કર્ણાટકી, અમીરબાઈ [જ. 19 ફેબ્રુઆરી 1912, બોળગી (કર્ણાટક); અ. 7 માર્ચ 1965, મુંબઈ] : જાણીતાં નાયિકા. મૅટ્રિક ઉત્તીર્ણ. વણકર પિતાની પાંચ પુત્રીઓ પૈકી મોટાં ગૌહરબાઈ મુંબઈમાં ચલચિત્રોનાં અભિનેત્રી અને બીજાં અહલ્યાબાઈ રેડિયોમાં ગાયિકા હોવાના લીધે અમીરબાઈ પંદર વર્ષની વયે કામ મેળવવા મુંબઈ આવ્યાં. સૌપ્રથમ ‘હિઝ માસ્ટર્સ વૉઇસ’ સંસ્થાએ એમની કવ્વાલીની રેકર્ડ બહાર પાડી.
ચલચિત્રમાં પ્રથમ કામ ‘વિષ્ણુભક્તિ’(1934)માં મળ્યું. પ્રારંભમાં ગાયિકા-અભિનેત્રી અને પછી માત્ર પાર્શ્વગાયિકા જ રહ્યાં. ‘કિસ્મત’, ‘ભર્તૃહરિ’, ‘કારવાં’, ‘લીલા’, ‘શહનાઈ’, ‘સિંદૂર’, ‘રતન’ અને બીજાં અનેક ચલચિત્રોમાં ઉત્કૃષ્ટ ગીતો ગાયાં પછી કેટલાંક સ્ટંટ ચલચિત્રોમાં નાયિકા અને કેટલાંક સામાજિક ચિત્રોમાં ચરિત્ર-અભિનેત્રી તરીકે કામ કર્યું. અઢાર ગુજરાતી અને સંખ્યાબંધ રાજસ્થાની ચલચિત્રોમાં પણ કંઠ આપ્યો. ચલચિત્રની બહારનું તેમનું ગાયેલું ‘વૈષ્ણવ જન તો તેને કહીએ’ ભજન ગાંધીજીને પણ બહુ પ્રિય હતું. કર્ણાટકમાં તેઓ ‘કન્નડ કોકિલા’ના લોકબક્ષ્યા નામે પણ ઓળખાતાં. તેમનાં કેટલાંક અવિસ્મરણીય ગીતોમાં ‘ઘર ઘરમેં દિવાલી હૈ’ (‘કિસ્મત’), ‘માર કટારી મર જાના’ (‘શહનાઈ’), ‘ચંદા દેશ પિયા કે જા’ (‘ભર્તૃહરિ’), ‘ઓ પ્રીતમ પ્યારે’ (‘લીલા’) વગેરે હિંદી તેમજ ‘મારે તે ગામડે’ (‘રાણકદેવી’), ‘મહોબ્બતમાં મારી દિલબર’ (‘ગુણસુંદરી’) જેવાં ગુજરાતી ગીતો છે. તેમનામાં કોઠાની ગાયિકાઓની પરંપરાગત લઢણ સાથે ભદ્રવર્ગીય ગાયિકાઓની શૈલીના સમન્વય ઉપરાંત અભિવ્યક્તિમાં ભાવપ્રવણતા અને સ્વરમાં અંતર્નિહિત વેદના હોવાના કારણે ગાયનની આગવી મુદ્રા ઊપસી આવી હતી. 1945 સુધીમાં ત્રણ વાર છૂટાછેડા લીધા. હિમાલયવાલા નામના ચલચિત્ર-વિતરક અને અભિનેતા સાથેનાં લગ્ન, પતિની સતામણીને કારણે વિચ્છેદમાં પરિણમતાં ચોથું લગ્ન ગુજરાતી પત્રકાર-તંત્રી બદરી કાચવાલા સાથે કર્યું, જે તેમના મરણપર્યંત ટકી રહ્યું હતું.
રજનીકુમાર પંડ્યા