કલશ (આમલસારક) : નાગર પ્રકારનાં મંદિરોનો કલગી સમાન ભાગ. શિખરના ટોચના ભાગ ઉપર કલશ કરવામાં આવે છે. આમલકને દાંતાવાળી કિનારી હોય છે. તેનો નક્કર ભાગ તે ગોળ પથ્થર હોય છે. આમલક મુખ્ય શિખરનો સૌથી ઊંચો – મુગટ સમાન ભાગ હોય છે, પણ તેથી વિશેષ તેના શૃંગ કે મંજરી એકબીજાને ટેકવીને સમગ્ર રચનાને શોભાવે છે. દક્ષિણ ભારતના દ્રાવિડ પ્રકારના મંદિરના ઉપરના ભાગમાં આમલક હોતાં નથી. તેનું સ્થાન, શોભા વગેરે મંદિરના ઊંચા ભાગમાં કળશ કે વિમાન કે હર્મ્યમાં નજરે પડે છે.

સમય અને ભૌગોલિક રીતે જોઈએ તો નાગર પ્રકારનાં મંદિર હિંદુ મંદિરોમાં અગત્યનું સ્થાન ધરાવે છે. શિખર ઉપરનો ટોચનો ભાગ તે આમલક. આમલક સ્વર્ગના માર્ગનું પ્રતીક છે. સાથોસાથ તે દિવ્ય જગતનું સ્થાપત્યકીય સ્વરૂપ છે અને શિલ્પ પ્રમાણે તે ત્રણે જગતના પ્રતીક એવા કમળના બીજતંતુઓ છે અથવા કિરણોથી યુક્ત પ્રભામંડળ છે. બૃહદારણ્યક ઉપનિષદ (VI, 3.6) પ્રમાણે આમલક ગોળ વીંટીના જેવો પથ્થર છે, જે શિખરના સ્તંભ ઉપર હોય છે અને તે અંતરિક્ષ કે જ્યાં સૂર્યનાં કિરણો ફેલાય છે તે ક્ષિતિજમાં રહેલા કમળના તંતુઓ છે. આ ભાગ મંદિરના શિખર ઉપર રહેલો હોય છે.

આમલક તે આમળાનું ફળ છે. તેનો આકાર આમળાને મળતો આવે છે માટે તેને આમલક કહેવામાં આવે છે. તેને ‘અંડ’ કે ‘ઈંડું’ પણ કહેવાય છે.

કલશ (આમલસારક)

આમલકની ઉપર જે સ્તૂપિકા હોય છે તે સોનાની કે સોનાના ગિલેટવાળી કરવામાં આવે છે. સોનાનો કળશ તે ઈશ્વરનું સૌથી ઊંચું નિવાસસ્થાન છે અને તે સૂર્યના ગોળારૂપે સૂર્યોદય સ્વરૂપે ભગવાનના પહાડ ઉપર ઊગે છે. તે પર્વત ઉપર સૂર્ય બપોરે આરામ કરે છે. કળશ સૂર્ય અને મંદિરને અંકોડારૂપે જોડે છે.

શતપથ બ્રાહ્મણ (VI, 7.1.17) પ્રમાણે આ જગત સૂર્ય મારફતે બધી દિશાઓને જોડે છે. ઉપરથી મંદિર તેના કળશ મારફતે ચારે દિશામાં તેનાં કિરણો ફેલાવે છે અને નીચેની બાજુએ મુક્તિ માટેનો સોપાનમાર્ગ છે. આમલક તેના સુવર્ણબિંબની નીચેના કલશ-સૂર્યનાં અમલ-ડાઘ વગરનાં – સ્વચ્છ કિરણો છે, અને તે જ સ્વર્ગીય જગત છે જ્યાં સૂર્યનો નિવાસ છે. કલશમાં સૂર્ય, બધા દેવો અમૃતમય જગતમાં સમાઈ ગયા છે. આમલક પવિત્ર છે પણ તે માત્ર એક દેવ માટે નહિ પરંતુ ત્રણે મહાન દેવો – બ્રહ્મા, વિષ્ણુ અને શિવ માટે પણ પવિત્ર છે. તે અંગે અનેક કથાઓ પુરાણોમાં કહેલી છે.

તુલસી વિષ્ણુ માટે પવિત્ર તેમ શિવનું પવિત્ર વૃક્ષ બિલ્વ. એક વખત બધા દેવો, ઋષિઓ, પ્રભાસતીર્થમાં એકત્ર થયા. શિવની શક્તિદેવીને વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા કરવાનું મન થયું. વિષ્ણુની લક્ષ્મીને શિવની પૂજા કરવાનું મન થયું. બંનેની આંખો હર્ષાશ્રુથી ઊભરાઈ ગઈ અને જ્યાં તેમનાં અશ્રુઓ જમીન ઉપર પડ્યાં ત્યાં આમલકનું વૃક્ષ ઊગ્યું. આ વૃક્ષ અશ્રુબિંદુઓમાંથી થયું હતું. બધા દેવો અને ઋષિઓએ બ્રહ્મા, વિષ્ણુ અને શિવનાં દર્શન આમલક વૃક્ષમાં કર્યાં (બૃહદ્ધર્મપુરાણ XII 1-35). બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આમલક વૃક્ષમાં રહે છે. સ્કન્દપુરાણમાં વૈષ્ણવ ખંડ(XII 9-23)માં આમલક વૃક્ષનું વર્ણન આ પ્રમાણે છે : જગતમાં સૌથી પ્રથમ ઊગેલું આ વૃક્ષ છે, જેમાં વિષ્ણુ ભોંયતળિયે, બ્રહ્મા તેનાથી ઊંચે અને શિવ તેથી ઊંચે બેઠેલા છે. સૂર્ય તેની શાખાઓમાં છે અને બીજા દેવો તેના વિસ્તારમાં, પર્ણોમાં, પુષ્પો અને ફળોમાં વાસ કરે છે. માટે આમલક બધા દેવોનો આધાર ગણાય છે.

પ્રિયબાળાબહેન શાહ