કરુણપ્રશસ્તિ (elegy) : વ્યક્તિના મૃત્યુને વિષય કરતું એનાં સ્મરણ અને ગુણાનુરાગને આલેખતું ને અંતે મૃત્યુ કે જીવનવિષયક વ્યાપક ચિંતન-સંવેદનમાં પરિણમતું કાવ્ય. ચિંતનનું તત્વ એને, કેવળ શોક-સંવેદનને વ્યક્ત કરતા લઘુકાવ્ય ‘કબ્રકાવ્ય’(epitaph)થી જુદું પાડે છે. ઈ.પૂ. છઠ્ઠી-સાતમી સદીથી પ્રચલિત, લઘુગુરુ વર્ણોનાં છ અને પાંચ આવર્તનો ધરાવતા અનુક્રમે hexameter અને pentameterના પંક્તિયુગ્મવાળા ‘ઍલિજી’ નામના છંદ ને સ્વરૂપ માટે પણ એ જ સંજ્ઞા સ્વીકારી લઈને ગ્રીક (ને પછી રોમન) કવિતામાં ખેડાતું થયેલું આ સ્વરૂપ આરંભે તો માત્ર મૃત્યુવિષયક નહોતું; યુદ્ધ, પ્રેમ, રાજકીય કટાક્ષ જેવા વિષયો પણ તેમાં આલેખાતા. ઈ. પૂ. બીજી સદીના કવિ બીઓંનું ગોપશૈલીમાં લખાયેલું ‘લેમેન્ટ ફૉર અડોનિસ’ આ પ્રકારનું પ્રારંભિક કાવ્ય છે પણ એમાં વિષય તરીકે વાસ્તવિક વ્યક્તિ નહિ પણ કાલ્પનિક પાત્ર હોવાથી, એ જ સમયના અન્ય કવિ મોશ્ચસનું ‘લેમેન્ટ ઑવ્ મોશ્ચસ્ ફૉર બીઓં’ પહેલું કરુણપ્રશસ્તિકાવ્ય ગણાયું છે. અંગ્રેજીમાં સોળમી-સત્તરમી (પૂર્વાર્ધ) સદીઓમાં તો કરુણપ્રશસ્તિનું વિષયવૈવિધ્ય વ્યાપક – પેટ્રાર્કન પ્રેમકવિતાથી શોકગીત સુધીનું હતું પણ પછી ડને ‘મૃત્યુવિષયક કરુણપ્રશસ્તિ’ (funeral elegy) નામથી એને કેવળ શોકવિષયક કવિતા તરીકે જુદું પાડ્યું. સ્પેન્સરનું ‘ટફનેઇદા’ (1591), મિલ્ટનનું ‘લિસિડેસ’ (1637), શૈલીનું ‘એડોનેઇસ’ (1821), ટેનિસનનું ‘ઇન મેમૉરિયમ’ (1850) અને મૅથ્યુ આર્નોલ્ડનું ‘થર્સિસ’ (1861) અંગ્રેજી ભાષાની મહત્વની કરુણપ્રશસ્તિઓ ગણાઈ છે. જર્મન કવિ રિલ્કેની ‘દુઈનો ઍલિજીસ’ (1912-22) આધુનિક કરુણપ્રશસ્તિઓમાં સૌથી વધુ પ્રભાવક કૃતિ છે.
ગુજરાતીમાં તે અંગ્રેજી સાહિત્યના સંપર્કે ઓગણીસમી સદીના ઉત્તરાર્ધથી અવતરતાં થયેલાં સ્વરૂપોમાંનું એક છે. એ પૂર્વે ગુજરાતી લોકસમાજમાં પ્રચલિત મૃતાત્માવિષયક વિલાપગીતો રાજિયા-મરસિયા હતા, પણ એ સાહિત્યકૃતિઓ નથી. ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં પ્રેમાનંદ સખીએ સહજાનંદના મૃત્યુ વિશે લખેલાં શોકસ્મરણ દ્વારા સ્વભાવોક્તિ ચિત્રો ઉપસાવતાં પદોમાં કરુણપ્રશસ્તિનાં કેટલાંક લક્ષણો જોઈ શકાય. અલબત્ત, ગુજરાતીમાં સ્વરૂપ તરીકે રૂઢ થયેલ આ પ્રકારમાં અંગ્રેજી ઍલિજીનું જ અનુસંધાન છે. આનંદશંકર ધ્રુવે નરસિંહરાવના ‘સ્મરણસંહિતા’ માટે પહેલી વાર ‘મરણ નિમિત્તક કરુણપ્રશસ્તિ’ શબ્દ યોજ્યો ને એ પછી તે શબ્દ રૂઢ થયો. ગુજરાતીનું પહેલું કરુણપ્રશસ્તિ કાવ્ય દલપતરામનું ‘ફારબસવિરહ’ (1865). એમાં ફૉબર્સવિષયક શોકસંવેદન, સ્મરણ અને પ્રશસ્તિનું સોરઠામાં થયેલું નિરૂપણ નોંધપાત્ર છે. એ પછી અંગત શોક-ઊર્મિ અને ચિંતનને અનુષ્ટુપની ધીર-ગંભીર પદાવલિમાં નિરૂપતું ન્હાનાલાલનું ‘પિતૃતર્પણ’ (1910); ‘ઇન મેમૉરિયમ’ના મૉડેલ પર રચાયેલું પણ એના કરતાં સુબદ્ધ બનતું તે ‘મંગલ મંદિર ખોલો’ એ જાણીતું પ્રાર્થના-ગીત ધરાવતું નરસિંહરાવનું ‘સ્મરણસંહિતા’ (1914); શોક અને સ્મરણમાં જ ચિંતનને અનુસ્યૂત રાખતું બળવંતરાય ઠાકોરનું ‘અ. સૌ. નર્મદા’; પુત્રી તેમિનાના અવસાન નિમિત્તે રચેલું ખબરદારનું લાંબા પથરાટવાળું ‘દર્શનિકા’ (1931); સૉનેટના લાક્ષણિક વળાંકમાં સ્મરણચિંતનને ગૂંથતું રામનારાયણ પાઠકનું ‘છેલ્લું દર્શન’ કરુણપ્રશસ્તિની પરંપરાને ર્દઢ અને સમૃદ્ધ બનાવતી કૃતિઓ છે. ગાંધીયુગમાં સુન્દરમ્નું ‘ભક્તિધન નારદ’, ઉમાશંકરનું ‘સદગત મોટાભાઈને’, સુંદરજી બેટાઈનું ‘સદગત ચંદ્રશીલાને’, ‘હરિશ્ચંદ્ર ભટ્ટનું ‘નિર્દોષ ને નિર્મળ આંખ તારી’ આદિ મહત્વનાં કાવ્યો છંદ, પદાવલી તથા નિરૂપણના વૈવિધ્યથી તે તે કવિની આગવી મુદ્રા ઉપસાવે છે. ઉશનસનાં માતા-પિતાનાં મૃત્યુ વિશેનાં સૉનેટ કરુણપ્રશસ્તિનું એક લાક્ષણિક રચનારૂપ ધરાવે છે. આધુનિક સમયમાં રાધેશ્યામ શર્માનું ‘પિતાનું મૃત્યુ’ અને સિતાંશુ યશશ્ચંદ્રનું ‘પ્રવીણ જોશીને અલવિદા’ આદિ રૂઢ સ્વરૂપથી ફંટાતી લાક્ષણિક કૃતિઓ છે. આ ઉપરાંત ગાંધીજી (ને હમણાં ઉમાશંકર) જેવી વ્યાપક પ્રેમાદરભાજન વ્યક્તિઓના અવસાન નિમિત્તે લખાયેલાં સંખ્યાબંધ કાવ્યોમાં શ્રદ્ધાંજલિઓનું પ્રમાણ સવિશેષ જોવા મળે; અલબત્ત, ક્યાંક શ્રદ્ધાંજલિને કરુણપ્રશસ્તિથી જુદી પાડવી શક્ય ન પણ હોય. ગુજરાતી કરુણપ્રશસ્તિમાં સૉનેટ, ગઝલ, ગીત, સોરઠા આદિ વિવિધ છંદો-રૂપો પ્રયોજાયાં છે.
રમણ સોની