કર્ક-નિહારિકા

January, 2006

કર્ક-નિહારિકા : મેશિયરે સૌથી પહેલી જોયેલી અને પોતાના તારાપત્રકમાં M1 તરીકે નોંધેલી નિહારિકા. તે કર્ક રાશિમાં નહિ પણ વૃષભ રાશિના રોહિણી તારા તરફના શીંગડાની ટોચના તારાની નજદીક આવેલી છે. આપણાથી 3500 પ્રકાશવર્ષ દૂર આવેલી અને 3 પ્રકાશવર્ષનો વ્યાસ ધરાવતી કર્ક-નિહારિકાનું દર્શન શક્તિશાળી દૂરબીન વિના શક્ય નથી.

વાસ્તવમાં જેમાંથી તારા જન્મે છે તે પ્રકારની આ કર્ક-નિહારિકા નથી, પણ એક અધિનવ (supernova) તારાનો તે વાયુસ્વરૂપ અવશેષ છે. એ અધિનવનો વિસ્ફોટ 1054ના જુલાઈની 4 તારીખે થયો હતો, જેની નોંધ ચીન અને જાપાનમાં લેવાયેલી છે. તે સ્થાને આજે ‘પલ્સાર’ છે. તે ન્યુટ્રૉન તારો ગણાય છે.

અધિનવના વિસ્ફોટ પછી એનું મોટાભાગનું દ્રવ્ય અવકાશમાં વેરવિખેર થઈ ગયું હતું પણ જે કંઈ અવશિષ્ટ બચ્યું તે આજે પણ મોટી દીર્ઘવૃત્તાકાર નિહારિકાનું સ્વરૂપ દાખવે છે. સ્ફટિકના અવશેષ સમો એક શ્વેત વામન તારો નિહારિકાના કેન્દ્રમાં આવેલો છે. કર્ક-નિહારિકા આજે પણ વિસ્તરી રહી છે. એનો વ્યાસ દર સેકંડે 1100 કિમી.ના દરે વધતો રહે છે.

કર્ક-નિહારિકા અતિ પ્રબળ રેડિયો વિકિરણનો સ્રોત છે, જે ‘વૃષભ A રેડિયો તારા’ નામથી પ્રસિદ્ધ છે. તે સિવાય કર્ક-નિહારિકા ઍક્સ-કિરણોનો સ્રોત પણ છે.

છોટુભાઈ સુથાર