કલકત્તા (કોલકાતા)
ભારતનું વસ્તીની ર્દષ્ટિએ બીજા ક્રમે આવતું મોટું શહેર અને પશ્ચિમ બંગાળની રાજધાની. ભૌગોલિક સ્થાન : તે 22o 32′ ઉ. અ. અને 88o 22′ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર આવરી લે છે. 1911 સુધી તે ભારતની રાજધાની હતું. 1981ની વસ્તીગણતરી અનુસાર એની વસ્તી 91,94,000 હતી, તેમાં 26 ટકા નિર્વાસિતો, 56 ટકા પશ્ચિમ બંગાળના નિવાસી તથા 8 ટકા બાંગલાદેશવાસી હતા. 1991માં વસ્તી વધીને 1,08,60,399 થઈ જ્યારે 2001માં વસ્તી વધીને 1,27,50,000 થઈ છે. એ ર્દષ્ટિએ કલકત્તા જગતનું પાંચમું અને ભારતનું બીજું મોટામાં મોટું નગર છે, છતાં ચોકિમી.ની ર્દષ્ટિએ એ દુનિયામાં પ્રથમ આવે છે. એમાં એક ચોકિમી.ના વિસ્તારમાં 14,503 માણસો વસે છે. શહેરનો 100 ચોકિમી. અને પરાં સહિતનો સમગ્ર વિસ્તાર 1,334 ચોકિમી. છે. કલકત્તા હુગલી નદીને કિનારે આવેલું છે. હુગલી ગંગા નદીની શાખા છે, પણ કલકત્તામાં એ ગંગા તરીકે જ ઓળખાય છે.
બંગાળના અખાતથી કલકત્તા 112 કિમી. દૂર આવેલું છે. કલકત્તાના બંદરને ડાયમંડ હાર્બર કહે છે. એ અગ્નિ એશિયા સાથેના વેપારનું મોટું કેન્દ્ર છે. એને વિસ્તારવાની એક યોજના ફરક્કા આગળ બંધ બાંધી મોટાં જહાજોની અવરજવર સહેલાઈથી થઈ શકે એ પ્રકારની છે.
કલકત્તાની સ્થાપના 1690માં થઈ હતી. 20 ડિસેમ્બર, 1686ને દિને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના એક અમલદાર જોબ ચારનાકે ગંગાદ્વારા હુગલી નદીમાં પ્રવેશ કર્યો, ત્યારે ત્રણ ગામડાં પર તેની નજર ઠરી. એ ત્રણ ગામડાં હતાં – સૂતનાતી, કાલિકાટા અને ગોવિન્દપુર. એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના બંગાળમાંના વેપાર માટે બધી રીતે અનુકૂળ એવા સ્થાનની શોધમાં નીકળ્યો હતો, કારણ કે બંગાળના નવાબ શાયિસ્તખાને વેપાર માટે કંપની હુગલી નદીનો ઉપયોગ કરે તેની સામે સખત વિરોધ પ્રગટ કર્યો હતો. 1690ના 24 ઑગસ્ટના રોજ નવા નવાબ ઇબ્રાહીમખાનની અનુમતિથી ચારનાક સૂતનાતીમાં આવ્યો. આ દિવસ ઐતિહાસિક ગણાય છે. કારણ કે ભવિષ્યમાં જે ભારતની રાજધાની બનવાનું હતું તે શહેરનો પાયો તે દિવસે નંખાયો. કાલિકાટા ગામડું સૂતનાતીની બાજુમાં હતું. ત્યાં કાલિકાદેવીનું મંદિર હતું. પૌરાણિક કિંવદન્તી અનુસાર શિવ દક્ષયજ્ઞ પછી, સતીના મૃત્યુ પછી એના શરીરને લઈ ગયા અને તેના કકડા કરવામાં આવ્યા ત્યારે એના જમણા પગની એડીનો ટુકડો હુગલી નદીને કિનારે એ સ્થાન પર પડ્યો. એથી એ સ્થાનને ‘કાલિકટા’ નામ અપાયું. પછી અંગ્રેજોએ પોતાને અનુકૂળ એવું એનું ઉચ્ચારણ કરતાં એને કલકત્તા નામ આપવામાં આવ્યું, જોકે બંગાળીમાં હજી ‘કાલિકાતા’ નામ જ પ્રચલિત છે. આજનું કોલકાતા નામ જાન્યુઆરી 2001થી જાણીતું બન્યું છે એ સ્થાનમાં આજે ભારતવિખ્યાત કાલીમાતાનું મંદિર છે. એવી પણ વાયકા છે કે અકબરના દરબારના માનસિંહને દેવીએ સ્વપ્નમાં દર્શન આપ્યાં તેથી એણે પાસેની તળાવડીમાંથી દેવીની મૂર્તિ કઢાવી અને ત્યાં કાલીમાતાના મંદિરની સ્થાપના કરી. કહે છે કે કાલીની મૂર્તિની નીચે એક પેટી પડી છે અને તેમાં સતીનાં દેહાંગ રાખવામાં આવ્યાં છે. આમ કલકત્તાના નામનો કાલીમૂર્તિ જોડે સંબંધ છે.
આ ત્રણ ગામો ચારનાકે એટલા માટે પસંદ કર્યાં કે ત્યાં આખું વર્ષ જલમાર્ગ ખુલ્લો રહેતો હતો. બીજું કારણ એ હતું કે બીજાં બધાં સંસ્થાનો – ફ્રેન્ચ લોકોનું ચંદ્રનગર, ડેન લોકોનું ફ્રેડરિકનગર તથા ડચ લોકોનું ચિન્સુરા નદીને ડાબે કાંઠે હતાં; જ્યારે કલકત્તા જમણે કાંઠે હતું, જેથી હરીફાઈની શક્યતા પ્રમાણમાં ઓછી હતી. વળી એ સંસ્થાનો નદીની ઉપરવાસ તરફ હતાં, જ્યારે કલકત્તા નદીના સમુદ્રગામી માર્ગ તરફ હતું. એ ત્રણ ગામોની આસપાસ જંગલો હતાં અને જમીન ભેજવાળી હતી. આ રીતે કલકત્તાની પસંદગી ફક્ત વાણિજ્યની ર્દષ્ટિએ જ કરાયેલી, રાજ્યવહીવટ કરવાની ર્દષ્ટિએ નહિ. ચારનાકને વેપાર માટે જમીન જોઈતી ન હતી. એ ઉપરાંત એ સ્થાન રક્ષણની ર્દષ્ટિએ પણ ઘણું સલામત હતું. સમુદ્રની ઘણી નજીક હોવાથી યુરોપના બીજા દેશો જોડેના વેપાર માટે પણ એ ઘણું અનુકૂળ હતું. સૂતનાતી તો રૂના ઉદ્યોગનું મુખ્ય મથક બનતું જતું હતું. આ રીતે ચારનાકે જે સાહસ કર્યું તે સમય જતાં કારગત નીવડ્યું. પૂર્વ ભારતનાં શહેરી સ્થાનોમાં એણે ધીમે ધીમે પોતાનું આગવું સ્થાન જમાવવા માંડ્યું. કલકત્તા કંપનીનું વેપારી મથક સ્થપાતાં અને એને કારણે ગ્રામીણ અર્થવ્યવસ્થા ભાંગી પડતાં આસપાસના લોકો સ્થળાંતર કરી આ નવા મથકમાં આવી પહોંચ્યા, કારણ કે ત્યાં આજીવિકા પ્રાપ્ત કરવાની શક્યતા ઊભી થઈ હતી.
1697માં ચારનાકનું મૃત્યુ થયું. તેના મૃત્યુ પછી એના જમાઈ ચાર્લ્સ આયરે કંપની તરફથી ત્યાં વસાહત સ્થાપવા માટે જમીનદારી-હક ખરીદ્યો અને સૂતનાતી, કલકત્તા તથા ગોવિન્દપુરનું મહેસૂલ ઉઘરાવવાની શરૂઆત કરી 1690માં. એ હક સવર્ણ ચૌધરી (નવાબના દીવાન) પાસેથી 1600 રૂપિયામાં ખરીદ્યા, 1699માં કંપનીએ એ પ્રદેશને ઇલાકો બનાવ્યો. બેન્જામિન બાઉવર કલકત્તાનો પ્રથમ કલેક્ટર નિમાયો. એણે 1704 અને 1706ની વચ્ચે પ્રદેશની મોજણી કરી અને એને ચાર વિભાગમાં વહેંચ્યો. સૂતનાતી (1,692 વીઘાં), બજાર કલકત્તા (401 વીઘાં), કલકત્તા શહેર (1,714 વીઘાં) અને ગોવિન્દપુર (1,175 વીઘાં). આમાંના મોટાભાગમાં ભેજવાળી જમીન હતી. કલકત્તા શહેરનો વિભાગ તો અત્યંત સીમિત હતો. 1717માં મુઘલ શહેનશાહે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળમાં મુક્ત વેપાર કરવાની પરવાનગી આપી અને એ સમયના કલકત્તાના દક્ષિણમાં 16 કિમી.ના વિસ્તારમાં આવેલાં 37 ગામડાં ખરીદવાની કંપનીની વિનંતીનો પણ સ્વીકાર કર્યો. આમ છતાં એ વખતના બંગાળના સૂબા નવાબ મુરશિદખાને કંપનીને એ ગામો ખરીદવા દીધાં નહિ. અત્યારની કલકત્તાની મહાનગરપાલિકાના વિસ્તારમાં આમાંનાં ઘણાં ગામડાંનો સમાવેશ થાય છે; એટલું જ નહિ, પણ એ ગામોનાં નામો પણ યથાવત્ રહ્યાં છે; જેમ કે, બેલગાછિયા, ઊલટડાંગા, બાગમતી, શ્યાલદાહ, તિલજલ, ચૌરંગી, ચિત્તપોર, ભવાનીપુર વગેરે. 1742માં કંપનીએ બંગાળના સૂબા નવાબ અલીવર્દીખાન પાસે મરાઠાના આક્રમણથી બચવાનું બહાનું કાઢી, શહેરના પૂર્વ ભાગમાં ખાઈ ખોદવાની રજા માગી. 1872માં એ ખાઈ પૂરવામાં આવી ત્યાં સુધી એ શહેરની સીમા મનાતી હતી. 1757માં બંગાળના સૂબા નવાબ સિરાજુદ્દૌલાને કંપની સરકારે કલકત્તાથી 150 કિમી. દૂર પ્લાસીમાં હરાવ્યો. કંપની સરકારે નીમેલા પૂતળા સૂબા મીર જાફરે વર્તુળાકાર ખાઈની બધી જમીન અને તેની બહારની બીજી 548 કિમી. જમીન વાર્ષિક રૂ. 2,22,958ના ભાડામાં આપી દીધી.
1773માં ફૉર્ટ વિલિયમ કિલ્લો બાંધવામાં આવ્યો તથા કલકત્તાને બ્રિટિશ ભારતની રાજધાની તરીકે અધિકૃત રીતે ઘોષિત કરવામાં આવ્યું તથા કંપનીના એજન્ટને ગવર્નર-જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. અંગ્રેજોએ કૉલકાતાના BBDના બાગવિસ્તારમાં નિર્માણ કરાયેલ આ કિલ્લાના એક ઓરડામાં એક નાની જેલ ઊભી કરી હતી. જેને બ્લૅકહોલ એટલે કે અંધારી કોટડી કહેવામાં આવતી. આ કોટડીમાં 2-3 કેદીઓને રાખવામાં આવતા હતા, પરંતુ બંગાળના નવાબ શિરાજ-ઉદ-દૌલાના સૈનિકોએ 146 અંગ્રેજ સૈનિકોને આ કોટડીમાં કેદ કર્યા હતા. જેમાંથી 123 સૈનિકો મૃત્યુ પામ્યા હતા. પ્રો. સંદીપ ચક્રવર્તીના જણાવ્યા મુજબ 1961માં રિકાર્ડો ગિયાકોનીએ સ્પેસના બ્લૅકહોલની શોધ કરી હતી. શ્રી ચક્રવર્તીના જણાવ્યા મુજબ તારાઓના મૃત શરીરને બ્લૅકહોલ કહે છે. આમ બ્રિટિશ સૈનિકોનાં મોત અને તારાઓના મૃત શરીરને સાંકળવામાં આવ્યાં છે. કૉલકાતાના આ સ્થળે દેશની પ્રથમ પોસ્ટઑફિસ GPOની સ્થાપના કરાઈ હતી.
1794માં કલકત્તા શહેરની જનસુવિધા માટેની વ્યવસ્થા કરવા જસ્ટિસ ઑવ્ પીસની નિમણૂક કરવામાં આવી, એમને રસ્તાની સફાઈ, પાણીની સગવડ તથા રસ્તા પર રોશનીની સગવડ કરવાનું કામ સોંપવામાં આવ્યું. 1803માં શહેર સુધારા સમિતિની નિમણૂક કરવામાં આવી. તેમાં શહેરના પ્રમુખ નાગરિકોને સ્થાન આપવામાં આવ્યું. સમિતિએ રસ્તાની મોટા પાયા પર સુધારાની, ખાળના પાણીની નિકાલવ્યવસ્થાની જાહેર બજારની વગેરેની ભલામણ કરી અને તે બધાને માટે કાર્યારંભ કરવાની મંજૂરી માગી. એ માટે થનારા ખર્ચની જોગવાઈ કરવા માટે ‘લૉટરી સમિતિ’ નિમાઈ. એ સમિતિએ પ્રશસ્ય કાર્ય કરી પૂરતાં નાણાં એકઠાં કર્યાં. પરિણામે સારા રસ્તા બંધાયા, સરોવરો ખોદાયાં અને બગીચાનું આયોજન થયું. 1847માં સાત કમિશનરોની એક સમિતિ નિયુક્ત કરવામાં આવી અને એને શહેરસુધારાનું કામ સોંપાયું. એમાં સરકારના ત્રણ પ્રતિનિધિઓ તથા કર ભરનારાઓના ચાર પ્રતિનિધિઓ હતા. 1856માં એ સમિતિને નગરપાલિકાનું કામ સોંપવામાં આવ્યું. શહેરમાં ગંદા પાણીના નિકાલ માટે ભૂગર્ભ નાળાં તથા રસ્તા પરની રોશની માટેના ખર્ચને પહોંચી વળવા ઉઘરાણું કરવાની સત્તા આપવામાં આવી. ભૂગર્ભ નાળાંનું બાંધકામ સોળ વર્ષે પૂરું થયું. 1856થી 1876 વચ્ચે કલકત્તાના સાર્વત્રિક વિકાસ માટે તથા નગરજનોને જાતજાતની સગવડો પૂરી પાડવા માટે રૂપિયા બે કરોડ ઉપરાંતનું ખર્ચ કરવામાં આવ્યું. 1854માં સચિવાલય તૈયાર થયું હતું. 1865માં શહેરને પાણી પૂરું પાડવાની વ્યવસ્થા કરવામાં આવી.
1869માં કેન્દ્રીય ટપાલકચેરી શરૂ કરવામાં આવી. 1874માં મોટું બજાર બંધાયું. 1876માં નગરપાલિકાનું વિસ્તૃતીકરણ થયું. એના 22 સભ્યોમાંથી બે તૃતીયાંશ સભ્યો લોકોએ ચૂંટેલા હતા.
1830માં ત્રણ ઘોડા જોડેલી બસ જાહેર વાહનવ્યવહાર માટે શરૂ કરવામાં આવી. લંડનમાં આ વ્યવસ્થા થયા પછી એક જ વર્ષમાં અહીં આ પ્રકારની વ્યવસ્થા થઈ. તે પછી 1873માં ઘોડાથી ચલાવાતી ટ્રામની શરૂઆત થઈ. એ માટે ઑસ્ટ્રેલિયાથી ખાસ ઘોડા મંગાવવામાં આવ્યા હતા. નવ મહિના પછી એ ટ્રામ બંધ કરવામાં આવી, કારણ કે અકસ્માતો ઘણા થયા અને એનું સંચાલન પણ નબળું હતું. તે પછી બે ખાનગી વ્યક્તિઓએ ઘોડાની ટ્રામ ચલાવવાની નગરપાલિકા પાસે અનુમતિ લઈ ટ્રામસેવા 1884થી શરૂ કરી. પછી 1902માં વીજળીથી ચાલતી ટ્રામો શરૂ થઈ જે આજ સુધી ચાલુ છે.
1888માં નગરપાલિકાની સત્તા પરાં સુધી વિસ્તારવામાં આવી. તે પછીનાં દસ વર્ષમાં નગરપાલિકાએ પીવાના પાણીના પુરવઠાનું તથા નવા વિસ્તારોમાં ભૂગર્ભ નાળાં બાંધવાનું કામ પૂરું કર્યું. આરોગ્યને હાનિકારક તળાવો પૂરી દેવામાં આવ્યાં અને ત્યાં રસ્તાનું નિર્માણ થયું. નગરપાલિકાએ પોતાની પોલીસ રાખેલી જેને કર ઉઘરાવવાનું, વાહનવ્યવહારનું સંચાલન કરવાનું, શુદ્ધ ખાદ્યપદાર્થ વેચાય તેની દેખરેખ રાખવાનું વગેરે જેવાં અનેક કાર્યો કરવાં પડતાં. 1921માં એ પોલીસ-ટુકડીઓને સમેટી લેવામાં આવી. 1911માં કલકત્તાના વિકાસ માટે કલકત્તા ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. એણે કલકત્તાના વિકાસ માટે 291 હેક્ટર જમીન કબજે કરી અને દક્ષિણ તથા ઉત્તર-પૂર્વના ભાગને વિસ્તાર્યો.
1774માં કલકત્તા સુપ્રીમ કૉર્ટની સ્થાપના કરવામાં આવી; તેનું કાર્યક્ષેત્ર ફક્ત કલકત્તા શહેર પૂરતું મર્યાદિત હતું. 1862માં હાઈકૉર્ટની સ્થાપના કરવામાં આવી; તેનું કાર્યક્ષેત્ર બંગાળ, બિહાર, ઓરિસા તથા આસામ સુધી વિસ્તારવામાં આવ્યું. આ ન્યાયાલયોમાં પહેલીવાર ભારતીય નાગરિકો ન્યાયાધીશો તરીકે નિમાયા. આ ન્યાયાલયોને કારણે વકીલાતનો ધંધો ખૂબ વિસ્તર્યો.
તેવી જ રીતે અંગ્રેજી શિક્ષણ ઓગણીસમી સદીના આરંભમાં જ શરૂ થયું ને ખ્રિસ્તી પાદરીઓની પ્રવૃત્તિએ તેનો બહોળો ફેલાવો કર્યો. ભારતમાં પશ્ચિમની અસર સૌ પહેલાં પૂર્વે બંગાળમાં શરૂ થયેલી અને પશ્ચિમની સાંસ્કૃતિક અને વૈચારિક અસર ફેલાતાં ત્યાં ધર્મસુધાર આંદોલન રાજા રામમોહન રાય, કેશવચંદ્ર સેન વગેરે દ્વારા શરૂ થયું. તેને બ્રહ્મોસમાજ નામ અપાયું. અંગ્રેજી શિક્ષણ પામેલા વર્ગમાં એની વ્યાપક અસર થઈ.
રંગમંચકલાની પ્રવૃત્તિમાં પણ કલકત્તાએ પહેલ કરેલી. પ્રથમ બંગાળી નાટક લેબેડોફ નામના એક રશિયને બંગાળી અભિનેતાઓ તથા અભિનેત્રી સાથે ભજવ્યું. તે પછી તો એ પ્રવૃત્તિ ઘોડાપૂરની જેમ વિકસી. ભારતમાં પ્રથમ સિનેમાગૃહ પણ કલકત્તામાં સ્થપાયું હતું. રમતગમતમાં કલકત્તા ક્લબના મોહન બાગાનના ખેલાડીઓએ 1911માં બ્રિટિશ ખેલાડીઓની ટુકડીને હરાવી, એ ક્ષેત્રમાં કલકત્તાના વિકાસનો ખ્યાલ આપ્યો.
1905માં જ્યારે તે વખતના વાઇસરૉય લૉર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા ત્યારે અંગ્રેજ સરકાર સામેના બંગભંગ વિરોધી આંદોલનની શરૂઆત કલકત્તાથી થયેલી. જુલાઈમાં બંગભંગની જાહેરાત થઈ અને તરત જ બ્રિટિશ માલના બહિષ્કારનું આંદોલન શરૂ થયું. બ્રિટિશ કાપડની હોળી થઈ, ગુરુદેવ ટાગોરે રાખી બંધનના કાર્યક્રમ દ્વારા તથા જોશીલાં ગીતો રચીને એ આંદોલનને વેગીલું બનાવ્યું; સરઘસોમાં પણ એ મોખરે રહેતા. એ સમયે બે ક્રાંતિકારી જુથો ‘યુગાન્તર’ અને ‘અનુશીલન’નાં મંડાણ પણ આ જ નગરીમાં થયાં. એ આંદોલનમાં ક્રાંતિના શસ્ત્ર તરીકે બૉમ્બનો ઉપયોગ પણ અહીં જ થયો. અરવિન્દનું ક્રાંતિકારી રૂપે દર્શન થાય છે તે પણ આ જ નગરીમાં. તેમને આ નગરની જેલમાં જ શ્રીકૃષ્ણનો સાક્ષાત્કાર થયો હોવાનું કહેવાય છે. આ નગરીના પ્રબળ આંદોલનને પરિણામે બંગભંગને રદ કરવામાં આવ્યો અને તેથી રાષ્ટ્રીય સંગ્રામમાં પ્રથમ વિજય અપાવી કલકત્તાએ વિશ્વમાં ભારતનું નામ ઊજળું કર્યું.
સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી પશ્ચિમ બંગાળની સરકારે કલકત્તા ડેવલપમેન્ટ પ્લાનિંગ ઑર્ગેનાઇઝેશન(C.D.P.O.)ની રચના કરી. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ યુ.એન.ડી.પી., ડબ્લ્યૂ.એચ.ઓ. તથા ફૉર્ડ ફાઉન્ડેશનના વિકાસનિષ્ણાતોની મદદથી મેટ્રોપૉલિટન ડેવલપમેન્ટ કાઉન્સિલ રચવામાં આવી; તેનો વિસ્તાર 80 કિમી. સૂચવવામાં આવ્યો; નદીને બંને કાંઠે તે 1,254 ચોકિમી. સુધી પથરાયેલો હતો. એ વિસ્તારને 1964માં કલકત્તા શહેરી વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો; એમાં કલકત્તાના ભાવિ વિસ્તારની રૂપરેખા પણ આપવામાં આવી. એ યોજનાને પાર પડતાં પાંચ વર્ષ લાગ્યાં. 1976થી 1986 સુધીમાં આ શહેરી વિસ્તારના વિકાસ માટે 125 લાખ અમેરિકન ડૉલર ખર્ચાયા. આ રીતે એક નાનાશા ગામડામાંથી ક્રમશ: એક અતિકાય મહાનગરની રચના થઈ.
અન્ય શહેરોની જેમ કલકત્તાની કેટલીય કૂટ સમસ્યાઓ છે. એમાં પહેલી સમસ્યા વસ્તીવધારાની છે. એ સમસ્યા સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ઘણી વિકટ બની ગઈ છે, કારણ કે ભારતને સ્વતંત્રતા મળી તેની સાથે સાથે બંગાળનું પુનર્વિભાજન થયું અને તે સમયના પૂર્વ પાકિસ્તાનમાં લઘુમતી પર અત્યાચારો અને હત્યાકાંડ થતાં લાખો શરણાર્થીઓ આવ્યા. આજે કલકત્તાની આઠ ટકા વસ્તી બાંગ્લાદેશવાસીઓની છે. એ બધાંને કલકત્તાની ભૂમિ પર સમાવવાં એ ભગીરથ કાર્ય હતું. એ લોકો માટે અનેક નિર્વાસિત છાવણીઓ ઊભી કરવામાં આવી પણ શરણાર્થીઓની વણજાર ચાલુ જ હતી. એટલે તાત્કાલિક વ્યવસ્થા કરવાનું અત્યંત મુશ્કેલ હતું. આથી સફાઈની ઘણી અપૂરતી વ્યવસ્થાને કારણે ગંદકી વધતી ગઈ. વાતાવરણનું પ્રદૂષણ વધી ગયું અને રોગચાળો ફાટી નીકળવાનો ભય ઉત્પન્ન થયો. જે લોકો શરણાર્થી બનીને આવ્યા હતા, એ પોતાનું સર્વસ્વ છોડીને આવ્યા હતા. એટલે સાવ કંગાળ હતા. સરકાર તરફથી જે કંઈ મળતું હતું તે એમની જરૂરિયાતો કરતાં ઘણું ઓછું હતું. એથી પેટગુજારાને માટે એ લોકોએ ગુનાઇત કાર્યો કરવા માંડ્યાં. તેને લીધે કાયદો અને વ્યવસ્થાની એક બીજી સમસ્યા ઊભી થઈ. આ સમસ્યાઓના ઉકેલ માટે પશ્ચિમ બંગાળ સરકારે ગંદા પાણીનો ઉપયોગ કરીને ત્યાં શાકભાજી તથા અન્નના ઉત્પાદન માટેની યોજના અમલમાં મૂકી છે. એથી પૂર્વે જ્યાં ગંદકીની પ્રબળ દુર્ગંધ આવતી હતી ત્યાં આજે હરિયાળી ર્દષ્ટિએ પડે છે અને એથી ઘણા બેકાર લોકોને કામ મળ્યું છે. નિર્વાસિતો થાળે પડવા માંડ્યા છે. આ યોજનાનો અમલ જ્યાં થાય છે, એ સ્થળને ‘નવા કલકત્તા’નું નામ અપાયું છે. આ ઉપરાંત ઓછી આવકવાળા અને નીચલા મધ્યમ વર્ગના લોકો માટે 5000 આવાસ બાંધવાની યોજના પણ અમલી બની છે.
કલકત્તાની અન્ય એક સમસ્યા અત્યંત ગીચ વસ્તીની છે. અત્યારે કલકત્તામાં એક ચોકિમી.દીઠ 22,000 લોકો વસે છે, અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં તો ચોકિમી.દીઠ 1,62,866 લોકો વસે છે. આ પરથી આ સમસ્યાની ગંભીરતાનો ખ્યાલ આવે છે. આ સમસ્યાના ઉકેલ માટે જ નવા કલકત્તાના વસવાટની યોજના ચાલુ કરવામાં આવી છે. આટલો વિશાળ જનસમુદાય હોવાને કારણે, વાહનવ્યવહારનો પ્રશ્ન પણ જટિલ થઈ પડ્યો છે.
કલકત્તાની આ સમસ્યાઓ છે, તો એની કેટલીક વિશેષતાઓ પણ છે, જે એને આગવું વ્યક્તિત્વ અર્પે છે; ત્યાં રસ્તાના નામકરણ બંગાળના, ભારતના અને વિશ્વના જુદા જુદા ક્ષેત્રના અનેક મહાપુરુષોનાં નામ સાથે સંકળાયેલાં છે; જેમ કે, રાજકારણ જોડે સંકળાયેલી વ્યક્તિઓ પરથી કાર્લ માર્કસ સરણી; શહીદ ખુદીરામ બસુ રોડ; લાલા લજપતરાય સરણી; શ્રી અરવિંદ સરણી; પંડિત મદનમોહન માલવિયા રોડ; મહાત્મા ગાંધી રોડ; લેનિન સરણી; નેતાજી સુભાષ રોડ; શહીદ સૂર્યસેન સ્ટ્રીટ; સાહિત્યકારોનાં નામ પરથી શેક્સપિયર સરણી; વિભૂતિભૂષણ બંદોપાધ્યાય સરણી; મિર્ઝા ગાલિબ સરણી; તારાશંકર બંદોપાધ્યાય સરણી; કવિ મહમદ ઇકબાલ સરણી; થૅકરે રોડ; કલકત્તાના વિશ્વવિખ્યાત જાદુગરના નામ પરથી પી. સી. સરકાર સરણી; જાણીતા ફિલ્મ અભિનેતા અને ગાયકનું નામસ્મરણ કરાવતી કે. એલ. સાયગલ સરણી; નવજાગરણના પ્રણેતાના નામ પરથી રામમોહન સરણી તથા વિદ્યાસાગર સરણી; જાણીતા ચિત્રકારના નામ પરથી અવનીન્દ્રનાથ સરણી; ધર્માચાર્યોનાં નામ પરથી રામકૃષ્ણ પરમહંસ સરણી તથા સ્વામી વિવેકાનંદ સરણી તથા ગુરુ નાનક સરણી; વૈજ્ઞાનિકના નામ પરથી જગદીશ બસુ સરણી. એટલું જ નહિ પણ ભારતમાં પહેલો વિશ્વકોશ તૈયાર કરનાર નગેન્દ્રનાથ બસુ જ્યાં રહેતા હતા તે શેરીનું નામ વિશ્વકોશ લેન રાખ્યું છે.
કલકત્તાને પ્રાસાદનગરી નામ અપાયું છે કારણ કે ત્યાં હજીય પુરાણકાળના કેટલાક પ્રાસાદો છે અને એ બધાને યથાતથ રાખવામાં આવ્યા છે. એ પ્રાસાદોમાં મુખ્ય છે મારબલ હાઉસ. 1835માં પચીસ વીઘાં જમીનમાં વિશાળ બગીચાની વચ્ચે જમીનદાર રાજેન્દ્ર મલ્લિકે બંધાવેલી આ ઇમારતમાં અત્યારે શિશુ સંગ્રહાલય છે. એમ કહેવાય છે કે પાંચ હજાર મિસ્ત્રીઓએ પાંચ વર્ષ સુધી પરિશ્રમ કરીને એ મહેલ બાંધ્યો હતો. એ બાંધવા માટે આરસના પથ્થરો ઇટાલીથી મંગાવ્યા હતા તથા યુરોપના જુદા જુદા દેશોમાંથી સ્થપતિઓ તથા કારીગરો બોલાવવામાં આવ્યા હતા. એ સ્થાપત્ય તથા શિલ્પનો અજોડ નમૂનો છે.
અલીપુરમાં વૉરન હેસ્ટિંગ્ઝ જ્યાં રહેતો હતો તે મહેલ તે બેલવેડિયા હાઉસ. બાર વીઘાંના વિસ્તારમાં એ મહેલ બાંધવામાં આવ્યો છે. તેમાં મિશ્ર સ્થાપત્ય છે. એ પાશ્ચાત્ય સ્થાપત્ય-શૈલી અનુસાર બંધાયેલો હોઈ ત્યાં બૉલ નૃત્યાગાર તથા દરબારગૃહ છે. એમાં અત્યારે રાષ્ટ્રીય પુસ્તકાલય છે.
સાવર્ણ રાયચૌધરી પ્રાસાદ કેશવરાવ રાયચૌધરીએ સત્તરમી સદીના અંતમાં બંધાવ્યો હતો. આ વિશાળ મહેલમાં પ્રાચીન સ્થાપત્ય ર્દષ્ટિએ પડે છે. 1610થી અહીં સતત દુર્ગાપૂજા થતી આવી છે તથા પ્રાચીન મૂર્તિ પણ એની એ જ રાખવામાં આવી છે. વળી 200 વર્ષથી ત્યાં ચંડીપૂજા પણ થાય છે. પૂજા સમયે ત્યાં ચંડી મેળો પણ ભરાય છે.
જોડાસાંકોની ઠાકુરબાડી રવીન્દ્રનાથનું જન્મસ્થળ છે. કલકત્તામાં એમનો ઉછેર આ પ્રાસાદમાં જ થયો હતો. એ મહેલ 1784માં બંધાયેલો. મૂળે એ દ્વારકાનાથ ઠાકુરે બંધાવેલો. તેમાં પાછળથી ઘણું પરિવર્તન કરાવેલું. એ ઘરના નયનાભિરામ સ્થાપત્યે રવીન્દ્રનાથ તથા એ પરિવારના સાહિત્યકારોને પુષ્કળ પ્રેરણા આપેલી છે. અત્યારે એ મહેલમાં રવીન્દ્ર ભારતી વિશ્વવિદ્યાલય આવેલું છે.
શોભા બાજાર પ્રાસાદ મધ્યકાલીન સ્થાપત્યકલાનો સુંદર નમૂનો છે. એમાં મધ્યકાલીન મુઘલ સ્થાપત્ય તેમજ બ્રિટિશ સ્થાપત્યનું મિશ્રણ છે. મુઘલ સ્થાપત્ય અનુસાર એમાં તોશાખાના તથા નોબતખાના છે; દીવાને ખાસ અને દીવાને આમના અનુસરણમાં દીવાનખાનું છે. બ્રિટિશ સ્થાપત્ય અનુસાર એમાં ભોજનગૃહ, બક્વેટ હૉલ તથા નૃત્યખંડ છે. મુઘલ બાદશાહોના મહેલોમાં હોય છે તેમ એમાં પડદા કે ઘૂંઘટવાળી સ્ત્રીઓને માટે ચીકવાળો રંગમહેલ પણ છે. કહેવાય છે કે દીવાનખાનાના બાંધકામ માટે દિલ્હીથી, જ્યારે કાષ્ઠકામ માટે જયપુરથી કારીગરો આવેલા. એ પ્રાસાદ 1760માં બંધાઈ રહ્યો હતો. આ રીતે કલકત્તાને અપાયેલું પ્રાસાદનગરી નામ સાર્થક છે.
કલકત્તાની અન્ય એક વિશેષતા એ છે કે ત્યાં ભારતભરમાં સર્વપ્રથમ શરૂ થયેલો મેટ્રો રેલમાર્ગ દુનિયામાં 85મા ક્રમે મુકાયો. આ મેટ્રો રેલમાર્ગ પર કુલ 17 રેલમથકો છે, જે પૈકીનું એક સપાટી પર છે તથા બીજું એક બોગદામાં થોડીક ઊંચાઈ પર છે, જ્યારે બાકીનાં 15 સપાટીથી નીચે તરફ છે. આ રેલમાર્ગ પર દર 10 મિનિટે એક એવી 142 રેલગાડીઓ ચાલે છે. એસ્પ્લેનેડ, ભવાનીપુર, તોલિયાગંજ, બેલગાછિયા અને ડમડમ વચ્ચે મુસાફરોની અવરજવર વિશેષ રહે છે. 1995ના સપ્ટેમ્બરની 27મી તારીખે તેના ઉત્તર અને દક્ષિણ વિભાગોને પણ સાંકળી લેવાયા છે. કલકત્તાને પાકા રસ્તા અને રેલમાર્ગ દ્વારા ઢાંકા (બાંગ્લાદેશ) સાથે સાંકળવામાં આવેલ છે.
1999–2000ના વર્ષમાં ડમડમ-તોલિયાગંજ વિભાગને અંદાજે 696 કરોડ રૂપિયાના ખર્ચે લંબાવીને 8.45 કિમી. અંતર માટે ગારિયા સુધી લઈ જવાયો છે. રેલમાર્ગના વિસ્તરણથી કોલકાતાના લોકોને ઘણો લાભ મળતો થયો છે. તે ભારતીય રેલના પૂર્વ વિભાગના ગારિયાને આ રીતે જોડે છે તો દક્ષિણના ચોવીસ પરગણા જિલ્લાને પણ સાંકળે છે.
આ ગાડીમાં પ્રવાસ કરવા માટે ટિકિટ મેળવવાની વ્યવસ્થા આધુનિક રાખેલી છે. યંત્ર ખોટવાય તો માણસોની સેવા પણ ઉપલબ્ધ છે. કહેવાય છે કે એ જગતભરની ઉત્તમ ભૂગર્ભ રેલવે છે. બ્રિટિશ રેલવેના ચૅરમૅન સર રૉબર્ટ રીડે એ રેલવેને જોયા પછી અભિપ્રાય આપ્યો હતો કે એ વિશ્વની ઉત્કૃષ્ટ ભૂગર્ભ રેલવે છે. દરેક સ્ટેશનના સુશોભનનું કાર્ય વિશ્વભારતી વિશ્વવિદ્યાલયના કલા વિભાગને સોંપાયેલું હતું, એટલે કલાર્દષ્ટિએ સ્વાભાવિક રીતે એમાં પૂર્ણતા આવી છે. પ્રત્યેક સ્ટેશનમાં એ વિભાગનો પરિચય મળે એવાં ચિત્રો આંકવામાં આવ્યાં છે; જેમ કે, એસ્પ્લેનેડ સ્ટેશનની આસપાસનો વિસ્તાર પશ્ચિમી સંસ્કૃતિથી રંગાયેલા લોકોનો છે, તેથી ત્યાં યુરોપીય ચિત્રશૈલી અપનાવાઈ છે. કાલીઘાટ રેલવે સ્ટેશન પર શાક્ત ભક્તિને નિરૂપતી પૌરાણિક કથાઓને ચિત્રરૂપ આપ્યું છે. મેદાન સ્ટેશનની આસપાસ, રમતગમતનું મેદાન હોવાથી ત્યાં રમતગમતનાં ચિત્રો છે. આ ચિત્રો અને સ્ટેશનોની સજાવટ માટે અત્યાર સુધી 50 લાખ રૂપિયા ખર્ચાયા છે. પ્રત્યેક સ્ટેશનની અગાસી પર નાનું શું ઉદ્યાન છે. એ ઉદ્યાનનાં પુષ્પોની સુગંધથી વાતાવરણ મહેકતું હોય છે. આ ઉપરાંત પ્રત્યેક સ્ટેશનના ઉદ્યાનની વચ્ચે ફુવારા છે, જેના કારણે ઉદ્યાનો લીલાંછમ રહે છે. ભૂગર્ભ રેલવેના આઠ ડબ્બા છે, અને એનો વેગ કલાકના ત્રીસ કિમી. જેટલો છે.
ભૂગર્ભ રેલવે ઉપરાંત બીજી એક રેલવે પણ કલકત્તામાં ચક્રાકારે ફરે છે. એ પરાંવાસીઓને શહેરમાં લાવવા-લઈ જવાનું એક અત્યંત મહત્વનું સાધન છે.
કલકત્તામાં વાહનવ્યવહારનું જેટલું વૈવિધ્ય છે, તેટલું વિશ્વના બીજા કોઈ શહેરમાં નહિ જડે. ભૂગર્ભ અને ચક્રાકાર રેલવે ઉપરાંત હજી સુધી ટ્રામ ચાલતી હોય એવું કલકત્તા એકમાત્ર સ્થળ છે. એ ઉપરાંત, માણસ વડે ખેંચાતી રિક્ષા જે ચાલતી હતી, તેના પર હવે પ્રતિબંધ મુકાયો છે. આ ઉપરાંત સાઇકલ-રિક્ષા, પેટ્રોલથી ચાલતી ત્રિચક્રી રિક્ષા, બસ, મિનીબસ, ટૅક્સી વગેરે વાહનો છે. વાહનવ્યવહારની બીજી એક વિશેષતારૂપે નૌકા તથા નાની સ્ટીમલૉન્ચ પણ નદીતટવાસીઓને શહેરમાં લાવવાની તથા ત્યાંથી લઈ જવાની સગવડ પૂરી પાડે છે. નૌકાઓ ખાનગી માલિકીની છે, જ્યારે સ્ટીમલૉન્ચ સરકારી માલિકીની છે. આ જલપરિવહન હાવડાથી ફેરાબાડી, ચાંદપાલ, બેલિગાટા, મેટેબુરુ વગેરે સ્થળોમાં ફરતું રહે છે. આવો જળવ્યવહાર માત્ર કલકત્તામાં છે. શ્રીનગર વગેરેમાં નૌકાઓ સહેલાણીઓ માટે હોય છે, રોજના પ્રવાસીઓ માટે નહિ. કલકત્તામાં ટ્રામ રાજ્ય પરિવહન, દક્ષિણ બંગાળ પરિવહન, ઉત્તર રાજ્ય પરિવહન અને ખાનગી બસ સેવા કાર્યરત છે. ડમડમ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય હવાઇમથક આવેલું છે.
કલકત્તાનું બંદર : અગ્નિ એશિયાના દેશો, એશિયા અને યુ.એસ.ના પૅસિફિક કિનારાનાં બંદરો તથા ભારતના પૂર્વ કિનારાનાં બંદરો સાથે વેપાર માટેનું કલકત્તા મોટું બારું છે. અહીં હુગલીમાં 22થી 28.6 ફૂટના ડ્રાફ્ટવાળાં જહાજો ભરતીની અનુકૂળતા પ્રમાણે આવે છે. કીડરપોર એક અને બે, સુભાષ ડૉક અને બજબજ ડૉક ખાતે વિવિધ માલ તથા પેટ્રોલિયમના ઉતરાણ માટે આશરે 45 જેટલી બર્થ, વ્હાર્ફ, જેટી વગેરે આવેલ છે. 1981થી કન્ટેનર-સેવા શરૂ કરાઈ છે. હુગલી નદીમાં રેતીનાં ભાઠાં અને વળાંકોને કારણે પાઇલટ-સેવા ફરજિયાત છે. ફરક્કા બંધ બાંધીને તથા નદીમાં લૉકગેટ દ્વારા પાણીની ઊંડાઈ જળવાઈ રહે છે. સતત ડ્રેજિંગ દ્વારા કાંપ ખસેડાય છે. સાગર, કાલ્પી, ડાયમંડ હાર્બર, રૉયપુર, હલ્દિયા, ઉલુબેરિયા અને ગાર્ડન રીચ હુગલી ઉપરનાં લંગરગાહો છે. હલ્દિયા ખાતે મોટી ટૅન્કરો, સ્ટીમરો આવી શકે છે. આસામ અને તેની નજીકનાં પૂર્વ ભારતનાં રાજ્યો, પશ્ચિમ બંગાળ, બિહાર, ત્રિપુરા, ઈશાનપ્રદેશ, નેપાળ તથા ભુતાનનો પ્રદેશ તેનો પીઠપ્રદેશ છે. આ પ્રદેશની ખેતીવિષયક અને ઔદ્યોગિક પેદાશ જમીન, રેલમાર્ગે તથા ગંગા અને તેની શાખાઓ જળમાર્ગ દ્વારા કલકત્તા આવે છે.
કલકત્તાથી દુનિયાના મોટાભાગના દેશોમાં કોથળા તથા શણનું કાપડ જાય છે. આસામ અને દાર્જિલિંગની ચા, અળશી, મૅંગેનીઝ, લાખ, અબરખ, ફેરોમગેનીઝ, કોલસા, અનાજ, દિવેલ, ઇજનેરી સામાન, ચામડાં, જોડા, લોખંડનો ભંગાર, પિગઆયર્ન, ખાંડ, સૂતર, વનસ્પતિ વગેરેની નિકાસ થાય છે; જ્યારે સિમેન્ટ, રસાયણો, ખાતર, અનાજ, યંત્રો, ખનિજતેલ, રંગ, વાર્નિશ, રબર, મીઠું, ઇમારતી લાકડું, તમાકુ, બિનલોહ ધાતુઓ, ન્યૂઝપ્રિન્ટ વગેરેની આયાત થાય છે.
પરાદીપ બંદરને કારણે કાચું લોખંડ, અબરખ, મૅંગેનીઝ વગેરેની નિકાસ ઘટી છે. બાંગ્લાદેશને કારણે શણ અને કોથળાની નિકાસ ઘટી છે. અનાજ અને ખાતરની આયાત સરકારી નીતિ તથા સારા ચોમાસા ઉપર નિર્ભર હોવાથી તેમાં વધઘટ થાય છે.
કલકત્તાનું ‘ચાઇના ટાઉન’ સદીઓ પૂર્વે આવેલા અને ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરીને અહીં કાયમી વસવાટ કર્યો હોય એવા ચીનાઓની વસાહત છે. આ ચીનાઓ મોટેભાગે ચામડાંનો વેપાર કરે છે. એ લોકો પગરખાંનો ગૃહઉદ્યોગ ચલાવે છે. એ ઉપરાંત એ લોકો રેશમનાં કપડાંનો પણ વેપાર કરે છે. ભારતીય નાગરિક હોવા છતાં એમણે પોતાની અસ્મિતા પૂર્ણાંશે જાળવી રાખી છે. સદીઓ પૂર્વે એ લોકો જે સંસ્કારો લઈને આવેલા તે સંસ્કારો હજી એમણે યથાવત્ જાળવી રાખ્યા છે. પહેરવેશ, રહેણીકરણી, ઉત્સવો, ભાષા એ બધાંની જાળવણીને કારણે ત્યાં ફરતાં આપણે ચીનના કોઈ નાનકડા ગામમાં ફરતા હોઈએ એવો ભાસ થાય છે.
કલકત્તામાં ભારતનાં અન્ય શહેરો કરતાં વધુ સંખ્યામાં નાટકમંડળીઓ છે. એમાં વ્યવસ્થિત એવાં ચાર જૂથો છે. પહેલા જૂથમાં 12 ધંધાદારી નાટકમંડળીઓ છે. એમાં મુખ્ય ‘વિશ્વરૂપ’, ‘રંગમહલ’, ‘રામમોહન મંત્ર’ અને ‘સ્ટાર’ છે. આમાંની કેટલીક નાટકમંડળીઓ ઓગણીસમી સદીના ચોથા દસકાથી નાટ્યપ્રવૃત્તિ કરે છે. એમને માટે નાટક એ વ્યવસાય છે. એટલે વધારેમાં વધારે કમાવાની વૃત્તિ હોય છે. કલા તો અનુષંગી છે. આ જૂથની દરેક નાટકમંડળી અઠવાડિયામાં ચારથી પાંચ વાર નાટક ભજવે છે અને અદાકારોને સારું એવું મહેનતાણું આપે છે. આ મંડળીઓ મુખ્યત્વે લોકપ્રિય બંગાળી કથાઓ ભજવવા માટે પસંદ કરે છે. બીજું જૂથ સહકારી ધોરણે નાટકો ભજવતી મંડળીઓનું છે. એવી 38 મંડળીઓ સક્રિય છે. એનું સંચાલન મોટેભાગે અવેતન અદાકારો કરે છે. એમાં જાણીતી મંડળીઓ બહુરૂપી, કલકત્તા ગ્રૂપ થિયેટર, ચેનામુખ, નંદીમુખ, નંદીકાર, પ્રતિકૃતિ, શૌભનિક, સીમન્તિક, થિયેટર યુનિટ, થિયેટર વર્કશૉપ ઇત્યાદિ છે. આ મંડળીઓ નાટકને કલાકૃતિ તરીકે રજૂ કરવાની ર્દષ્ટિ રાખતી હોય છે. એમનાં પોતાનાં નાટ્યગૃહો નથી. તે નાટ્યગૃહો ભાડે રાખે છે. આ જૂથવાળા વિશ્વની નાટ્યપ્રવૃત્તિના સતત સંપર્કમાં હોય છે અને તેથી અવનવા પ્રયોગો કરતા જણાય છે. આ નાટકમંડળીઓએ જ જર્મન નાટ્યકાર બ્રૅખ્તનાં નાટકો રૂપાંતરિત કરીને ભજવ્યાં હતાં. ત્રીજા જૂથની નાટકમંડળીઓ બહારથી ધંધાદારી લાગતી હોવા છતાં એ કથાનક, મંચ-પ્રસ્તુતિ, પ્રેક્ષકો, અભિનય ઇત્યાદિ પરત્વે નવા નવા પ્રયોગો કરે છે. આવી 37 નાટ્યમંડળીઓ છે. એમાં વધુ જાણીતી છે ચતુર્મુખ તથા ચેતના; એ મંડળીઓ અદાકારોને મહેનતાણું આપતી હોય છે. ચોથું જૂથ સંગીતનાટક (opera) ભજવતી મંડળીઓનું છે. એવી 28 નાટકમંડળીઓ છે. એ બંગાળના લોકનાટ્ય યાત્રાની રીતિએ પ્રસ્તુતીકરણ કરે છે. એના પ્રયોગો ગીતપ્રધાન હોય છે. આ નાટકમંડળીઓ આમજનતામાં અત્યંત લોકપ્રિય છે. આ મંડળીઓનું કેન્દ્ર કલકત્તા હોવા છતાં એ અવારનવાર બહારગામ જતી હોય છે. એમાં મુખ્ય મંડળીઓ છે – ‘અનામિકા યાત્રા યુનિટ’, ‘અંગન યાત્રા સમાજ’, ‘આર્ય’, ‘ઑપેરા’, ‘નૂતન પ્રભાસ ઑપેરા’, ‘નૂતન તરુણ ઑપેરા’, ‘તપોવનયાત્રા’, ‘સત્યંવર ઑપેરા’ ઇત્યાદિ. એ મંડળીઓ ખુલ્લી જગ્યામાં જ નાટકો ભજવે છે. આ ઉપરાંત શેરીનાટકો ભજવનારાં અનેક જૂથો છે. આ બહુવિધ નાટ્યપ્રવૃત્તિ કલકત્તાની વિશેષતા ગણાય છે.
ઉચ્ચ શિક્ષણ : કલકત્તામાં ઉચ્ચ શિક્ષણ માટેની કલકત્તા, જાદવપુર અને રવીન્દ્રભારતી યુનિવર્સિટી છે. તે પૈકી કલકત્તા યુનિવર્સિટી લંડન યુનિવર્સિટીના ધોરણે કૉલેજોને જોડાણ આપતી યુનિવર્સિટી તરીકે 1857માં શરૂ થઈ હતી. દુનિયાની સૌથી મોટી યુનિવર્સિટીઓ પૈકી આ યુનિવર્સિટીના સીધા વહીવટ નીચે 13 કૉલેજો, 200થી વધારે સંલગ્ન કૉલેજો અને 16 અનુસ્નાતક કેન્દ્રો છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને પ્રયુક્ત ગણિતશાસ્ત્રની વિદ્યાશાખાઓ ઉપરાંત રેડિયો-ફિઝિક્સ અને ઇલેક્ટ્રૉનિક્સ, આંકડાશાસ્ત્ર, પ્રકૃતિવિજ્ઞાન, જાહેર આરોગ્ય વગેરેની વિશિષ્ટ સંસ્થાઓ કલકત્તામાં છે. ભારતના સૌથી જૂના (1814) અહીંના સંગ્રહસ્થાનના પુરાતત્વ અને સિક્કા વિભાગ નોંધપાત્ર છે. યુનિવર્સિટીનું નૃવંશશાસ્ત્રનું અને ભારતીય કલાનું આશુતોષ સંગ્રહસ્થાન જાણીતું છે. એશિયાટિક સોસાયટી ઑવ્ બગાલ 1784માં સ્થપાઈ હતી. 1835માં મેડિકલ કૉલેજ શરૂ કરાઈ હતી. નૅશનલ લાઇબ્રેરીમાં 7,00,000 પુસ્તકો છે, જ્યારે યુનિવર્સિટીના પુસ્તકાલયમાં 4,72,000 પુસ્તકો છે. આ ઉપરાંત બોઝ રિસર્ચ સંસ્થા, સ્કૂલ ઑવ્ ટ્રૉપિકલ મેડિસિન, રબર ટેક્નૉલૉજી સંસ્થા, આઇ.આઇ.એમ., બિરલા ઇન્ડસ્ટ્રિયલ અને ટેક્નોલૉજિકલ મ્યુઝિયમ વગેરે ઘણી સંસ્થાઓ છે. જાદવપુર યુનિવર્સિટી 24 ડિસેમ્બર 1955થી અસ્તિત્વમાં આવી છે. અહીં 22 વિવિધ વિષયોના અધ્યાપન વિભાગો છે. વિજ્ઞાન, ટેક્નૉલોજી, ગૃહશિક્ષણ, માનવવિદ્યાઓ, તંત્રવિદ્યા વગેરે વિભાગો જાણીતા છે. રવીન્દ્રભારતી યુનિવર્સિટીમાં રવીન્દ્રનાથનાં ચિત્રો સચવાયાં છે.
ઉદ્યોગો : પશ્ચિમ બંગાળનો મુખ્ય પાક શણ હોઈ હુગલીના બંને કાંઠે 45 માઇલ સુધી શણની મિલો આવેલી છે. લોખંડની વસ્તુઓ, યંત્રો, સાઇકલ, ઍલ્યુમિનિયમનાં વાસણો, હોઝિયરી, ખાતર, દારૂગોળો, કેબલ, રબર, રસાયણો, રંગ, દવા, કાચ, કાગળ, સાબુ, સિગારેટ, ચામડાની વસ્તુઓ, ચિનાઈ માટીની વસ્તુઓ વગેરે બનાવવાનાં અનેક કારખાનાં છે. ગાર્ડન રીચના જહાજવાડામાં વેપારી જહાજો, ટગ, યુદ્ધજહાજો વગેરે બંધાય છે. ડેરી, મરઘાંઉછેર અને મત્સ્યઉદ્યોગ પણ વિકસ્યાં છે. રેશમી અને સુતરાઉ કાપડની મિલો કાપડ અને સૂતર તૈયાર કરે છે. હિન્દુસ્તાન તાંબા ઉત્પાદન કેન્દ્ર, કેન્દ્રીય ઔષધ પ્રયોગશાળા, રક્ષા મંત્રાલયનું રાષ્ટ્રીય ઉપકરણ કેન્દ્ર ઇત્યાદિ પણ છે. કલકત્તા ખાતે આઇટીસી લિ. ફિલિપ્સ ઇન્ડિયા, ટાટા સ્ટીલ, બ્રિટાનિયા, ઇમામી, વરેડી, લક્સ અને બિરલા કોર્પોરેશન જેવા એકમો સ્થપાયેલાં છે. કોલ ઇન્ડિયા, ટી બોર્ડ ઑફ ઇન્ડિયા અને હિન્દુસ્તાન કોપર જેવી અનેક સંસ્થાઓ સ્થપાયેલી છે.
કલકત્તાનાં જોવાલાયક સ્થળોમાં પ્રથમ તો હુગલી નદીને કિનારે આવેલાં દક્ષિણેશ્વર અને બેલૂરમઠ છે. દક્ષિણેશ્વર 1847માં રાણી રાસમણિએ બંધાવેલું મંદિર છે. એ મંદિરના પૂજારી શ્રી રામકૃષ્ણ પરમહંસ હતા. એ સ્થાનમાં જ પરમહંસને દેવીનો સાક્ષાત્કાર થયો હતો. બેલૂરમઠ સ્વામી વિવેકાનંદે સ્થાપેલા રામકૃષ્ણ મિશનનું કેન્દ્ર છે. બેલૂરમઠમાં રામકૃષ્ણ પરમહંસની માનવકદની મૂર્તિ છે. એની આસપાસ અનેક મંદિરો આવેલાં છે.
હુગલી નદી પરનો હાવડા પુલ જગતની અજાયબીઓમાં સ્થાન પામ્યો છે. એ પુલની વિશેષતા એ છે કે એની નીચેથી સ્ટીમર પસાર થાય ત્યારે પુલ ઊંચો ઉઠાવાય છે અને સ્ટીમર પસાર થયા પછી પાછો જોડી દેવાય છે. પશ્ચિમાંચલથી કલકત્તાને જોડનાર એકમાત્ર સાંકળ આ પુલ છે.
1891માં બંધાયેલું ધર્મ સજિકા ચૈત્યવિહાર લંકાના બૌદ્ધસાધક શ્રી અનગારિક ધર્મપાલે બંધાવેલું છે. એમાં આંધ્રપ્રદેશનો નાગાર્જુન સાગર ખોદતાં મળી આવેલાં બુદ્ધનાં અસ્થિને રાખવામાં આવ્યાં છે. વિશિષ્ટ પ્રસંગોએ યાત્રીઓ એ અસ્થિનાં દર્શન કરી શકે છે.
બીજા વિશ્વયુદ્ધ પૂર્વે ઢાકુરિયા સરોવરના પુલની નીચે સ્થપાયેલા જાપાની બૌદ્ધ મંદિરની સ્થાપના પૂજ્ય નિશિયાત્સુએ કરેલી. ત્યાં સ્થપાયેલી કાંસાની વિશાળ બુદ્ધમૂર્તિ બ્રહ્મદેશથી લાવવામાં આવેલી. સવારસાંજ નગારાં વગાડી એ મૂર્તિની ઉપાસના કરવામાં આવે છે.
1962માં બિરલાએ બંધાવેલી વેધશાળા ભારતની પ્રથમ વેધશાળા છે. વિશ્વની વેધશાળામાં એનું બીજું સ્થાન છે. એમાં રોજ બે વાર આકાશદર્શન કરાવવામાં આવે છે અને નક્ષત્રો, ગ્રહો તથા તારાઓ વિશે વિગતથી સમજ આપવામાં આવે છે.
1901માં ઇંગ્લૅન્ડની રાણી વિક્ટોરિયાનું મૃત્યુ થયું. એ સમયે કલકત્તા ભારતની રાજધાની હોવાને કારણે તે સમયના બ્રિટિશ ગવર્નર-જનરલ લૉર્ડ કર્ઝને કલકત્તામાં રાણીનું સ્મારક બાંધવા વિચાર્યું અને ગૉથિક શૈલીમાં પાંચ વર્ષમાં એક ભવ્ય ઇમારત તૈયાર કરાઈ. 1906માં પાંચમા જ્યૉર્જે એનું ઉદઘાટન કર્યું અને એને વિક્ટોરિયા મેમોરિયલ નામ આપવામાં આવ્યું. બંગાળીમાં એને વિક્ટોરિયા સ્મૃતિસૌધ કહે છે. એમાં જે રોમન મૂર્તિઓ છે, તે ઇટાલીમાં ઘડવામાં આવી છે. એના ઘડતર માટે રાજસ્થાનમાંથી આરસ લાવવામાં આવ્યા હતા. એ યુરોપીય સ્થાપત્યશૈલીનો પરિચય કરાવે છે. એમાં મૈસૂરના હૈદરઅલીની તલવાર છે તથા વૉરન હેસ્ટિંગ્ઝ તથા ફ્રાન્સિસ વચ્ચે જે દ્વંદ્વયુદ્ધ થયેલું તેમાં વપરાયેલી પિસ્તોલ પણ રાખવામાં આવી છે.
1933માં સ્થપાયેલી એકૅડેમી ઑવ્ ફાઇન આટર્સ (લલિતકલા સંસ્થાન) ભારતનું મોટામાં મોટું કલાસંગ્રહસ્થાન છે અને કલારસિકોને એ અતિ મહત્વની માહિતી પૂરી પાડે છે. એમાં પાંચ વીથિઓ કાયમી છે, જ્યારે સાત વીથિઓ અલ્પકાલીન છે.
1956માં સ્થપાયેલું વનસ્પતિ-ઉદ્યાન (botanical garden) પણ કલકત્તાનું એક અનોખું જોવાલાયક સ્થાન છે. ત્યાં અનેક પ્રકારનાં વૃક્ષો તથા તરેહતરેહની વનસ્પતિ છે. તેમાં બે હજાર વર્ષ જૂનો એક વડ પણ છે.
નહેરુ બાલ જાદુઘરમાં માટીમાંથી તૈયાર કરેલાં પૂતળાં તથા ર્દશ્યો દ્વારા, બાળકો સહેલાઈથી સમજી-માણી શકે તેવી રીતે મહાભારત અને રામાયણની કથાઓ આલેખાઈ છે.
રવીન્દ્રભારતી સંગ્રહસ્થાનમાં રવીન્દ્રનાથે દોરેલાં 42 ચિત્રો તથા અવનીન્દ્રનાથનાં 19 ચિત્રો સંગ્રહાયેલાં છે. તે ઉપરાંત રવીન્દ્રનાથે જાતે ગાયેલાં એમનાં ગીતોની રેકર્ડ તથા એમની જુદી જુદી છબીઓ છે. એમાં એમણે એમનાં નાટકોમાં ભાગ લીધેલો એની છબીઓ પણ સંગ્રહાયેલી છે.
કલકત્તા અનેક મહાપુરુષોના જન્મ તેમજ કર્મની ભૂમિ છે; એમાં કેટલીક વિશ્વવિખ્યાત તેમજ કેટલીક ભારતવિખ્યાત વ્યક્તિઓ છે. વિશ્વવિખ્યાત વ્યક્તિઓમાં નોબેલ પુરસ્કારવિજેતા છ વ્યક્તિઓ છે મલેરિયા વિશે સંશોધન કરનાર રોનેલ્ડ રૉસ; ‘ગીતાંજલિ’ના રચયિતા કવિવર રવીન્દ્રનાથ ઠાકુર; રમણકિરણનું સંશોધન કરનાર ભૌતિકવિજ્ઞાની સી. વી. રમણ; જનસેવામાં સ્વાર્પણ કરનાર મધર ટેરેસા અને અર્થશાસ્ત્રમાં અમર્ત્ય સેન તથા અભિજિત બેનરજીને નોબેલ પુરસ્કારો મળ્યા હતા. રવીન્દ્રનાથ અને અમર્ત્ય સેનની એ જન્મભૂમિ છે ત્યારે અન્ય ત્રણ વ્યક્તિઓની એ કર્મભૂમિ છે. કલકત્તાની અનેક વ્યક્તિઓએ વિશ્વમાં અક્ષયકીર્તિ પ્રાપ્ત કરી છે. એમાં રામકૃષ્ણ પરમહંસ; અમેરિકા અને યુરોપમાં પ્રસિદ્ધિ મેળવી ભારતનો આધ્યાત્મિકતાનો સંદેશો આપનાર સ્વામી વિવેકાનંદ; ક્રાંતિકારી મહર્ષિ અરવિન્દ; વિશ્વના શ્રેષ્ઠ કવિઓમાં સ્થાન મેળવનાર રવીન્દ્રનાથ ઠાકુર તથા નવલકથાકાર શરચ્ચંદ્ર ચટ્ટોપાધ્યાય; મહાન વૈજ્ઞાનિકો જગદીશચંદ્ર બોઝ, મેઘનાદ સાહા તથા પ્રફુલ્લચંદ્ર રે; વિશ્વવિખ્યાત ડૉક્ટર તથા પશ્ચિમ બંગાળના સમર્થ મુખ્ય મંત્રી બિધાનચંદ્ર રૉય; મહાન સમાજસુધારક રાજા રામમોહન રાય; પશ્ચિમના દેશોને ભારતીય સંગીતનું ઘેલું લગાડનાર પંડિત રવિશંકર તથા ભારતીય નૃત્યને વિશ્વમાં પ્રસ્તુત કરનાર એમના ભાઈ ઉદયશંકર; ફિલ્મનિર્માણક્ષેત્રે વિશિષ્ટ ઑસ્કાર એવૉર્ડનું તથા ‘ભારતરત્ન’નું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન પામનાર ફિલ્મ-દિગ્દર્શક સત્યજિત રે; લોકચિત્રકલાને સજીવ રૂપ આપનાર જૈમિનિ રે; વિશ્વવિખ્યાત જાદુગર પી. સી. સરકાર; વિદેશમાં ભારતની આઝાદી માટે ફોજ તૈયાર કરનાર નેતાજી સુભાષચંદ્ર બોઝ; યુરોપમાં જેમનાં ચિત્રોની ખરીદી માટે પડાપડી થાય છે તે આધુનિક ચિત્રકાર ગણેશ પયને તથા વિકાસ ભટ્ટાચાર્ય. એ સર્વેએ વિશ્વમાં કલકત્તાનું ગૌરવ વધાર્યું છે.
વિશ્વવિખ્યાત વ્યક્તિઓની જેમ ભારતવિખ્યાત વ્યક્તિઓ પણ કલકત્તાએ સારા પ્રમાણમાં અર્પી છે. રાજકીય ક્ષેત્રે સ્વાતંત્ર્ય પૂર્વેની રાષ્ટ્રીય કૉંગ્રેસના છ પ્રમુખો કલકત્તાએ આપ્યા છે. તે છે વ્યોમેશચંદ્ર બૅનરજી; સુરેન્દ્રનાથ બૅનરજી; દેશબંધુ ચિત્તરંજન દાસ; 1930-32ના સત્યાગ્રહસંગ્રામ સમયે કાનૂનભંગના કાર્યક્રમરૂપે કલકત્તામાં કૉંગ્રેસ અધિવેશન ભરાયું હતું તેનાં પ્રમુખ શ્રીમતી નીલી સેનગુપ્તા; નેતાજી સુભાષચંદ્ર બોઝ અને મૌલાના અબુલ કલામ આઝાદ. સંગીતના ક્ષેત્રમાં વિખ્યાત સરોદવાદક અલીઅકબરખાં; તબલાવાદક નિખિલ બૅનરજી; પંડિત રવિશંકરના ગુરુ અલાદિયાખાં; ગાયનક્ષેત્રે પંકજ મલિક, જ્યુથિકા રે, હેમંતકુમાર તથા મન્ના ડે; નવલકથાકાર બંકિમ ચટ્ટોપાધ્યાય, જેમણે સ્વાતંત્ર્ય પૂર્વેનું રાષ્ટ્રગીત ‘વન્દે માતરમ્’ આપ્યું; નાટકકારો દ્વિજેન્દ્ર રૉય તથા બાદલ સરકાર; જ્ઞાનપીઠ પુરસ્કારના વિજેતાઓ તારાશંકર બંદોપાધ્યાય, વિષ્ણુ દે અને આશાપૂર્ણાદેવી; વિખ્યાત ચિત્રકારો નંદલાલ બોઝ તથા અવનીન્દ્રનાથ ઠાકુર; મહાન ઇતિહાસકાર જદુનાથ સરકાર; નાટક અને સિનેમાનાં અભિનેતા અને અભિનેત્રીઓ શિશિરકુમાર ભાદુડી, કાનનબાલા, ઉત્પલ દત્ત, કુંદનલાલ સાયગલ, શંભુ મિત્ર અને તૃપ્તિ મિત્ર, અપર્ણા સેન, શર્મિલા ટાગોર તથા રૂપા ગાંગુલી; દિગ્દર્શકો મૃણાલ સેન તથા ઋત્વિક્ ઘટક; નવલકથાકારોમાં વિભૂતિભૂષણ બંદોપાધ્યાય, મહાશ્વેતાદેવી, વિમલ મિત્ર; સમાજસેવકોમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર તથા કેશવચંદ્ર સેન; મહાન ક્રાંતિકારીઓમાં જતિન દાસ, બારિન બોઝ, રાસબિહારી બોઝ તથા વીણા દાસ; ભારતની પ્રથમ વિમાનચાલિકા દુર્વા બૅનરજી; એ સર્વેની કીર્તિ ભારતભરમાં વિસ્તરી છે. ખેલકૂદના ક્ષેત્રમાં પણ મોહન બાગાન ટીમ એકવાર વિશ્વ-ફૂટબૉલ સ્પર્ધામાં વિજેતા બની છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રહેલાં સૌરવ ગાંગુલીના નામે પણ ઘણા રેકોર્ડ નોંધાયા છે. લિએન્ડર પેસનો જન્મ પણ કલકત્તામાં થયો હતો.
1977થી 2001 સુધી સતત 24 વર્ષ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે રાજ્યની ધુરા અત્યંત કુશળતાથી સંભાળનાર જ્યોતિ બસુને પણ યાદ કરવા જોઈએ. કલકત્તામાં ઉચ્ચશિક્ષણ લઈને તે વિલાયત જઈ ત્યાં બૅરિસ્ટર થઈ આવ્યા. પછી વકીલાત કરવાને બદલે એ દેશસેવાની ભાવનાથી ભારતીય સામ્યવાદી પક્ષના કાર્યકર તરીકે જોડાયા. ચીનમાં માઓત્સે તુંગે જે રીતે ચીનની કાયાપલટ કરી, તેથી પ્રેરાઈને એમણે સામ્યવાદી પક્ષથી છૂટા પડી માર્ક્સવાદી સામ્યવાદી પક્ષની સ્થાપના કરી અને 1977થી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બન્યા. એમણે રાજ્યસંચાલન એટલી કુશળતાથી કર્યું કે તે પછી બધી જ ચૂંટણીઓમાં એમણે ઝળહળતો વિજય પ્રાપ્ત કર્યો હતો. ભારતનાં ઘણાંખરાં રાજ્યોમાં કોમી હુલ્લડો થયાં, પણ બંગાળમાં એમણે સરકારની ધુરા હાથમાં લીધા પછી કોમી હુલ્લડથી બંગાળ મુક્ત રહ્યું હતું. કલકત્તાની જે પ્રગતિ થઈ છે તેનો ઘણો યશ એમને પણ ઘટે છે.
કલકત્તાએ ભારત અને બાંગલાદેશ બંનેને રાષ્ટ્રગીતો આપ્યાં. રાજકીય રીતે તો એ ભારતની રાજધાની રહ્યું નથી, પરંતુ આજે પણ કલાના ક્ષેત્રમાં તો એ રાજધાની ગણાય છે.
ચન્દ્રકાન્ત મહેતા