કર્ણરોગો (આયુર્વેદ) : કાનની અંદર થતા રોગો. આયુર્વેદમાં ‘સુશ્રુત સંહિતા’માં કાનની અંદર થતા 28 રોગો દર્શાવ્યા છે. તેમાં મહત્વના નીચે મુજબ છે : કર્ણશૂળ, કર્ણનાદ, બાધિર્ય (બહેરાશ), કર્ણક્ષ્વેડ, કર્ણસ્રાવ, કર્ણકંડૂ, કર્ણગૂથ, કર્ણકૃમિ, કર્ણપાક, કર્ણવિદ્રધિ, પૂતિકર્ણ, કર્ણાર્શ, કર્ણાર્બુદ, કર્ણશોથ ઇત્યાદિ.
મુખ્ય કર્ણરોગોની સારવાર : (1) કર્ણકંડૂ (ચળ) : વાયુથી કાનમાં ચળ આવતી હોય તો કાનમાં સરસિયું તેલ કે મહાનારાયણ તેલ ગરમ કરી ટીપાં પાડવાં. કફદોષની ચળ હોય તો કાનમાં મરિચ્યાદિ તેલ, ક્ષારતેલ, સ્વમૂત્ર, કરંજતેલ કે ગોમૂત્ર જરા ગરમ કરી કાનમાં ટીપાં પાડે છે. સાથે લઘુયોગરાજ ગૂગળ, ત્રિફળાગૂગળ, સારિવાદિ વટી કે વિડંગાદિ ચૂર્ણનું સેવન કરવું હિતાવહ ગણાય છે.
(2) કર્ણનાદ (અવાજ થવો) તથા કર્ણક્ષ્વેડ : વાતદોષજ પ્રકારમાં તલનું તેલ કે સરસિયું, અપામાર્ગ તેલ, રસોનતેલ, મહાનારાયણ તેલ કે બદામતેલ જરા ગરમ કરી કાનમાં ટીપાં પાડે છે. કાનના મૂળમાં તે તેલની માલિસ કરવામાં આવે છે. કફદોષજ પ્રકારમાં અપામાર્ગ તેલ, ક્ષારતેલ કે લશુનાદિ તેલનાં ટીપાં નાખે છે. સૂંઠ અને ગોળનું પાણીમાં દ્રાવણ બનાવી નાકમાં તેનાં ટીપાં પાડે છે. તે સાથે દશમૂલારિષ્ટ, રાસ્નાગૂગળ, સારિવાદિ વટી, મહાયોગરાજ ગૂગળ, ચ્યવનપ્રાશાવલેહ કે શતાવરી-ઘૃતનું સેવન કરાય છે.
(3) કર્ણશૂળ (સબાકારૂપ પીડા) : વાતદોષજ પ્રકારમાં તલતેલ, સરસિયું, રસોનતેલ કે પંચગુણતેલનાં ટીપાં નાખે છે તથા તે તેલની કાનની ચારે તરફ માલિસ કરાય છે. વરાળિયો શેક પણ કરી શકાય છે. પિત્તદોષજ પ્રકારમાં કાનમાં ધાવણ, લીંબોળીનું તેલ કે સુખડના તેલનાં ટીપાં નાખે છે. કાન ફરતે ઘીની માલિસ કરે છે. કફદોષજ પ્રકારમાં સરસિયું, રસોનતેલ, પંચગુણતેલ, કર્ણામૃત કે કર્ણબિંદુનાં ટીપાં કાનમાં પાડે છે. કોરો શેક કરે છે. માથે ટોપી પહેરે છે. કાનમાં રૂનું પૂમડું રાખે છે. સૂંઠ-ગોળની ગોળી ખાવી કે લસણ તેલમાં કકડાવીને ખાવું હિતાવહ ગણાય છે.
(4) કર્ણસ્રાવ (કાનમાંથી રસી) તથા પૂતિકર્ણ : (કાનમાં દુર્ગંધી પરુ થવું); કાનમાં જાત્યાદિ તેલ, નિમ્બતેલ, કરંજતેલ, પંચગુણતેલ, ક્ષારતેલ, નિશા(હળદર)તેલ કે મધનાં ટીપાં નાખે છે. લીમડાનાં પાનનો કાનને ધુમાડો આપે છે. સાથે ખાવામાં સારિવાદિ વટી, ત્રિફળાગૂગળ, સ્વમૂત્ર કે ગોમૂત્રનું સેવન કરે છે. ગળ્યો, ખાટો, ચીકાશવાળો, ભારે, પ્રવાહી આહાર નિષિદ્ધ ગણાય છે. પાણીમાં તરવું, દિવસની નિદ્રા તથા વધુ પડતી નિદ્રા ત્યજવી જોઈએ. હળવો, લૂખોસૂકો ખોરાક લેવાની અને આદું, હળદર, સૂંઠ, મરી ખાવામાં વધુ પ્રમાણમાં લેવાની સલાહ અપાય છે.
(5) કર્ણબાધિર્ય (બહેરાશ) : નબળાઈ, વાયુદોષજન્ય તથા વૃદ્ધા-વસ્થાદોષજન્ય બહેરાશમાં સરસિયું તેલ, બદામતેલ, બાલબિલ્વાદિ તેલ, મહાનારાયણ તેલ વગેરેનાં ટીપાં કાનમાં પાડે છે. કાન ફરતે તે તેલનું માલિસ કરે છે. ખાવામાં મહાયોગરાજ ગૂગળ, ચ્યવવનપ્રાશ, સારિવાદિ વટી, દશમૂલારિષ્ટ કે અશ્વગંધારિષ્ટ લે છે. કફ(શરદી)-દોષજન્ય બહેરાશમાં તમામ ભારે, ગળ્યો, ચીકણો, ઠંડો ખોરાક બંધ કરવામાં આવે છે. કાનમાં અર્કતેલ, રસોનતેલ, સરસિયું, અપામાર્ગક્ષાર તેલ, આકડાનાં પાકાં પાનનો ગરમ રસ વગેરેનાં ટીપાં નાખવામાં આવે છે. તે સાથે સારિવાદિ વટી, મહાયોગરાજ ગૂગળ, ત્રિફળાગૂગળ, દશમૂલારિષ્ટ લઈ શકાય. સૂંઠ-ગોળનું પાણી બનાવી તેનાં ટીપાં નાકમાં નાખવામાં આવે છે. આ દર્દી કાનમાં કાયમ રૂનાં પૂમડાં, હિંગ કે લસણ વીંટીને મૂકે છે. દર્દીને માટે ઠંડો પવન, વાતાનુકૂલિત વાતાવરણ વગેરે, તરણપ્રવૃત્તિ, માથાબોળ સ્નાન, અતિ બોલવું, વધુ પ્રવાહી પીવું વગેરે વસ્તુ નિષિદ્ધ ગણાય છે.
શોભન વસાણી
બળદેવપ્રસાદ પનારા