કર્ણસ્રાવ

January, 2006

કર્ણસ્રાવ (otorrhoea) : કાનમાંથી નીકળતું પરુ. મધ્યકર્ણમાં ચેપ લાગે ત્યારે તે જોવા મળે છે. તેને મધ્યકર્ણશોથ (otitis media) કહે છે. ક્યારેક બહારના કાન કે બાહ્યકર્ણનળીમાં ચેપ લાગવાથી પણ તે થાય છે. કાનની બહારની નળીમાં પરુવાળી ફોલ્લી થાય ત્યારે સખત દુખાવો થાય છે અને મોં ખોલ-બંધ કરતાં તકલીફ પડે છે. બહારના કાનમાં સોજો આવવાથી અવાજના તરંગોનું વહન અટકે છે અને તેથી બહેરાશ આવે છે. ફોલ્લી ફાટે છે ત્યારે કાનમાંથી થોડું પરુ બહાર આવે છે. ઍન્ટિબાયૉટિક, પીડાનાશક અને શામક (soothing agent) ઔષધનાં ટીપાં ઉપયોગી દવાઓ છે. મધુપ્રમેહના દર્દીમાં તે વારંવાર થાય છે તથા સહેલાઈથી મટતું નથી, માટે તેની નિદાન-તપાસ તથા જરૂર પડ્યે સારવાર કરાય છે.

કર્ણફૂગવિકાર(otomycosis)ના દર્દીમાં બહારના કાનમાં ફૂગ થવાને કારણે ખૂજલી આવે છે અને પ્રવાહી બહાર આવે છે. તેને શાસ્ત્રીય ર્દષ્ટિએ કર્ણસ્રાવ કહેવાતો નથી. ગરમી અને ભેજવાળા વાતાવરણમાં કે ઍન્ટિબાયૉટિકના અયોગ્ય ઉપયોગ પછી કાનમાં ફૂગ થાય છે. કાનની બહારની નળીને સંપૂર્ણપણે સાફ કરી પ્રતિફૂગ (antimycotic) ઔષધનાં ટીપાં નખાય છે. ખરજવાજન્ય બાહ્યકર્ણશોથ(eczematous otitis externa)માં ઍલર્જીને કારણે તથા માથામાં ખોડો થયો હોય ત્યારે ત્વક્તેલસ્રાવી (seborrhoeic) બાહ્યકર્ણશોથ થાય છે. ખોરાકનાં દ્રવ્યો, વાતાવરણમાંના રજકણ, ચશ્માંની ફ્રેમ, કાનમાં નખાતાં દવાનાં ટીપાં, કાનમાં પહેરાતાં આભૂષણો, મોં પર છંટાતો પાઉડર કાનમાં જાય વગેરે સંજોગોમાં ઍલર્જી થઈ શકે છે. ઍલર્જી થાય ત્યારે ખૂજલી આવે, કાન લાલ થઈ જાય, સોજો આવે તથા કાનમાંથી પ્રવાહી બહાર નીકળે છે. દાણાદાર કર્ણપટલશોથ(granular myringitis)ના દર્દીમાં પણ કર્ણસ્રાવ જોવા મળે છે.

શિલીન નં. શુક્લ

રાજેન્દ્ર બાળગે