્દષ્ટિએ અસમાન હોવા છતાં કોઈ એક અવલોકનકાર માટે સમાન લાગતા હોય તેવી શક્યતા છે. રંગના આવા જોડકાને મેટામર કહે છે. અવલોકનકારોની ર્દષ્ટિમાં સામાન્ય રીતે તફાવત હોય છે. એકને સમાન દેખાતા બે રંગો બીજાને અસમાન દેખાય. આ કારણથી આડકતરી સ્પેક્ટ્રોમૅટ્રિક પદ્ધતિ વધુ ઉપયોગી છે.
કલરીમિતીય પૃથક્કરણ (colourimetric analysis) : વધુ ચોક્કસ વ્યાખ્યા પ્રમાણે આ તકનીકમાં રંગીન દ્રાવણોનાં ર્દશ્ય અભિજ્ઞાન અને સરખામણીને સમાવી શકાય, પણ સામાન્ય રીતે પૃથક્કરણ રસાયણમાં આ પદનો અર્થ રંગીન દ્રાવણોનો ઉપયોગ કરતાં સર્વ પ્રકારનાં પૃથક્કરણો એમ કરવામાં આવે છે.
ગુણદર્શક પૃથક્કરણમાં દ્રાવણના રંગ ઉપરથી પદાર્થનું અભિજ્ઞાન કરાય છે. દ્રાવણમાંના પદાર્થની સાંદ્રતા માપવા માટે તેના રંગની તીવ્રતા (intensity) પ્રમાણિત તીવ્રતાવાળા રંગના નમૂના સાથે સરખાવવાની પદ્ધતિને ભારમાપક પૃથક્કરણ કહે છે. નરી આંખે આ સરખામણી કરાય ત્યારે પરિણામોની પરિશુદ્ધતા (precision) નીચી હોય છે. વળી પરિશુદ્ધતાનો આધાર રંગની પ્રકૃતિ ઉપર પણ રહે છે. કારણ આંખની સંવેદનશીલતા વિવિધ રંગો પ્રત્યે ભિન્ન ભિન્ન હોય છે.
સામાન્ય ર્દશ્ય કલરીમિટર બધી જ તરંગલંબાઈના સફેદ પ્રકાશનો ઉપયોગ કરે છે. આ પદ્ધતિઓ સાદી, ઝડપી, સસ્તી છે અને તેના ઉપયોગ માટે સામાન્ય તાલીમ અને કુશળતા પર્યાપ્ત ગણાય છે. સરખામણી માટે વિશિષ્ટ પ્રકારના રંગની કાચ તથા રંગીન દ્રાવણો ઉપયોગમાં લેવાય છે. બે દ્રાવણોની સરખામણી માટે સપાટ તળિયાવાળી નેસ્લર નળીઓ સાદામાં સાદું સાધન ગણાય છે.
હેલિગે કંપેરેટર તથા ડ્યુબોસ્ક કલરીમિટર આ નિયમ અનુસારનાં પરિષ્કૃત ઉપકરણો છે. પાણીના નમૂનામાં ક્લોરાઇડ, એમોનિયા, આયર્ન, ફૉસ્ફેટ તથા નમૂનાનું pH માપવા માટે હેલિગે કંપેરેટર વપરાય છે. આ ઉપકરણમાં પ્રમાણિત રંગની કાચની ગોળ ચકતીઓ ફરી શકે તેવી તકતીમાં જડેલી હોય છે. નમૂનામાં યોગ્ય પ્રક્રિયક નાખવાથી મળતા રંગની સરખામણી માટે, તેને મળતી આવતી રંગની કાચની ચકતી તેની જોડાજોડ લાવીને સરખામણી કરાય છે. ડ્યુબોસ્ક કલરીમિટરમાં નમૂનાના દ્રાવણની ઊંડાઈ તથા માનક દ્રાવણની ઊંડાઈમાં કાચના પારદર્શક ડૂબક (plunger) વડે સતત ફેરફાર કરીને સરખામણી કરાય છે. સ્પેક્ટ્રોફોટોમિટરનો વ્યાપક ઉપયોગ થતાં આ પદ્ધતિનો ઉપયોગ ઘટતો જાય છે.
માત્રાત્મક (quantitative) કલરીમિતિના પાયામાં લૅમ્બર્ટ-બીઅરનો નિયમ રહેલો છે.
પ્રવીણસાગર સત્યપંથી