કલબુર્ગિ, મલ્લપ્પા મડિવલપ્પા (જ. 28 નવેમ્બર 1938, ગુબ્બેવાડ, જિ. બીજાપુર, કર્ણાટક; અ. 30 ઑગસ્ટ 2015, ધારવાડ, કર્ણાટક) : કન્નડ વિદ્વાન અને સંશોધક. તેમણે સિન્દગી ખાતે પ્રાથમિક, બીજાપુર અને ધારવાડ ખાતે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું. તેમણે કર્ણાટક યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. પછી તેઓ કર્ણાટક યુનિવર્સિટી, ધારવાડમાંથી કન્નડના પ્રાધ્યાપકપદેથી 1998માં સેવાનિવૃત્ત થયા. તેઓ હિંદી અને અંગ્રેજીની જાણકારી પણ ધરાવે છે. 1998-2001 દરમિયાન તેઓ કન્નડ યુનિવર્સિટીના કુલપતિ પણ રહ્યા.
તેઓ કન્નડ સાહિત્ય, લોકવિદ્યા અને પુરાલેખવિદ્યાના સંશોધક છે. તેમણે પ્રાચીન કન્નડ પ્રશિષ્ટ ગ્રંથો અને કન્નડ શિલાલેખોના અનેક ગ્રંથોનું સંપાદન કર્યું છે, જે પૈકી ઘણા અપ્રકાશિત છે. તેઓ વીરશૈવ સંત-ફિલસૂફોનાં વચનો અને રચનાઓ તથા વીરશૈવ સાહિત્યના પ્રખર અભ્યાસી છે. તેમણે 200 જેટલા સંશોધનલેખો પ્રસિદ્ધ કર્યા છે. તેમાં કન્નડ ભાષા અને સાહિત્ય, કર્ણાટકનો સાંસ્કૃતિક ઇતિહાસ, શિલાલેખો અને મૂળપાઠની ટીકાના પ્રશ્નો, લોકવિદ્યાવિષયક અભ્યાસ વિશેની સમૃદ્ધ વિગતોનો સમાવેશ થાય છે તે વિદ્વાનની વિદ્વત્તાનું પ્રમાણ છે.
‘બસવણ્ણનવરન્નુ કુરિના શાસનગલુ’ તેમની પ્રથમ પ્રકાશિત કૃતિ છે. તેમની અન્ય કૃતિઓ ‘માર્ગ’ (શોધ-આલેખ-સંગ્રહ 4 ભાગમાં), 4 શાસ્ત્ર કૃતિઓ તથા ‘હરિહરના રાગલગલુ’ (કવિ હરિહરની સંપૂર્ણ રાગલ રચનાઓ) અને ‘કર્ણાટકદા કૈફીયાટ્ટુગલુ’ સહિત 4 સંપાદિત ગ્રંથો છે. તેમની ‘શાસનાગળલ્લી શિવશરણારુ’ (ધ શિવશરણ ઇન ઇન્સ્ક્રિપ્શન્સ, 1970) કૃતિને જયચામરાજ વાડિયાર પુરસ્કાર પ્રાપ્ત થયો છે. વર્ષના શ્રેષ્ઠ સંશોધન માટે તેમને કર્ણાટક સાહિત્ય અકાદમી પુરસ્કાર, કર્ણાટક રાજ્યોત્સવ પુરસ્કાર અને પંપ પ્રશસ્તિથી વિભૂષિત કરવામાં આવ્યા છે.
તેમના અગત્યના ગ્રંથોમાં ‘બીજાપુર જિલ્લેયા શાસનગલુ’ (1967), ‘શાસન સંપદા’ (1968), ‘કવિરાજમાર્ગદા પરિસર દા કન્નડ સાહિત્ય’ (શોધ-પ્રબંધ 1973), ‘ધારવાડ જિલ્લેયા શાસનગલુ’ (1976), ‘કોન્ડાગુળિ કેશિરાજન કીર્તિગલુ’ (1978), ‘બસવણ્ણાનવરા ટિકિના વચનગલુ’ (બે ગ્રંથો, 1978 અને 1980), ‘અડપ્પાના લઘુ કીર્તિગલુ’ (1980) અને ‘શ્રીમાન નાયકાન ચરિત્રે’(1983)નો સમાવેશ થાય છે.
તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘માર્ગ-4’(શોધ-આલેખ)ના સંગ્રહ બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. આ પુરસ્કૃત કૃતિમાં ધર્મ અને સાહિત્ય સાથે સંકળાયેલ વિવિધ પક્ષો અંગે વિમર્શ સહિત સંપૂર્ણ કન્નડ સંસ્કૃતિ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેમાં લેખકે ખૂબ જ નવો તર્ક પ્રસ્તુત કરીને નવીન અભિલેખોના આધાર પર નવી ઉદાત્ત ભાવનાઓ રજૂ કરી છે. પોતાના નિષ્કર્ષો માટે તેમણે અભિલેખો, પ્રાચીન પાઠો અને નવાં તથ્યો ઉદ્ધૃત કર્યાં છે. આ વિશિષ્ટતાને કારણે આ કૃતિ કન્નડ ભાષાના શોધ-આલોચના સાહિત્યમાં વિશિષ્ટ યોગદાન ગણાય છે.
બળદેવભાઈ કનીજિયા