કર્કવૃત્ત : પૃથ્વીના ગોળા પરનું 23o 30′ ઉત્તરે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે કર્કવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિન્દુથી ઉત્તર ગોળાર્ધ તરફનું 23o 30′ કોણીય અંતર ગણાય. કર્કવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની ઉત્તર સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુની પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની ધરીને કક્ષાની સપાટી સાથે 23o 30’ને ખૂણે નમેલી રાખીને ફરે છે. આ સ્થિતિમાં તે વધુમાં વધુ ઉત્તરે આવે છે ત્યારે સૂર્યનાં સીધાં કિરણો આ રેખા પર પડે છે. સૂર્ય ઉત્તર તરફ વધુમાં વધુ આ રેખા સુધી જ આવી શકે છે. દર વર્ષે પૃથ્વી પર આ સ્થિતિ એકવીસમી જૂને સર્જાય છે. આથી વધારે ઉત્તર તરફ સૂર્યનાં સીધાં કિરણો પડી શકતાં નથી. સૂર્ય આ દિવસે કર્કવૃત્ત પર 90o પર લંબસ્થિતિમાં અને દક્ષિણ ધ્રુવવૃત્તથી ક્ષિતિજ પર દેખાય છે.
આ વખતે ઉત્તર ગોળાર્ધમાં ઉનાળાની અને દક્ષિણ ગોળાર્ધમાં શિયાળાની ઋતુ હોય છે. આ દિવસે સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશતો હોવાથી તેને કર્કસંક્રાંતિ પણ કહે છે; 21મી જૂને વિષુવવૃત્તની ઉત્તરે 23o 30′ ઉ. અ. ઉપર સૂર્ય પ્રકાશતો હોય ત્યારે તે કર્ક રાશિમાં પ્રવેશતો હોય છે, તેથી જ આ અક્ષાંશવૃત્તને ‘કર્કવૃત્ત’ નામ અપાયેલું છે. કર્ક રાશિનું નામ કરચલા જેવો આકાર રચતા તારાઓના સમૂહ પરથી પડેલું છે. એકવીસમી જૂન એ ઉત્તર ગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ અને દક્ષિણ ગોળાર્ધમાં ટૂંકામાં ટૂંકો દિવસ હોય છે. આ દિવસ પછીથી સૂર્ય દક્ષિણ તરફ ખસતો જાય છે (વાસ્તવમાં તો પૃથ્વીની સ્થિતિ બદલાતી જાય છે), તેથી ત્યારથી દક્ષિણાયનની શરૂઆત થઈ ગણાય છે. ઉત્તર ગોળાર્ધ માટે તે પછીથી દિવસની લંબાઈ ઘટતી જાય છે અને દક્ષિણ ગોળાર્ધ માટે તે વધતી જાય છે. વિષુવવૃત્તથી ઉત્તરે કર્કવૃત્ત તથા દક્ષિણે મકરવૃત્ત સુધીનો પ્રદેશ ઉષ્ણકટિબંધ કહેવાય છે.
કર્કવૃત્ત ઉત્તર અમેરિકાના મેક્સિકો, આફ્રિકાના વેસ્ટર્ન સહરા, મૉરિટાનિયા, માલી, અલ્જિરિયા, લિબિયા, ઇજિપ્ત; એશિયાના સાઉદી અરેબિયા, યુ.એ.ઈ., ઓમાન, ભારતના ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મિઝોરમ રાજ્યો; બાંગ્લાદેશ, મ્યાનમાર, વિયેટનામ અને ચીનમાંથી પસાર થાય છે. ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આવેલા સલાલ ગામ નજીકથી તે પસાર થાય છે એવો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 8 પર સામાન્ય નાગરિકોની જાણકારી માટે નિર્દેશ કરાયેલો છે.
શિવપ્રસાદ રાજગોર
નીતિન કોઠારી